ટ્રૅજેડીમાં થયેલા ભેદભાવને દર્શાવતી ફિલ્મ

25 March, 2023 04:29 PM IST  |  Mumbai | Harsh Desai

અનુભવ સિંહાએ દૃશ્યને ડ્રામૅટિક બનાવવાને બદલે વાસ્તવિક રાખવાની કોશિશ કરી છે: રાજકુમારે ખૂબ સારું કામ કર્યું છે, પરંતુ મેડિકલ ઇશ્યુને પણ હાઇલાઇટ કરવાની જરૂર હતી

ભીડ

ભીડ

કાસ્ટ : રાજકુમાર રાવ, 
ભૂમિ પેડણેકર, પંકજ કપૂર, આશુતોષ રાણા, દિયા મિર્ઝા અને ક્રિતિકા કામરા
ડિરેક્ટર : અનુભવ સિંહા

રાજકુમાર રાવ અને અનુભવ સિંહાની ‘ભીડ’ ગઈ કાલે રિલીઝ થઈ છે. આ ફિલ્મને કોરોનાકાળ દરમ્યાન બનાવવામાં આવી છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું ત્યારે એમાં નરેન્દ્ર મોદી દ્વારા લાગુ કરવામાં આવેલા લૉકડાઉનનો અવાજ હતો અને એક ડાયલૉગ વિભાજન દરમ્યાનનો પણ હતો. આ બન્ને વસ્તુ સાથે હોવાથી ફિલ્મને ઍન્ટિ-ઇન્ડિયન ફિલ્મ જાહેર કરી દેવામાં આવી હતી. જોકે ફિલ્મની રિલીઝમાંથી મોદીનો ડાયલૉગ કાઢી નાખવામાં આવ્યો છે અને એ સાથે ઘણા બદલાવ કરવામાં આવ્યા છે.
સ્ટોરી ટાઇમ
ફિલ્મની સ્ટોરી કોરોનામાં કઈ વ્યક્તિને કેવી મુશ્કેલી પડી હતી અને તેમણે કેવી રીતે એનો સામનો કર્યો હતો એના પર છે. આ મુશ્કેલીઓમાં જાતિથી લઈને ધર્મ અને અમીર-ગરીબ વચ્ચેના તફાવત વગેરેનો સમાવેશ થાય છે. કોરોનામાં પોલીસ ફોર્સ સામાન્ય વ્યક્તિ અને પૉલિટિશ્યન વચ્ચે ઝોલાં ખાતી રહી હતી, ડૉક્ટર તેમના તમામ પ્રયત્ન 
કરી રહ્યા હતા, રોજિંદા કામ કરીને કમાનાર લોકો તેમના ઘરે જવા માટે વલખાં મારી રહ્યા હતા, સ્ટેટ બૉર્ડર સીલ કરી દેવામાં આવી હતી, જેથી લોકોને ઘણી તકલીફ પડી રહી હતી, જર્નલિસ્ટ્સ તેમનાથી શક્ય હોય એ રીતે લોકોની સામે સચ્ચાઈ લાવવાની કોશિશ કરી રહ્યા હતા. આ તમામ વાતો એકબીજા સાથે જોડીને ફિલ્મમાં દેખાડવામાં આવી છે, પરંતુ સેન્ટર પૉઇન્ટ કોરોના અને એને લીધે લોકો સાથે કરવામાં 
આવેલો મતભેદ છે.
સ્ક્રિપ્ટ અને ડિરેક્શન
અનુભવ સિંહાની ફિલ્મની શરૂઆત ખૂબ સિરિયસ દૃશ્યોથી થાય છે. ગરીબ લોકો તેમનાથી ઊંચકાય એટલો સામાન અને એ પણ પ્લાસ્ટિકની થેલીમાં લઈ જતા જોવા મળે છે. કેટલાક લોકાના પગમાં ચંપલ પણ નથી, તો મોટા ભાગના લોકો પાસે ખાવાની વસ્તુ નથી. તેમને કાર, બસ, ટ્રક, સાઇકલ, ટ્રેન જે મળ્યું એમાં બેસીને અથવા તો ચાલતાં પોતાના ઘરે કે ગામડે ચાલ્યા જાય છે. કોરોના દરમ્યાન જે સમાચાર આવ્યા હતા એ દરેક સમાચાર અહીં કોઈ ને કોઈ રીતે લેવામાં આવ્યા છે. તબ્લિકી જમાતને કોરોના-સ્પ્રેડર તરીકે દેખાડવામાં આવી હતી. એને લઈને અનુભવ સિંહાએ અહીં પંકજ કપૂરનું પાત્ર દેખાડ્યું છે. તે તેમના લોકોને મુસ્લિમોના હાથનું કશું ખાવા નથી દેતો. રાજકુમાર રાવનું સૂર્યાનું પાત્ર નીચી જાતિના વ્યક્તિનું પરંતુ મોટા હોદ્દા પર હોય છે. તે હંમેશાં લોકો પાસેથી ઑર્ડર સાંભળતો આવ્યો છે, પરંતુ પોલીસ ઑફિસર બન્યા બાદ તે પોતે ઑર્ડર આપે છે અને એમાં તેને જે મુશ્કેલીઓ પડી છે એ પણ દેખાડવામાં આવી છે. ભૂમિ પેડણેકરે ડૉક્ટરની ભૂમિકા ભજવી છે જે ઉચ્ચ જાતિની છે, પણ તે સૂર્યાના પ્રેમમાં છે. તેમની લવ-સ્ટોરીને કોઈ સ્વીકારે એવા ચાન્સ ઓછા છે. નીચલી જાતિની વ્યક્તિ ઉચ્ચ જાતિની વ્યક્તિને અડી પણ ન શકે એને અહીં ખૂબ સારી રીતે દેખાડવામાં આવ્યું છે. એકમેકને પ્રેમ કરતાં હોવા છતાં સૂર્યા કેવી રીતે તેની પ્રેમિકાને સ્પર્શ કરતાં પણ ડરે છે એ દેખાડવામાં આવ્યું છે. અનુભવ સિંહાએ દિયા મિર્ઝાના પાત્ર દ્વારા એક ખૂબ જોરદાર પક્ષ રજૂ કર્યો છે. તે તેની દીકરીને હૉસ્ટેલમાં લેવા જાય છે અને એ માટે રસ્તામાં તેનાથી ભલે કોઈનો જીવ જાય એની તેને પરવા નથી. એટલે એક પૈસાદાર વ્યક્તિ માટે ગરીબ લોકોના જીવની કોઈ કિંમત નથી એ પણ અહીં ખૂબ સારી રીતે દેખાડવામાં આવ્યું છે. અનુભવ સિંહાએ ડાયલૉગ અને દૃશ્યો દ્વારા ઘણી કમેન્ટ કરવાની કોશિશ કરી છે. જોકે તેણે મેડિકલ અને પૉલિટિશ્યન વિશે વાત કરવાનું ટાળ્યું છે. કોરોના દરમ્યાન ઘણી દવા અને ઇન્જેક્શનનાં કાળાબજાર થતાં હતાં. આ સાથે સરકાર મેડિકલ સેવા પણ પૂરી નહોતી પાડી શકી. આ વિશેના કેટલાક મુદ્દાને સ્કિપ કરવામાં આવ્યા છે. જોકે આ મુદ્દા પર એક અલગ ફિલ્મ બની શકે છે, પરંતુ વાત જ્યારે ભેદભાવની હોય ત્યારે મેડિકલનો વિષય પણ લેવો જરૂરી હતો. ફિલ્મનો જે ટોન છે એ જરૂરી હતો અને કેટલાંક એરિયલ દૃશ્યો અને ખાસ કરીને સિમેન્ટના મશીનવાળું દૃશ્ય અને એક દીકરી તેના દારૂડિયા પિતાને કેવી રીતે લઈ જાય છે એ દૃશ્ય ખૂબ સારું લેવામાં આવ્યું છે. કેટલાક લોકોએ આ મજૂરોને ફાયર કૅનનની મદદથી પાણીને બદલે સૅનિટાઇઝરથી નવડાવ્યા હતા વગેરે દૃશ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પર્ફોર્મન્સ
રાજકુમાર રાવે એક નીચલી જાતિની વ્યક્તિનું પાત્ર ખૂબ સારી રીતે ભજવ્યું છે. હંમેશાં ઑર્ડર લેનાર વ્યક્તિ જ્યારે ઑર્ડર આપે ત્યારે તે કેવી અવઢવમાં હોય એ જોવા મળે છે તથા વર્ષોથી તેનામાં ભરાયેલો ગુસ્સો પણ જોઈ શકાય છે. ભૂમિએ એક ઉચ્ચ જાતિની ડૉક્ટરનું પાત્ર ભજવ્યું છે જેમાં તેની પોતાની સ્ટ્રગલ હોય છે. જોકે તેના પાત્રને ફક્ત રોમૅન્ટિક ઍન્ગલ પૂરતું સીમિત કરવામાં આવ્યું છે એને વધુ એક્સપ્લોર કરવાની જરૂર હતી. આશુતોષ રાણા રાજકુમાર રાવના ઉપરી અધિકારીના રોલમાં જોવા મળ્યો છે. તેને જે રોલ આપે એને તે પોતાનો બનાવી દે છે. એવું જ પંકજ કપૂરનું પણ છે. પ્યુનના રોલમાં તેમણે ખૂબ સારું કામ કર્યું છે. દિયા મિર્ઝા એક પ્રિવિલેજ બૅકગ્રાઉન્ડ સાથે આવે છે. તેને માટે ફક્ત પોતાની દીકરીનું જીવન અગત્યનું હોય છે. એ સિવાય તેના રસ્તામાં કોઈ પણ આવે એની તેને પરવા નથી. આ પાત્રને વધુ સ્પેસ આપી શકાઈ હોત. જોકે અનુભવ સિંહાએ ઘણું બધું ડાયલૉગ અને એ પણ મજૂરનું પાત્ર ભજવનાર વ્યક્તિનો સહારો લઈને કહ્યું છે, જેમ કે મૉલનું દૃશ્ય. ક્રિતિકા કામરા જર્નલિસ્ટના રોલમાં છે અને તેણે ખરેખર સરપ્રાઇઝ કર્યા છે.
મ્યુઝિક
ફિલ્મનું મ્યુઝિક અનુરાગ સૈકિયાએ આપ્યું છે. ‘હેરેલ બા’ ગીત ખરેખર અંદરથી હલાવી નાખનારું ગીત છે. એમાં જે દૃશ્યો છે એ પણ ખૂબ ઇમોશનલ કરી દે છે. ફિલ્મમાં બૅકગ્રાઉન્ડ મ્યુઝિકનો ઉપયોગ ખૂબ ઓછો કરવામાં આવ્યો છે, પરંતુ જ્યાં કરવામાં આવ્યો છે એ દૃશ્યને વધુ અસરદાર બનાવે છે.
આખરી સલામ
ફિલ્મમાં ઘણાં પાસાંને પડતાં મૂકવામાં આવ્યાં છે, પરંતુ એક એવો કાળ જે આપણને શીખવાડી ગયું કે કોઈ પણ વસ્તુને ગ્રાન્ટેડ ન લેવી જોઈએ અને એમ છતાં લોકો સાથે જે ભેદભાવ થયા હતા એને જોવું હૃદયસ્પર્શી છે.

rajkummar rao bollywood news bollywood bollywood gossips bollywood movie review entertainment news harsh desai