09 April, 2025 06:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આયુષમાન ખુરાના અને તાહિરા કશ્યપ
આયુષમાન ખુરાનાની પત્ની અને લેખક-ડિરેક્ટર તાહિરા કશ્યપ ફરી એક વાર કૅન્સરના સકંજામાં સપડાઈ ગઈ છે. તાહિરાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરીને માહિતી આપી છે કે તેને ૭ વર્ષ પછી ફરીથી બ્રેસ્ટ-કૅન્સર થયું છે. આ પહેલાં ૨૦૧૮માં તાહિરાને કૅન્સર થયું હતું અને હવે તેણે સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરીને કહ્યું છે કે તેને હજી પણ આ બીમારી છે.
પોસ્ટમાં તાહિરાએ લખ્યું છે : ‘સેવન યર ઇચ કે પછી નિયમિત સ્ક્રીનિંગની શક્તિ. આ એક અભિગમ છે અને હું બીજા વિકલ્પમાં વિશ્વાસ ધરાવું છું. જે લોકોને નિયમિત મૅમોગ્રામ કરાવવાની જરૂર છે તેમને હું એને અમલમાં મૂકવાનો આગ્રહ કરું છું. મારા માટે આ બીજો રાઉન્ડ છે. મને એ હજી પણ છે.’
તાહિરાને ૭ વર્ષ પહેલાં પહેલી વખત બ્રેસ્ટ-કૅન્સર થયું હતું એ સમયે તેણે સોશ્યલ મીડિયામાં પોતાની જર્ની શૅર કરી હતી. હવે તાહિરા ફરી પાછી કૅન્સરના સકંજામાં સપડાઈ છે, પણ તેણે પોતાની જાતને મજબૂત બનાવી દીધી છે અને તે ફરીથી કૅન્સર સામે લડવા તૈયાર છે.
તાહિરાની આ પોસ્ટ પછી પતિ સહિત અનેક મિત્રો અને પરિવારજનોએ સપોર્ટ આપીને તેને ‘સિંહણ’ ગણાવી છે. પહેલી વાર કૅન્સર થયેલું ત્યારે તાહિરાએ સર્જરીનું નિશાન દેખાડતી તસવીર શૅર કરી હતી.