સરોજ ખાન પાસેથી મળેલો શુકનનો એક રૂપિયો મોટી સિદ્ધિ હતી બિગ બી માટે

04 July, 2020 01:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સરોજ ખાન પાસેથી મળેલો શુકનનો એક રૂપિયો મોટી સિદ્ધિ હતી બિગ બી માટે

સરોજ ખાન પાસેથી એક રૂપિયો શુકન તરીકે અમિતાભ બચ્ચનને મળ્યો હતો એ તેમના માટે એક મોટી સિદ્ધિ હતી. સરોજ ખાનના નિધને સૌને દુઃખી કરી દીધા છે. બૉલીવુડ તેમની સાથે જોડાયેલી યાદોને સતત વાગોળી રહ્યું છે. તેમની સાથે કામ કરવાના અનુભવને અમિતાભ બચ્ચને પણ યાદ કર્યો હતો.

સરોજ ખાન સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અમિતાભ બચ્ચને કૅપ્શન આપી હતી કે ‘તમે આરામ કરો. સારી રીતે આરામ કરો. સખત મહેનત બાદ તમને અમૃત મળે છે. તમે એને મેળવીને એની સાથે અમર થઈ જાઓ છો. સરોજ ખાનનું નિધન થયું છે. આખો ઇતિહાસ દિમાગમાં ફરવા લાગે છે. એક સમયમાં તેઓ અનેક દિગ્ગજ ડાન્સ ડિરેક્ટર્સનાં ડાન્સ અસિસ્ટન્ટ રહી ચૂક્યાં છે. એ સમયે મેં કરીઅરની શરૂઆત કરી હતી. લાખો દિલોની ધડકન મુમતાઝની સાથે ‘બંધે હાથ’માં ડિરેક્ટર ઓ. પી. રાલ્હન સાથે કામ કરી રહ્યો હતો. મુમતાઝની એ નમ્રતા હતી કે તેમણે મારા જેવા નવા કલાકાર સાથે કામ કરવાની હા પાડી હતી. તેઓ ખૂબ મોટાં સ્ટાર હતા અને હું તેમની સામે કંઈ નહોતો. સરોજજી ગીતમાં ડાન્સર્સની સાથે ક્રાઉડમાં હતાં. એ વખતે એક સમય એવો આવ્યો કે તેઓ જ્યારે ડાન્સ કરતાં હતાં તો મેં જોયું કે તેમનો ગર્ભ તેમના પેટમાં વારંવાર શિફ્ટ થઈ રહ્યો હતો અને તેઓ એને ફરીથી એ સ્થાને ખસેડીને લાવતાં હતાં. બાદમાં ફરીથી ડાન્સ કરવા લાગતાં હતાં. ઘણાં વર્ષોની મહેનત બાદ તેમણે ડાન્સમાં હથોટી મેળવી લીધી અને ડાન્સ-ડિરેક્ટરનું ટાઇટલ મેળવી લીધું હતું. ત્યાર બાદ તો ફિલ્મોમાં કોરિયોગ્રાફરની પરિભાષા જ બદલાઈ ગઈ હતી. તેમણે જે પણ કલાકાર સાથે કામ કર્યું હતું તેનો ડાન્સ લોકોમાં ખૂબ ફેમસ બની જતો હતો. તેઓ જ્યારે જોતાં કે કોઈ આર્ટિસ્ટે સારો શૉટ આપ્યો છે તો તેઓ તેમને પોતાની પાસે બોલાવતાં અને તેને શાબાશી તરીકે એક રૂપિયો શુકન તરીકે આપતાં હતાં. અનેક વર્ષો બાદ હું એક ફિલ્મનું ગીત કરી રહ્યો હતો. મને પણ એ એક રૂપિયો શુકન તરીકે તેમની પાસેથી મળ્યો હતો. મારા માટે તો એ એક મોટી ઉપલબ્ધિ હતી. સરોજજી તમે અમને અને ઇન્ડસ્ટ્રીને રિધમ, સ્ટાઇલ, ડાન્સનાં અદ્ભુત સ્ટેપ્સ આપ્યાં છે. તમારી પાસે ગીતને યોગ્ય ડાન્સ મૂવ્સ સાથે કળામાં પરિવર્તિત કરવાની કળા હતી. કેટલાંય વર્ષો પહેલાં મને તેમની સાથે મુલાકાત કરવાની તક મળી હતી. એ વખતે તેમણે મને સૌથી સારી એવી પ્રશંસા આપી હતી. તેઓ લગ્ન બાદ દુબઈમાં રહેવા લાગ્યાં હતાં. એ વખતે ‘ડૉન’ રિલીઝ થઈ હતી. તેમણે મને કહ્યું કે ‘મેં આ ફિલ્મ જોઈ હતી અને બાદમાં હું એ ફિલ્મ જે પણ થિયેટરમાં રિલીઝ થતી ત્યાં જોવા જતી હતી. જ્યારે તમારું ગીત ‘ખઈ કે પાન બનારસવાલા’ આવતું તો હું એ ગીત જોઈને બહાર આવી જતી હતી. હું દરરોજ આવું જ કરતી હતી. હું દરરોજ ડોરકીપરને કહેતી હતી કે મને માત્ર ગીત જોવા માટે અંદર જવા દે, બાદમાં હું ચાલી જઈશ. આ રીતે મેં તમારા ડાન્સને એન્જૉય કર્યો છે.’ તેમના તરફથી આવું સાંભળવા મળવું મારા માટે તો અવિશ્વસનીય હતું. એક વારસાનો અંત થયો છે.’

entertainment news bollywood bollywood news bollywood gossips saroj khan amitabh bachchan