હવે તમને મહાનાયક અમિતાભ બચ્ચન ગૂગલ પર રસ્તો બતાવશે

07 June, 2020 12:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

હવે તમને મહાનાયક અમિતાભ બચ્ચન ગૂગલ પર રસ્તો બતાવશે

ફાઈલ તસવીર

અમિતાભ બચ્ચન અને તેમના અવાજને આંખો બંધ હોય તો પણ ઓળખી શકાય છે. અમિતાભ બચ્ચને અનેક ફિલ્મો અને જાહેરાતોમાં પોતાનો અવાજ આપ્યો છે. હવે ગૂગલ તેમના માટે એક નવો પ્રસ્તાવ લઈને આવ્યું છે. ગૂગલ મેપ્સના નેવિગેશનમાં રસ્તો દેખાડવા માટે અમિતાભ બચ્ચન અવાજ આપશે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી છે.
મુંબઈની ગલીઓમાં કયો રસ્તો ક્યાં જાય છે તે આપણને ઓસ્ટ્રેલિયામાં જન્મેલ ન્યૂયોર્ક સ્થિત એન્ટરટેઈનર કૅરેન જૅકોબસેન જણાવે છે. હવે તેની બદલે આપણને અમિતાભ બચ્ચનનો અવાજ સાંભળવા મળશે. સૂત્રો પાસેથી માહિતી મળી છે કે, ગૂગલ મેપ્સના નેવિગેશનમાં અવાજ આપવા માટે મહાનાયક અમિતાભ બચ્ચનનો સંપર્ક કરવામાં આવ્યો છે. આ વિષે અમિતાભ બચ્ચન અને અને કંપની વચ્ચે વાતચીત ચાલી રહી છે. અમિતાભ બચ્ચનનો અવાજ પ્રભાવશાળી છે અને પ્રખ્યાત પણ છે. એટલે તેમનો અવાજ ગૂગલ મેપ્સ માટે શ્રેષ્ઠ પસંદગી છે. આ બાબતે તેમનો સંપર્ક કરવામાં આવ્યો છે. પરંતુ હજી સુધી કોઈ કોન્ટ્રેક્ટ સાઈન કરવામાં નથી આવ્યો. જો તેઓ આ ઓફર સ્વીકારશે તો સોશ્યલ ડિસ્ટેન્સિંગના પગલે તેમણે ઘરેથી જ રેકોર્ડિંગ કરવું પડશે. આ માટે તેમને બહુ તગડી રકમની ઓફર આપવામાં આવી છે. હવે તેઓ હા પાડે છે કે નહીં તે જોવાનું છે. જોકે, આ બાબતે અમિતાભ બચ્ચન મૌન રહ્યાં છે.
ગૂગલ મેપ્સ માટે કોઈ બૉલીવુડ સેલિબ્રિટી અવાજ આપશે એવું પહેલી વાર નથી. આ પહેલાં 2018માં યશ રાજ ફિલ્મ્સ અને ગૂગલએ હાથ મિલાવ્યા હતા અને ફિલ્મ 'ઠગ્સ ઑફ હિંદુસ્તાન'ના આમિર ખાનના પાત્ર ફિરંગીએ મેપ્સ માટે અવાજ આપ્યો હતો. જો કે, આ ફિલ્મના પ્રમોશનનો જ એક ભાગ હતો.

entertainment news bollywood bollywood news bollywood gossips amitabh bachchan google