બિગ બીની તબિયત સ્થિર, ડૉક્ટર અને નર્સનો આભાર માનતો વીડિયો વાયરલ

12 July, 2020 01:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બિગ બીની તબિયત સ્થિર, ડૉક્ટર અને નર્સનો આભાર માનતો વીડિયો વાયરલ

અમિતાભ બચ્ચન

શનિવારે રાત્રે બૉલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને ટ્વીટર પર જાહેરાત કરી હતી કે, તેઓ કોરોના વાયરસ (COVID-19) પૉઝિટિવ છે. ત્યારબાદ તેમના પરિવારના સભ્યોનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં દીકરા અભિષેક બચ્ચનનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. પિતા-પુત્ર બન્ને નાણાવટી હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. હૉસ્પિટલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે, અમિતાભ બચ્ચનની તબિયત સ્થિર છે અને તેઓ આઈસોલેશન વૉર્ડમાં છે. જ્યારે બીજી બાજુ સોશ્યલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં અમિતાભ બચ્ચન હૉસ્પિટલ સ્ટાફનો આભાર માને છે.

મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં તેઓ નાણાવટી હૉસ્પિટલના ડૉકટરો અને નર્સનો તેમના પ્રયત્નો અને સારવાર માટે આભાર માને છે. વીડિયોમાં અમિતાભ બચ્ચન કહે છે કે, આ કટોકટીના મુશ્કેલ સમયમાં સફેદ કોટ પહેરેલા ડૉક્ટરો ભગવાનનું રૂપ છે. જે પોતાનો જીવ જોખમમાં મૂકીને બીજાઓને બચાવે છે. તેમણે વધુમાં ઉમેર્યું છે કે, ભય અને હતાશાના આ માહોલમાં ગભરાવું જોઈએ નહીં અને આપણે બધા મુશ્કેલ સમયમાંથી જલ્દી બહાર આવી જઈશું.

સુત્રોએ આપેલી માહિતી પ્રમાણે, આ વીડિયો જુનો છે. પરંતુ પરિસ્થિતિ પ્રત્યે તેમની જે પરિપક્વતા છે તે ફેન્સને આશા આપે છે અને બધાને સાથે જોડીને રાખે છે.

દરમિયાન, નાણાવટી હૉસ્પિટલના અધિકારીઓએ માહિતી આપી છે કે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન બન્નેની તબિયત સ્થિર છે અને તેઓ આઈસોલેશન વૉર્ડમાં છે. તેમની તબિયતની આગામી અપડેટ બપોર પછી આપવામાં આવશે. જ્યારે બીજી બાજુ બચ્ચન બંગલો 'જલસા'માં સેનિટાઈઝેશનની પ્રક્રિયા ચાલુ છે.

entertainment news bollywood bollywood news bollywood gossips amitabh bachchan coronavirus covid19