18 August, 2025 07:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજેશ ખન્ના અને અનીતા અડવાણી
બૉલીવુડના સુપરસ્ટાર રાજેશ ખન્નાનું ૨૦૧૨માં અવસાન થયું હતું. તેમના મૃત્યુનાં આટલાં વર્ષ પછી અનીતા અડવાણી નામની મહિલાએ તેના અને રાજેશ ખન્ના વચ્ચેના સંબંધનો ખુલાસો કરતાં કહ્યું છે કે રાજેશ ખન્નાએ તેની સાથે સીક્રેટ મૅરેજ કર્યાં હતાં અને તે ૨૦૧૨માં રાજેશ ખન્નાના નિધન સુધી તેમની સાથે જ રહી હતી.
હાલમાં એક પૉડકાસ્ટમાં અનીતા અડવાણીએ જણાવ્યું છે કે ‘અમે એક ખાનગી લગ્ન કર્યાં હતાં પરંતુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઈ પણ આ વિશે ખુલ્લેઆમ વાત કરતું નથી. મીડિયામાં પહેલેથી જ બધાને ખબર હતી કે હું તેમની સાથે હતી. આ કારણોસર અમારાં બેમાંથી કોઈને પણ ક્યારેય લગ્નની જાહેરાત કરવાની જરૂર લાગી નહોતી. અમારા ઘરમાં એક નાનું મંદિર હતું. તેમણે મંદિરમાં ભગવાનની સામે કાળાં મોતીવાળું સોનાનું મંગળસૂત્ર પહેરાવ્યું અને પછી મારા સેથામાં સિંદૂર લગાવીને કહ્યું કે આજથી તું મારી જવાબદારી છે. બસ, એમ એક રાતમાં અમારાં લગ્ન થઈ ગયાં.’
ડિમ્પલ કાપડિયા કરતાં પણ જૂની ઓળખાણ હોવાનો દાવો
રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાએ ૧૯૭૩ની ૨૭ માર્ચના લગ્ન કર્યાં હતાં. ૧૯૮૨માં ડિમ્પલે પતિ રાજેશનું ઘર છોડી દીધું હોવા છતાં પણ બન્નેએ ક્યારેય છૂટાછેડા લીધા નથી. આ સંજોગોમાં રાજેશ ખન્નાએ સાથે સીક્રેટ મૅરેજ કર્યાં હોવાનો દાવો કરનાર અનીતા અડવાણીએ ખુલાસો કર્યો છે કે તે રાજેશ ખન્નાની જિંદગીનો ભાગ ત્યારે બની ગઈ હતી જ્યારે તે ડિમ્પલ કાપડિયાને મળ્યા પણ નહોતા. તેણે પૉડકાસ્ટમાં જણાવ્યું હતું કે ‘હું ડિમ્પલ કાપડિયા પહેલાં તેમની જિંદગીમાં આવી હતી પરંતુ એ સમયે અમારાં લગ્ન ન થયાં કારણ કે હું ખૂબ નાની હતી. આખરે હું મારા ઘરે જયપુર પાછી ફરી ગઈ.’