22 April, 2026 10:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પાકિસ્તાની બ્રૅન્ડની મૉડલ આલિયા ભટ્ટ
હાલમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ને કારણે હકીકત અને કલ્પના વચ્ચેની સીમા ધૂંધળી બની રહી છે ત્યારે એક નવો વિવાદ સામે આવ્યો છે જેમાં આલિયા ભટ્ટનું નામ સંડોવાયેલું છે. હકીકતમાં એક પાકિસ્તાની બ્રૅન્ડે પોતાના સોશ્યલ મીડિયામાં એવા કેટલાક ફોટો શૅર કર્યા છે જે જોઈને એવું લાગે છે કે આલિયા ભટ્ટ તેનાં નવાં એથ્નિક કલેક્શન માટે મૉડલિંગ કરી રહી છે. આ તસવીરોમાં આલિયા વિવિધ લુકમાં જોવા મળી રહી છે. આ પોસ્ટની કૅપ્શનમાં લખવામાં આવ્યું છે કે આલિયા આ કલેક્શનની ચાહક છે અને આવું કહીને ગ્રાહકોને ઑર્ડર કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.
જોકે આ પોસ્ટ વાઇરલ થતાં જ ફૅન્સે પકડી પાડ્યું હતું કે આ તસવીરો ખૂબ વાસ્તવિક લાગતી હોવા છતાં હકીકતમાં AI દ્વારા બનાવવામાં આવી છે અને એમાં આલિયાનો ચહેરો અને ઉપરનો ભાગ બ્રૅન્ડનાં કપડાં પર એડિટ કરીને મૂકવામાં આવ્યો હતો. આ મામલે ફૅન્સ દ્વારા જ્યારે બ્રૅન્ડને ટ્રોલ કરવામાં આવી ત્યારે એણે હળવાશથી જવાબ આપતાં કહ્યું હતું કે આ પોસ્ટને વાઇરલ કરો જેથી આલિયા સુધી વાત પહોંચી જાય.