મમ્મીના નિધન બાદ બહેનની કાળજી કઈ રીતે લેશે એની ચિંતા અર્જુન કપૂરને સતાવતી હતી

23 August, 2021 10:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બહેનની ચિંતા સતાવતી હતી એ વિશે અર્જુન કપૂરે કહ્યું કે ‘મારી બહેન મારા પડખે અડીખમ ઊભી રહી છે. તે પણ કપરા સમયમાંથી પસાર થઈ છે. તે તો મારા કરતાં પણ ઉંમરમાં નાની છે.

અર્જુન કપૂર

અર્જુન કપૂરે જણાવ્યું કે મારી મમ્મી મોના શૌરી કપૂરના અવસાન બાદ બહેન અંશુલાની દેખભાળ કેવી રીતે રખાશે એની ચિંતા મને સતાવતી હતી. બોની કપૂર તેના પપ્પા છે. તેમણે શ્રીદેવી સાથે લગ્ન કરી લીધાં હતાં. મમ્મીના નિધન બાદ અંશુલા અર્જુનના પડખે અડીખમ ઊભી હતી એવું તેણે જણાવ્યું છે. બહેનની ચિંતા સતાવતી હતી એ વિશે અર્જુન કપૂરે કહ્યું કે ‘મારી બહેન મારા પડખે અડીખમ ઊભી રહી છે. તે પણ કપરા સમયમાંથી પસાર થઈ છે. તે તો મારા કરતાં પણ ઉંમરમાં નાની છે. મને ૧૧ વર્ષે મારા પપ્પા સાથે રહેવાનો અને મમ્મી સાથે ૨૫ વર્ષ રહેવાનો અવસર મળ્યો હતો. જોકે મારી બહેન તો માત્ર ૨૦ વર્ષ જ રહી હતી. તમે આવાં બાળકોની કલ્પના કરી શકો છો, જેમની મમ્મી હંમેશાં બીમાર રહેતી હોય અને તમે જ્યારે ૨૦ વર્ષના થાઓ અને મમ્મી ગુજરી જાય. એવાં બાળકોની માનસિક અવસ્થા વિશે કલ્પના કરો. મારી બહેન આજે પણ મારા કરતાં વધુ સમજદાર, શિક્ષિત અને પ્રામાણિક છે. મમ્મીના નિધન બાદ મને એક જ ચિંતા કોરી ખાતી હતી કે મારી બહેનની દેખભાળ હું કઈ રીતે કરીશ? હું મારું ધ્યાન રાખવા માટે તો સક્ષમ હતો, પરંતુ અંશુલાની કાળજી કેવી રીતે લઈશ એ ચિંતા મને સતાવતી હતી. તે મારા માટે મારી દીકરી જેવી છે. હું તેને લઈને ખૂબ પ્રોટેક્ટિવ છું. તે અમેરિકામાં ભણી રહી હતી અને એ જ વખતે મારી પહેલી ફિલ્મ રિલીઝ થવાની હતી. તેને અમેરિકામાં સારી નોકરી પણ મળવાની હતી, પરંતુ તે બધું છોડીને મારા માટે અહીં આવી ગઈ. આજ સુધી તેણે એ વાતનો સ્વીકાર નથી કર્યો કે તેણે મારા માટે આ બધું કર્યું છે. એનું શ્રેય તે લેવા નથી માગતી.’

bollywood news bollywood bollywood gossips entertainment news arjun kapoor