17 July, 2025 12:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન
અમિતાભ બચ્ચને પુત્ર અભિષેક બચ્ચનની તાજેતરની ફિલ્મો વિશે સોશ્યલ મીડિયા પર એક ઇમોશનલ પોસ્ટ લખી છે જે ખૂબ વાઇરલ થઈ રહી છે. બુધવારે સવારે પોસ્ટ કરેલા આ સંદેશમાં અમિતાભે અભિષેકની ત્રણ ફિલ્મ ‘આઇ વૉન્ટ ટુ ટૉક’, ‘હાઉસફુલ 5’ અને ‘કાલીધર લાપતા’ની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે આ ફિલ્મોમાં અભિષેકે અલગ-અલગ પાત્રોમાં શાનદાર અભિનય કર્યો છે. અમિતાભની આ પોસ્ટ પર ચાહકોની પણ ખૂબ પ્રતિક્રિયાઓ આવી રહી છે.
અમિતાભે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં લખ્યું છે, ‘એક વર્ષમાં ત્રણ ફિલ્મ બનાવી અને ત્રણેયમાં અલગ-અલગ ભૂમિકાઓ; ‘આઇ વૉન્ટ ટુ ટૉક’, ‘હાઉસફુલ 5’ અને ‘કાલીધર લાપતા’. અને ત્રણેયમાં એવું પ્રદર્શન જે બધાથી અલગ હોય. આ પાત્રોને જોતી વખતે ક્યાંય નથી લાગ્યું કે આ અભિષેક બચ્ચન છે, બધામાં એવું લાગ્યું કે આ એ પાત્ર જ છે. આ ગુણ અભિષેક, તેં વિશ્વને બતાવી દીધો. મારા હૃદયથી આશીર્વાદ અને ઢગલો પ્રેમ. હા... હા... હા..., તું મારો દીકરો છે અને મને તારી પ્રશંસા કરતાં કોઈ રોકી શકે નહીં. હજી વર્ષનો અંત થયો નથી, ન જાણે કેવા-કેવા ગુણ હજી બતાવીશ.’