05 March, 2025 02:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અભિષેક બચ્ચન
અમિતાભ બચ્ચનના પરિવારમાં કોઈ સમસ્યા છે એ તો સ્પષ્ટ છે. છેલ્લા ઘણા સમયથી એવી ચર્ચા છે કે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય ડિવૉર્સ લેવાનાં છે. જોકે બૉલીવુડના આ પાવર કપલે ક્યારેય આ વાતને કે સમાચારને નકાર્યા નથી કે પુષ્ટિ પણ આપી નથી. જોકે ઐશ્વર્યા અને દીકરી આરાધ્યા ઘણા મહત્ત્વપૂર્ણ પ્રસંગમાં બચ્ચન-પરિવાર સાથે જોવા નથી મળ્યાં. જોકે આ ચર્ચા વચ્ચે ક્યારેક-ક્યારેક અભિષેક અને ઐશ્વર્યાની જોડી જાહેરમાં દેખા દઈને એના પર ઠંડું પાણી રેડી દે છે. હાલમાં ફરી આવો જ ઘટનાક્રમ જોવા મળ્યો હતો.
તાજેતરમાં અમિતાભ બચ્ચનના મિત્ર રિકિન વર્માના દીકરાના વેડિંગ-રિસેપ્શનમાં અમિતાભ બચ્ચન, જયા બચ્ચન અને દીકરા અભિષેકે હાજરી આપી હતી અને હરખભેર ફોટો પણ ક્લિક કરાવ્યા હતા. જોકે આ રિસેપ્શનમાં ઐશ્વર્યા બચ્ચન હાજર નહોતી. એ ફોટો ઇન્ટરનેટ પર વાઇરલ થતાં ફરી પાછી ચર્ચા શરૂ થઈ હતી કે અભિષેક અને ઐશ્વર્યાએ ડિવૉર્સ લઈ લીધા અને માત્ર દીકરી આરાધ્યાના ઉછેર માટે જ સાથે જોવા મળે છે.
હજી આ ચર્ચા વેગ પકડે એ પહેલાં અભિષેક અને ઐશ્વર્યા ડિરેક્ટર આશુતોષ ગોવારીકરના દીકરાનાં લગ્નમાં સાથે જોવા મળ્યાં હતાં. આ ફંક્શનની તેમની તસવીરો સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ છે. તેમણે આઇવરી આઉટફિટનું એકબીજા સાથે મૅચિંગ કર્યું હતું. તેમણે ભારે ઉલ્લાસપૂર્વક આ લગ્ન માણ્યાં હતાં અને નવદંપતી સાથે તેમ જ પરિવારના અન્ય સભ્યો સાથે ફોટો પણ ક્લિક કરાવ્યા હતા.