શરાબી ફિલ્મમાં અમિતાભને મજબૂરીથી પોતાનો હાથ ખિસ્સામાં રાખવો પડ્યો હતો!

28 January, 2020 12:28 PM IST  |  Mumbai | Ashu Patel

શરાબી ફિલ્મમાં અમિતાભને મજબૂરીથી પોતાનો હાથ ખિસ્સામાં રાખવો પડ્યો હતો!

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચનની ‘શરાબી’ ફિલ્મ જોઈ હશે તેમને કદાચ યાદ હશે કે એ ફિલ્મમાં તેઓ પોતાનો ડાબો હાથ ખિસ્સામાં રાખીને વાત કરતા જોવા મળ્યા હતા. અમિતાભ એ ફિલ્મમાં તેમની એ સ્ટાઇલથી લોકોમાં આકર્ષણ ઊભું કરી ગયા હતા. પ્રેક્ષકોને લાગ્યું હશે કે ડિરેક્ટરે તેમને એક હાથ ખિસ્સામાં રાખીને ઍક્ટિંગ કરવાની સૂચના આપી હશે, પણ વાસ્તવિકતા એ હતી કે તેમણે મજબૂરીથી એવું કરવું પડ્યું હતું!

‘શરાબી’નું શૂટિંગ ગોઠવાયું એ સમય દરમ્યાન દિવાળીના દિવસોમાં તેમના હાથ પર સૂતળી બૉમ્બ પડ્યો હતો અને ફાટ્યો હતો. ‘શરાબી’ ફિલ્મનું શૂટિંગ-શેડ્યુલ ગોઠવાઈ ચૂક્યું હતું અને એ કૅન્સલ થઈ શકે એમ નહોતું. એ ફિલ્મ બનાવનાર પ્રકાશ મેહરા ચિંતિત બની ગયા હતા, કેમ કે એ ફિલ્મનું શૂટિંગ અટકી પડે તો તેમણે ખૂબ મોટો આર્થિક ફટકો સહન કરવો પડે અને એ વખતે અમિતજીનું શેડ્યુલ ખૂબ પૅક રહેતું હતું અને ‘શરાબી’ માટે ફરી તેમની તારીખ મેળવવા માટે તેમણે કદાચ એકાદ વર્ષની રાહ પણ જોવી પડે!

અમિતજી માટે પણ શૂટિંગ કૅન્સલ કરવાનું મુશ્કેલ હતું, કારણ કે એ વખતે અમિતજી પાસે બીજી અનેક ફિલ્મો પણ હાથ પર હતી એટલે તેઓ પણ શૂટિંગ મોકૂફ રખાવી શકે એમ નહોતા. વળી પ્રકાશ મેહરા સાથે તેમના પારિવારિક સંબંધ બંધાઈ ગયા હતા, કેમ કે પ્રકાશ મહેરાની ફિલ્મથી જ તેઓ સુપરસ્ટાર બન્યા હતા.

આવી સ્થિતિમાં તેમણે કોઈ પણ રીતે શૂટિંગ કરવું પડે એમ હતું, પરંતુ તેમનો હાથ બહુ ખરાબ રીતે દાઝી ગયો હતો અને હાથનો એ દાઝેલો હિસ્સો સ્ક્રીન પર દેખાય તો મુશ્કેલી થઈ શકે એમ હતી એટલે અમિતજીએ રસ્તો કાઢ્યો. તેમનો ડાબો હાથ ખિસ્સામાં રાખીને તેમણે શૂટિંગ શરૂ કર્યું. તેઓ ખિસ્સામાં હાથ રાખીને ડાયલૉગ્સ બોલતા એને કારણે તેમનો અભિનય વધુ ઇમ્પ્રેસિવ બની ગયો હતો!
  
અમિતજીએ ‘શરાબી’ ફિલ્મની બીજી પણ એક રસપ્રદ વાત એક મુલાકાતમાં કહી હતી. શૂટિંગના પહેલા જ દિવસે તેઓ સેટ પર ગયા ત્યારે તેમને ડાયલૉગ આપવામાં આવ્યા, જે બહુ લાંબા હતા. એ ફિલ્મમાં અમિતાભનું મોટા ભાગનું પાત્ર નશાની હાલતમાં જ રહેતું હતું એટલે અમિતજીએ ફિલ્મમેકર પ્રકાશ મેહરાને કહ્યું કે જો ડાયલૉગ આટલા લાંબા જ રહેશે તો ફિલ્મ ઓછામાં ઓછી પાંચ કલાકની બનશે!

આ પણ જુઓ: Happy Birthday Shruti Hassan: રાતો-રાત ચર્ચાનો વિષય બની ગઈ હતી આ એક્ટ્રેસ

પ્રકાશ મેહરા આશ્ચર્યથી અમિતજી સામે જોઈ રહ્યા. અમિતજીએ તેમને કારણ આપતાં કહ્યું કે માણસ નશાની હાલતમાં હોય છે તો તેને લાંબા ડાયલૉગ બોલવામાં સમય લાગે છે એટલે આટલા લાંબા ડાયલૉગ હશે તો ફિલ્મની લંબાઈ ખૂબ વધી જશે એટલે ફિલ્મના ડાયલૉગ નાના કરવા જોઈએ. 

ત્યાર બાદ પ્રકાશ મેહરાએ અમિતજીની સલાહ માનીને ફિલ્મના ડાયલૉગ નાના કર્યા હતા.

amitabh bachchan bollywood news entertaintment