27 January, 2026 12:06 PM IST | Kolkata | Gujarati Mid-day Online Correspondent
મીમી ચક્રવર્તી
પ્રખ્યાત બંગાળી અભિનેત્રી અને ભૂતપૂર્વ તૃણમૂલ કોંગ્રેસ (Trinamool Congress) સાંસદ મીમી ચક્રવર્તી (Mimi Chakraborty)ને એક જાહેર કાર્યક્રમ દરમિયાન ઉત્પીડનનો સામનો કરવો પડ્યો હતો. આ ઘટના બાદ મીમીએ આયોજકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાએ ચાહકોને આઘાત પહોંચાડ્યો છે.
ભૂતપૂર્વ ટીએમસી (TMC) સાંસદ અને બંગાળી અભિનેત્રી મીમી ચક્રવર્તી ફરી એકવાર સમાચારમાં છે. એક લાઈવ કાર્યક્રમમાં તેણીને હેરાન કરવામાં આવી હતી. જાહેર કાર્યક્રમ દરમિયાન અભિનેત્રીને હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ, કાર્યક્રમના આયોજક સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મીમી ચક્રવર્તીએ લાઇવ સ્ટેજ શો દરમિયાન ઉત્પીડન અને અપમાનનો આરોપ લગાવ્યો છે. આ ઘટના રવિવારે પશ્ચિમ બંગાળ (West Bengal)ના બોનગાંવ (Bongaon) શહેરના નયાગ્રામ વિસ્તારમાં એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં બની હતી.
અભિનેત્રીની ફરિયાદ (Mimi Chakraborty faces harassment) મુજબ, આયોજકોમાંથી એક તન્મય શાસ્ત્રી (Tanmay Shastri) સ્ટેજ પર ચઢી ગયો હતો. તેણે મીમીના પરફોર્મન્સમાં વિક્ષેપ પાડ્યો અને મધ્યરાત્રિએ તેને સ્ટેજ પરથી ઉતરી જવા કહ્યું. મીમીએ કહ્યું કે, તે આ ઘટનાથી ખૂબ જ અપમાનિત અને નારાજ થઈ ગઈ છે. અભિનેત્રીએ ઇમેઇલ દ્વારા બોનગાંવ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે.
આયોજક યુવક સંઘ ક્લબે આ આરોપોને નકારી કાઢ્યા છે. તેમનું કહેવું છે કે મીમી નિર્ધારિત સમય કરતાં લગભગ એક કલાક મોડી પહોંચી હતી. તન્મય શાસ્ત્રીએ કહ્યું, ‘કાર્યક્રમને ફક્ત મધ્યરાત્રિ સુધી જ મંજૂરી આપવામાં આવી હતી. વિસ્તારના વિદ્યાર્થીઓની બોર્ડ પરીક્ષાઓ થવાની છે, તેથી કાર્યક્રમ વહેલો બંધ કરવો પડ્યો. અમે મીમીનું અપમાન કે હેરાનગતિ કરી નથી. તેના આરોપો સંપૂર્ણપણે ખોટા છે.’
જોકે, આયોજકોએ એવો આરોપ લગાવ્યો કે, ‘મીમીના બોડીગાર્ડ્સે ક્લબની મહિલા સભ્યો સાથે ગેરવર્તણૂક કરી હતી, જેઓ રાત્રે ૧૧.૪૫ વાગ્યે તેમનું સન્માન કરવા સ્ટેજ પર આવી હતી.’
આયોજક તન્મય શાસ્ત્રીએ આગળ કહ્યું, ‘અમે જાણીએ છીએ કે મીમી એક મોટી સ્ટાર છે, પરંતુ જો અમે મધ્યરાત્રિ પછી શો ચલાવ્યો હોત, તો પોલીસ આવીને તેને રોકી દેત અને અમારી સામે કેસ દાખલ કરત. જો મીમીને કોઈ ગેરસમજ થઈ હોય અથવા તેમને કોઈ નારાજગી થઈ હોય, તો અમે માફી માંગીએ છીએ.’
પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
મીમી ચક્રવર્તી એક ભારતીય બંગાળી અભિનેત્રી, ગાયિકા અને ભૂતપૂર્વ રાજકારણી છે. તે મુખ્યત્વે ટોલીવુડ (બંગાળી ફિલ્મ ઉદ્યોગ)માં તેના કામ માટે જાણીતી છે. વર્ષ ૨૦૧૯માં, મીમી ચક્રવર્તીએ રાજકારણમાં પ્રવેશ કર્યો અને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ની ટિકિટ પર જાધવપુરથી લોકસભા સાંસદ તરીકે ચૂંટાઈ આવી, પરંતુ સ્થાનિક નેતાઓ સાથેના મતભેદોને કારણે તેણે વર્ષ ૨૦૨૪માં રાજીનામું આપ્યું હતું.