૧૦ વર્ષની વયે સિંગર તરીકે કરીઅરની શરૂઆત કરીને નામ નોંધાવ્યું ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્‌સમાં

13 April, 2026 10:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આશા ભોસલેએ પહેલું ગીત ૧૯૪૩માં રિલીઝ થયેલી મરાઠી ફિલ્મ માઝા બાળમાં મોટી બહેન લતા મંગેશકર સાથે ગાયું હતું

આશા ભોસલે

ગાયિકા તરીકે સીમાચિહ્‍ન જેવી સફળતા મેળવનારાં આશા ભોસલેએ પોતાની સંગીત-કરીઅરની શરૂઆત ૧૦ વર્ષની વયે કરી હતી. આશા ભોસલેનો જન્મ ૧૯૩૩ની ૮ સપ્ટેમ્બરે મહારાષ્ટ્રના સાંગલીમાં થયો હતો. તેમના પિતા પંડિત દીનાનાથ મંગેશકર એક પ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયક અને મરાઠી થિયેટર આર્ટિસ્ટ હતા. આશા ભોસલે જ્યારે ૯ વર્ષનાં હતાં ત્યારે પિતાનું અવસાન થતાં પરિવાર આર્થિક મુશ્કેલીમાં આવી ગયો હતો. આ સંજોગોમાં માત્ર ૧૦ વર્ષની ઉંમરે આશા ભોસલેએ પોતાની સંગીત-કારકિર્દીની શરૂઆત કરી હતી.  

આશાએ પહેલું ગીત ૧૯૪૩માં રિલીઝ થયેલી મરાઠી ફિલ્મ ‘માઝા બાળ’માં ગાયું હતું. ‘ચલા ચલા નવબાલા’ જેવા શબ્દો ધરાવતું આ ગીત તેમણે પોતાની મોટી બહેન લતા મંગેશકર સાથે ગાયું હતું. આ પછી તેમણે ૧૯૪૮માં પોતાની પહેલી હિન્દી ફિલ્મ ‘ચુનરિયા’માં ગાયું હતું.

શરૂઆતનાં વર્ષોમાં આશા ભોસલેને માત્ર ઓછા બજેટની ફિલ્મો અને સાઇડ હિરોઇનનાં ગીતો જ મળતાં હતાં. એ સમયે તેમનો અવાજ લતા મંગેશકર જેવો લાગતો હોવાના કારણે તેમને આગવી ઓળખ નહોતી મળી. જોકે પછી તેમણે પોતાના અવાજ અને સ્ટાઇલને બદલવાની મહેનત કરી અને વેસ્ટર્ન મ્યુઝિક, જાઝ અને પૉપ સ્ટાઇલ શીખ્યાં.

૧૯૫૭માં ફિલ્મ ‘નયા દૌર’માં સંગીતકાર ઓ. પી. નૈયર સાથેનાં ગીતોએ આશા ભોસલેને સ્ટારડમ આપ્યું અને આ પછી તેમની કારકિર્દીમાં નવો અધ્યાય શરૂ થયો. આશા ભોસલે ફિલ્મ સંગીત, પૉપ, ગઝલ, ભજન અને શાસ્ત્રીય સંગીત સહિત વિવિધ શૈલીઓમાં ૨૦થી વધુ ભાષાઓમાં ૧૨,૦૦૦થી વધુ ગીતો ગાઈ ચૂક્યાં છે. ૨૦૧૧માં આશા ભોસલેનું નામ લગભગ ૧૧,૦૦૦ ગીતો બદલ સૌથી વધુ સ્ટુડિયો રેકૉર્ડિંગ માટે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્‌સમાં નોંધાયું હતું. આશા ભોસલેને આજીવન અનેક ડૉક્ટરેટ ડિગ્રી, લતા મંગેશકર અવૉર્ડ અને વિવિધ રાજ્યોનાં સન્માન પણ મળ્યાં છે. 

રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલના હસ્તે પદ્‍‍મવિભૂષણ અવૉર્ડ સ્વીકારતા આશા ભોસલે

લાંબી સફળ કરીઅરમાં આશા ભોસલેને મળેલાં મહત્ત્વનાં સન્માન

સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન 

૨૦૦૦

દાદાસાહેબ ફાળકે પુરસ્કાર

૨૦૦૮

પદ્‍‍મવિભૂષણ

૨૦૧૮

બંગા વિભૂષણ (પશ્ચિમ બંગાળનું સર્વોચ્ચ સન્માન) 

૨૦૨૧

મહારાષ્ટ્ર ભૂષણ (મહારાષ્ટ્રનું સર્વોચ્ચ સન્માન)

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 

૧૯૮૧

શ્રેષ્ઠ નારી પ્લેબૅક ગાયિકા (ઉમરાવ જાન - દિલ ચીઝ ક્યા હૈ)

૧૯૮૬

શ્રેષ્ઠ નારી પ્લેબૅક ગાયિકા (ઇજાઝત - મેરા કુછ સામાન)

૧૯૭૨થી સળંગ ચાર વર્ષ જીત્યાં ફિલ્મફેર પુરસ્કાર

૧૯૬૭

બેસ્ટ ફીમેલ પ્લેબૅક (દસ લાખ) 

૧૯૬૯

બેસ્ટ ફીમેલ પ્લેબૅક (શિકાર) 

૧૯૭૨

બેસ્ટ ફીમેલ પ્લેબૅક (કારવાં) 

૧૯૭૩

બેસ્ટ ફીમેલ પ્લેબૅક (હરે રામા હરે કૃષ્ણ) 

૧૯૭૪

બેસ્ટ ફીમેલ પ્લેબૅક (નૈના) 

૧૯૭૫

બેસ્ટ ફીમેલ પ્લેબૅક (પ્રાણ જાએ પર વચન ન જાએ) 

૧૯૭૯

બેસ્ટ ફીમેલ પ્લેબૅક (ડૉન) 

૧૯૯૬

સ્પેશ્યલ અવૉર્ડ (રંગીલા) 

૨૦૦૧

લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ

મહત્ત્વનું સન્માન 

૧૯૯૭

ગ્રેમી અવૉર્ડ માટે નોમિનેશન (Legacy - ઉસ્તાદ અલી અકબર ખાન સાથે)

 

 

asha bhosle celebrity death padma vibhushan entertainment news bollywood bollywood news