`ભોલા રિવ્યુ`: ઇમોશન્સની જગ્યા લીધી માઇન્ડલેસ ઍક્શને

31 March, 2023 09:44 AM IST  |  Mumbai | Harsh Desai

સ્ટન્ટ્સને વધુ ગ્રૅન્ડ દેખાડવામાં ઘણી વાર મેકર્સ ભૂલી જાય છે કે એ એટલા હમ્બગ પણ લાગે છે : બાપ–દીકરીનાં ઇમોશન્સને વધુ સારી રીતે દેખાડવાની જરૂર હતી અને ડાયલૉગ શ્રીમદ ભગવદ્ગીતાના લેવલના રાખવાની જરૂર નહોતી

અજય દેવગન ઇન ફિલ્મ ભોલા

ફિલ્મ : ભોલા

કાસ્ટ : અજય દેવગન, તબુ, દીપક ડોબરિયાલ

ડિરેક્ટર : અજય દેવગન

સ્ટાર : ૨.૫ (ઠીક-ઠીક)

અજય દેવગનની ‘ભોલા’ ગઈ કાલે રિલીઝ થઈ હતી જેમાં ઍક્ટિંગ કરવાની સાથે તેણે એને પ્રોડ્યુસ અને ડિરેક્ટ પણ કરી છે. આ ફિલ્મમાં તેની સાથે દીપક ડોબરિયાલ અને તબુએ પણ કામ કર્યું છે.

સ્ટોરી ટાઇમ

તબુએ આ ફિલ્મમાં પોલીસ-ઑફિસર ડાયના જોસેફનું પાત્ર ભજવ્યું છે. તે એક હજાર કિલો ડ્રગ્સની ટ્રકને પકડે છે. આ ડ્રગ્સ સિક્કા ગૅન્ગનું હોય છે. જોકે ડ્રગ્સ પકડીને કેસ આગળ કઈ રીતે વધારવો એ માટે તે આઇજીને મળવા જાય છે. આઇજી રિટાયર થઈ રહ્યો હોય છે અને ત્યાં મોટા ભાગના હાઈ રૅન્ક ઑફિસર તેમને મળવા ગયા હોય છે. સિક્કા ગૅન્ગના લોકો આ પાર્ટીમાં પોલીસ-ઑફિસર જે આલ્કોહૉલ લઈ રહ્યા હોય છે એમાં ડ્રગ્સ મિલાવીને તેમને બેભાન કરીને ડ્રગ્સ છોડાવી લેવા માગતા હોય છે. તેમ જ જે ઑફિસરે એ ડ્રગ્સ પકડ્યું હોય છે તેમનું મર્ડર કરવા માગતા હોય છે. જોકે ડાયના જોસેફે મેડિસિન લીધી હોવાથી તે દારૂ નથી પીતી. જોકે ૪૦ પોલીસ-ઑફિસર બેભાન થઈ ગયા હોવાથી તે ડ્રગ્સની રેઇડ બાદ સીધી રેસ્ક્યુ મિશન હાથમાં લે છે. તે આ પોલીસ-ઑફિસર્સને બચાવવા માગતી હોય છે. જોકે આ રેસ્ક્યુ મિશન તેના માટે મુસીબત બને છે. આ મુસીબતમાં તેની મદદે અજય દેવગન આવે છે. જોકે તે મદદે નથી આવતો, તેને ઇમોશનલી બ્લૅકમેલ કરવામાં આવે છે. અજય દેવગને ભોલાનું પાત્ર ભજવ્યું છે, જે નામ છેક છેલ્લે જાહેર કરવામાં આવે છે પરંતુ ફિલ્મના નામ પરથી ખબર જ હોય છે કે તેનું નામ ભોલા છે તો સસ્પેન્સ રાખવાની જરૂર શું હતી એ અલગ વાત છે. તે જેલમાંથી દસ વર્ષની સજા કાપીને બહાર આવ્યો હોય છે. તે તેની દસ વર્ષની દીકરીને મળવા જઈ રહ્યો હોય છે જે અનાથ આશ્રમમાં મોટી થઈ રહી હોય છે. 

આ દરમ્યાન તે સીધો જવાબ ન આપતાં ઍટિટ્યુડ પ્રૉબ્લેમને કારણે તેને ફરી પોલીસ પકડી લે છે. પાર્ટી હોવાથી એ પોલીસ તેને આઇજીની પાર્ટીમાં લઈને આવે છે અને જીપમાં બેસાડી રાખે છે. આ દરમ્યાન તે ડાયનાને મદદ કરે છે. ટ્રક ચલાવવા તે રાજી તો થાય છે, પરંતુ તેમણે ૮૦ કિલોમીટરનું અંતર કાપવાનું હોય છે અને એમાં વચ્ચે સિક્કા ગૅન્ગ તેમના પર સતત હુમલો કરે છે.

સ્ક્રિપ્ટ અને ડિરેક્શન

આ ફિલ્મ લોકેશ કનગરાજની ૨૦૧૯માં આવેલી ‘કૈથી’ની રીમેક છે. લોકેશ કનગરાજે આ ફિલ્મની સ્ટોરી એક રાતની અંદર ગૂંથી હતી. અજય દેવગને પણ એ જ કર્યું છે, પરંતુ તેણે થોડાં એડિશનલ દૃશ્યોનો સમાવેશ કર્યો છે. તો કેટલાંક દૃશ્યો કાઢી પણ નાખ્યાં છે. ઓરિજિનલ ફિલ્મને ઍક્શન અને ઇમોશનલ બનાવવામાં આવી હતી. જોકે આ રીમેક ઍક્શન અને બ્રેઇનલેસ ઍક્શનની વચ્ચે ઝોલાં ખાય છે. ઓરિજિનલમાં ઇમોશન જળવાઈ રહે એ માટે તેની દીકરીનાં કેટલાંક દૃશ્યો દેખાડવામાં આવ્યાં હતાં, જે અહીં થોડાં કટ કરવામાં આવ્યાં છે. અજય દેવગને ઇમોશન કરતાં વધુ ઍક્શન પર ફોકસ આપ્યું છે. ઓરિજિનલ ફિલ્મમાં શિવાનું પાત્ર જે હતું એની બૅક સ્ટોરી દેખાડવામાં નહોતી આવી, પરંતુ અહીં ભોલાના પાત્રની સ્ટોરી થોડીઘણી દેખાડવામાં આવી છે. તેના અને અમલા પૉલના લવ ટ્રૅકને દેખાડવામાં આવ્યો છે. જોકે ઓરિજિનલમાં એને ખૂબ જ સસ્પેન્સ રાખવામાં આવ્યું હતું. એમ છતાં શિવામાં એક વસ્તુ હતી કે તેના પર ગમે એટલો હુમલો કેમ ન થયો હોય, તેણે કોઈને જાનથી નહોતા માર્યા. છેક છેલ્લે જ્યારે ખબર પડે કે આ ગુંડાઓ નથી, પરંતુ રાક્ષસ છે ત્યારે તે નરસંહાર કરે છે. જોકે અહીં ભોલા થોડી જ ક્ષણમાં હાડકાં તોડતો અને જાનથી મારતો જોવા મળે છે. ઓરિજિનલ ફિલ્મમાં ઍક્શન હતી, પરંતુ એ થોડા લૉજિક સાથે હતી. અહીં ફક્ત હીરોઇઝમ દેખાડવા માટે ઍક્શન ચાલી રહી હોય એવું લાગતું હતું. તેમ જ બાઇક અને ટ્રક વચ્ચે જે ચેઝ દૃશ્ય છે એ ખૂબ જ બ્રેઇનલેસ લાગે છે. એ સાચી વાત છે કે ડેબ્યુ ફિલ્મથી અજય દેવગન બાઇક પર સ્ટન્ટ કરતો આવ્યો છે. ‘સિંઘમ’માં પણ તે કારને ફેરવતો જોવા મળ્યો હતો, પરંતુ અહીં તે જ્યારે દસ વર્ષથી જેલમાં હોય અને તેણે બાઇક તો દૂરની વાત, સાઇકલ પણ ન ચલાવી હોય તો કેવી રીતે બાઇકના સ્ટન્ટ કરે અને એ પણ એકદમ પ્રોફેશનલ લેવલના સ્ટન્ટ જે કદાચ ૨૦૦૪માં આવેલી ‘ધૂમ’માં જૉન એબ્રાહમે પણ કરવાની કોશિશ નહોતી કરી. અજય દેવગને તેની ‘શિવાય’ના ગ્રાફિક્સમાં ખૂબ જ મહેનત કરી હતી, પરંતુ ‘ભોલા’ના ગ્રાફિક્સમાં એટલો દમ નહોતો. બાઇક સ્કિડ કરવાનાં જેટલાં પણ દૃશ્યો હોય એમાં કમ્પ્યુટર ગ્રાફિક્સ ખબર પડી રહ્યાં હતાં. ભોલા ભાગ્યે જ કંઈક બોલતો જોવા મળે છે, પરંતુ જ્યારે બોલે છે ત્યારે ખૂબ જ હેવી ડાયલૉગ બોલે છે. તે જેલમાં ભગવદ્ગીતા વાંચી રહ્યો હતો. બની શકે એટલે તે એ પ્રકારના ડાયલૉગ બોલતો હોય, પરંતુ સાંભળનાર વ્યક્તિ એ ચોક્કસ સમયે એટલા હેવી ડાયલૉગ સાંભળવાને લાયક પણ હોવો જોઈએ અને એટલો સમય પણ હોવો જોઈએ. ‘થ્રી ઇડિયટ્સ’માં ઇન્ડક્શન મોટરનું જે દૃશ્ય છે ત્યારે પ્રોફેસર કહે છેને કે આને સરળ ભાષામાં કહો, એ રીતે અહીં પણ એક ડાયલૉગ હોવો જોઈતો હતો.

આ પણ વાંચો: John Wick Chapter 4 Review: સુંદર સૂર્યોદયના દ્રશ્ય સાથે જૉન વિકની સ્ટોરીનો અંત?

પર્ફોર્મન્સ

આ પાત્ર અજય દેવગન માટે ટેલરમેડ હતું. ઓરિજિનલ ફિલ્મમાં પણ કાર્થીએ આ પાત્ર ભજવ્યું હતું એ ખૂબ જ શાંત હતું. અહીં પણ એવું જ છે. શાંત પાત્ર ભજવવું અજય દેવગનની પર્સનાલિટીને ખૂબ જ જચે છે. તે જે રીતે ત્રિશૂલ વડે ઍક્શન કરે છે એ પણ તે ખૂબ જ સારી રીતે કરી જાણે છે. જોકે તેની પાસે ઇમોશનલ દૃશ્ય સારી રીતે ભજવડાવવાં જરૂરી હતાં. દીકરીને લઈને જે પણ દૃશ્યો હતાં એમાં તેનાં ઇમોશન કનેક્ટ નહોતાં થઈ રહ્યાં. તબુએ પોલીસનું પાત્ર ભજવ્યું છે. તેને આ ફિલ્મમાં જોઈને હવે લાગી રહ્યું છે કે પોલીસનું કોઈ પણ પાત્ર હોય, હવે એ તબુને જ આપવું. ઓરિજિનલમાં આ પાત્ર પુરુષનું હતું, પરંતુ બૉલીવુડની ફિલ્મમાં હિરોઇન હોવી જરૂરી છે. એથી એ બદલીને એને મહિલાનું કરી નાખવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં જો કોઈ સરપ્રાઇઝ પૅકેજ હોય તો એ દીપક ડોબરિયાલ છે. તે શું કરશે એની તેને પણ ખબર નથી હોતી. તે ખૂબ જ ક્રેઝી હોય છે, પરંતુ તે ઓવરબોર્ડ નથી થયો. તેણે તેના પાત્રને કન્ટ્રોલમાં રાખ્યું છે અને એથી જ તે ખૂબ જ જોરદાર લાગી રહ્યો છે. ગજરાજ રાવે પણ તેમનું પૉલિટિશ્યનનું પાત્ર ખૂબ જ સારી રીતે ભજવ્યું છે. જોકે બોલી અને ગેટઅપ પરથી તેમને ઓળખવા મુશ્કેલ છે. સંજય મિશ્રાએ કૉન્સ્ટેબલનું પાત્ર ભજવ્યું છે અને તેમણે પણ તેમના પાત્રને પૂરતો ન્યાય આપ્યો છે. વિનીત કુમાર, મકરંદ દેશપાંડે અને કિરણકુમારે પણ મહેમાન ભૂમિકાને સારી રીતે 
ભજવી છે.

મ્યુઝિક

‘ભોલા’માં ગીતનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે એની જરૂર નહોતી લાગી રહી. ખાસ કરીને રોમૅન્ટિક સૉન્ગ છે એની. આ ફિલ્મનું મ્યુઝિક રવિ બસરુરે આપ્યું છે. ગીતનું બૅકગ્રાઉન્ડ ઘણી જગ્યાએ કામ કરી ગયું છે અને એના કારણે ઍક્શન વધુ ઇન્ટરેસ્ટિંગ લાગી છે. જોકે ઘણી વાર એ ઓવર ધ બોર્ડ ગયું હોય એવું પણ લાગે છે.

આખરી સલામ

ફિલ્મ પૂરી થયા બાદ દર્શકો માટે એક સરપ્રાઇઝ છે. ભોલા અહીં અટકવાનો હોય એવું લાગતું નથી. જોકે એન્ડ ક્રેડિટ જોઈને લાગે છે કે પહેલા પાર્ટ કરતાં સીક્વલ વધુ દિલચસ્પ હશે, કારણ કે એ ટુ-બી કન્ટિન્યુડ દ્વારા અંત થાય છે.

entertainment news bollywood news bollywood gossips bollywood ajay devgn harsh desai movie review bollywood movie review tabu deepak dobriyal