HBD આલોક નાથ : ‘સંસ્કારી બાપુજી’ પહેલા હતા રોમૅન્ટિક હીરો

10 July, 2023 01:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પીઢ અભિનેતા આલોક નાથને પહેલી ફિલ્મ પછી પાંચ વર્ષ સુધી કામ નહોતું મળ્યું

આલોક નાથ

બૉલિવૂડ (Bollywood) અને ટીવી (Television) જગતમાં પોતાના દમદાર અભિનયથી દર્શકોના દિલ જીતનાર અભિનેતા આલોક નાથ (Alok Nath)ને સહુ કોઈ ‘સંસ્કારી બાપુજી’ના નામે જાણે છે. પીઢ અભિનેતાએ મોટાભાગની ફિલ્મો અને ટીવી સિરિયલોમાં બાપુજી કે સસરાનું પાત્ર ભજવ્યું છે. જેના કારણે તેમને ‘સંસ્કારી બાપુજી’નું ઉપનામ આપવામાં આવ્યું છે. આજે એટલે કે ૧૦ જુલાઈના રોજ આલોક નાથનો ૬૭મો જન્મદિવસ છે. આજે તેમના જન્મદિવસ નિમિત્તે ચાલો તેમના જીવનની કેટલીક રસપ્રદ વાતો જાણીએ…

અભિનેતા આલોક નાથ મૂળ દિલ્હી (New Delhi)ના છે. તેમના પિતા ડોક્ટર હતા અને પિતાની ઈચ્છા હતી કે આલોક નાથ પણ તેમની જેમ ડૉક્ટર જ બને. જો કે કોલેજમાં ભણતી વખતે તેમને અભિનયમાં રસ જાગ્યો. એટલે તેઓ કોલેજના ‘રુચિકા થિયેટર ગ્રુપ’ (Ruchika Theatre Group)માં જોડાઈ ગયા હતા. બાદમાં ત્રણ વર્ષ સુધી ‘નેશનલ સ્કુલ ઑફ ડ્રામા’ (National School Of Drama)માં અભિનયની તાલીમ લીધી.

વર્ષ ૧૯૮૦માં આલોક નાથે અંગ્રેજી ફિલ્મ `ગાંધી`થી અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેમનો રોલ નાનો હતો, પરંતુ આ ફિલ્મથી જ તેમને બૉલિવૂડમાં એન્ટ્રી મળી ગઈ હતી. આ ફિલ્મ બાદ આલોક નાથ મુંબઈ (Mumbai) આવી હતા. પરંતુ બીજી ફિલ્મ માટે તેમને સખત સંઘર્ષ કરવો પડ્યો હતો. પાંચ વર્ષ સુધી તેમને બીજી કોઈ ફિલ્મ મળી નહીં. આ દરમિયાન તેણે ‘પૃથ્વી થિયેટર’ (Prithvi Theatre)માં નાદિરા બબ્બર (Nadira Babbar) સાથે 2 વર્ષ સુધી અભિનય કર્યો. તે જ સમયે, વર્ષ ૧૯૮૪માં આલોક નાથને ફિલ્મ `મશાલ`માં એક નાનો રોલ મળ્યો અને તે ભજવવામાં તેમણે જરાક પણ ખચકાટ નહોતો અનુભવ્યો.

આલોક નાથને ‘સંસ્કારી બાપુજી’નું ટેગ તો પછીથી મળ્યું. આ અગાઉ તેમણે ફિલ્મોમાં રોમૅન્ટિક હીરોની ભૂમિકા ભજવી હતી. વર્ષ ૧૯૮૭માં આવેલી ફિલ્મ `કમાગ્નિ` માં તેમણે ખૂબ જ રોમૅન્ટિક અને હોટ સીન્સ આપ્યા હતા. આ સિવાય તેમણે `વિનાશક`, `ષડયંત્ર` અને `બોલ રાધા બોલ` જેવી ઘણી ફિલ્મોમાં વિલનની ભૂમિકા પણ ભજવી હતી. જોકે, તેમને માત્ર સકારાત્મક ભૂમિકાઓમાં જ પસંદ કરવામાં આવ્યા હતા.

ટેલિવિઝનમાં પણ આલોક નાથે ખુબ કામ કર્યું છે. તેમણે બુનિયાદ, ભારત એક ખોજ, તલાશ, તારા, દાને અનર કેં, હર ઘર કુછ કહેતા હૈ, ઘર એક સપના, સપના બાબુલ કા… બિદાઈ, યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ જેવી અઢળક સિરિયલોમાં અભિનય કરીને દર્શકોના દિલ જીત્યા છે. મોટા ભાગની સિરિયલોમાં તેમણે પિતા કે સસરાની ભૂમિકા ભજવી છે.

બૉલિવૂડ હોય કે ટેલિવિઝન અલોક નાથે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. પોતાના અભિનયની તેમણે એક છાપ છોડી છે. આલોક નાથે ભલે રોમૅન્ટિક હીરો તરીકે કારકિર્દીની શરુઆત કરી હોય પણ તેમને અત્યારે લોકો ‘સંસ્કારી બાપુજી’ તરીકે જ ઓળખે છે.

આલોક નાથે ૧૪૦ કરતાં વધુ ફિલ્મો અને ૨૦ કરતાં વધુ ટીવી સિરિયલમાં કામ કર્યું છે.

alok nath happy birthday entertainment news bollywood bollywood news indian television television news