24 June, 2025 07:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમિતાભે પછી દીકરા અભિષેક માટે લખ્યું, ‘તેણે ફિલ્મોમાં મુશ્કેલ ભૂમિકાઓ ભજવી. તેણે અભિનય કરવાની હિંમત બતાવી અને ઓળખ બનાવી.
અમિતાભ બચ્ચન ઘણી વાર દીકરા અભિષેક બચ્ચન વિશે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરતા રહે છે અને તેની હિંમત વધારતા રહે છે. આવા જ અભિગમને કારણે તેમણે હાલમાં એક ઉત્સાહ વધારે એવી પોસ્ટ કરી છે. પોસ્ટમાં અમિતાભે દીકરા અભિષેકની પ્રશંસા કરતાં કહ્યું છે કે તે માત્ર તેનો પુત્ર જ નથી, પરંતુ એક ઍક્ટર પણ છે અને તેણે પોતાના કામથી ખાસ આદર મેળવ્યો છે.
અમિતાભે આ પોસ્ટની શરૂઆત પિતા હરિવંશ રાય બચ્ચનની પંક્તિથી કરી હતી અને લખ્યું હતું કે ‘મારા પુત્ર એ પુત્ર હોવાથી મારા ઉત્તરાધિકારી નહીં બનશે, જેઓ મારા ઉત્તરાધિકારી બનશે તેઓ મારા પુત્ર હશે.’
અમિતાભે પછી દીકરા અભિષેક માટે લખ્યું, ‘તેણે ફિલ્મોમાં મુશ્કેલ ભૂમિકાઓ ભજવી. તેણે અભિનય કરવાની હિંમત બતાવી અને ઓળખ બનાવી.’ અમિતાભે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર અભિષેકની આગામી ફિલ્મ ‘કાલીધર લાપતા’ને પોતાનો ટેકો આપ્યો. આ ફિલ્મનું ટ્રેલર ૨૧ જૂને રિલીઝ થયું હતું. ત્યાર બાદ અમિતાભ બચ્ચને લખ્યું કે ‘અભિષેક સાથે મારી પ્રાર્થનાઓ છે. તમારું વિવિધ પ્રકારની ફિલ્મોમાં વિવિધ પ્રકારની ભૂમિકાઓ પસંદ કરવી અને સફળ થવું ખૂબ સારું છે. તમને પ્રેમ અને આશીર્વાદ.’