પાંચ મહિનામાં જ બાદશાહના બીજા લગ્નજીવનનો અંત! ઈશા રિખી સાથે લેશે છૂટાછેડા

01 September, 2026 10:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Badshah and Isha Rikhi announce separation: ગાયક અને રેપર બાદશાહે તેની બીજીપત્ની ઈશા રિખીથી છૂટાછેડાની જાહેરાત કરી; સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા, કપલે ખુલાસો કર્યો કે તેમણે પરસ્પર સંમતિથી એકબીજાથી અલગ થવાનો નિર્ણય લીધો છે; પ્રાઇવસી જાળવવાની કરી અપીલ

બાદશાહ અને ઈશા રિખીની લગ્ન સમયની તસવીર

પ્રખ્યાત રેપર બાદશાહ (Badshah) અને પંજાબી અભિનેત્રી ઈશા રિખી (Isha Rikhi)એ લગ્નના ગણતરીના મહિનાઓ બાદ પોતાના સંબંધોનો અંત આણવાની સત્તાવાર જાહેરાત (Badshah and Isha Rikhi announce separation) કરી છે. વિતેલા કેટલાક સમયથી ચાલી રહેલી અટકળોનો અંત લાવતા, બંનેએ સોમવાર, ૩૧ ઓગસ્ટની રાત્રે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એકસરખી નોટ શેર કરીને અલગ થવાના નિર્ણયની પુષ્ટિ કરી છે.

પરસ્પર સંમતિથી લીધો નિર્ણય, પ્રાઇવસી જાળવવાની અપીલ

ઇન્સ્ટાગ્રામ (Instagram) સ્ટોરી પર એક સરખો સંદેશ શેર કરતાં બાદશાહ અને ઈશા રિખીએ જણાવ્યું હતું કે આ નિર્ણય પરસ્પર આદર સાથે લેવામાં આવ્યો છે. તેમણે ચાહકો અને મીડિયાને આ મુશ્કેલ સમયમાં તેમની પ્રાઇવસીનું સન્માન કરવા વિનંતી કરી છે.

પોસ્ટમાં જણાવાયું હતું કે, ‘મેં અને ઈશા રિખીએ પરસ્પર સંમતિથી અલગ થવાનો અને પોતપોતાના રસ્તે આગળ વધવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય પરસ્પર આદર સાથે લેવામાં આવ્યો છે અને અમે વિનંતી કરીએ છીએ કે આ સમયે દરેક જણ અમારી પ્રાઇવસીનું સન્માન કરે. આ મામલે અમારું આ જ એકમાત્ર નિવેદન રહેશે. અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે અમારા સંબંધો અંગે કોઈ વધારાની અટકળો કે અંદાજો લગાવવામાં ન આવે.’

ઇન્સ્ટાગ્રામ સ્ટોરી

જુલાઈ મહિનાથી શંકાસ્પદ પોસ્ટ્સથી શરૂ થઈ હતી ચર્ચા

જૂન મહિનામાં જ પોતાના લગ્નની પુષ્ટિ કરનાર આ દંપતી વચ્ચે અણબનાવના અહેવાલો જુલાઈ મહિનાથી સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થવા લાગ્યા હતા. ઈશાએ બાદશાહ સાથેનો એક વીડિયો મોન્ટેજ શેર કરીને હાર્ટબ્રેક ઈમોજી સાથે લખ્યું હતું કે, ‘દરેક વાવાઝોડું એક પાઠ આપે છે. દરેક પ્રાર્થના એક આશા છે.’ આ જ ગાળામાં ઈશાની માતા પૂનમ રિખીએ પણ કર્મ પર આધારિત કેટલીક પોસ્ટ્સ શેર કરી હતી.

ત્યારબાદ જુલાઈના અંતમાં ઈશાએ અન્ય એક ભાવુક પોસ્ટમાં લખ્યું હતું કે, તે હવે બધું ઠીક હોવાનો ડોળ કરવા માંગતી નથી અને ડરના બદલે હિંમત પસંદ કરી રહી છે. આ તમામ ઘટનાક્રમ બાદ આખરે બંનેએ સત્તાવાર રીતે અલગ થવાનો નિર્ણય જાહેર કર્યો છે.

માર્ચ ૨૦૨૬માં કર્યા હતા લગ્ન, બાદશાહના બીજા છૂટાછેડા

અહેવાલો મુજબ, બાદશાહ અને ઈશા રિખી છેલ્લા ચાર વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા અને માર્ચ ૨૦૨૬માં તેમણે ખૂબ જ ખાનગી સમારંભમાં લગ્ન કર્યા હતા.

નોંધનીય છે કે, રેપર બાદશાહના આ બીજા છૂટાછેડા છે. આ પહેલાં તેણે જાસ્મિન મસીહ (Jasmine Masih) સાથે લગ્ન કર્યા હતા, જેમનાથી તેમને જેસેમી ગ્રેસ મસીહ સિંહ (Jessemy Grace Masih Singh)નામે એક પુત્રી પણ છે. બાદશાહ અને જાસ્મિન વર્ષ ૨૦૨૦માં કાનૂની રીતે અલગ થયા હતા. બીજી તરફ, આ છૂટાછેડાના સમાચાર વચ્ચે ઈશા રિખી રિયાલિટી શો `બિગ બોસ ૨૦` (Bigg Boss 20)ની આગામી સીઝનમાં જોવા મળે તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે.

badshah celebrity divorce celebrity wedding instagram social media entertainment news bollywood bollywood news bollywood gossips