18 February, 2025 06:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષય એક ફંક્શનમાં જાહેરમાં અમિતાભ બચ્ચનના ચરણસ્પર્શ કરતો અને તેમને ગળે લગાવતો જોવા મળે, અક્ષય કુમાર અને તેની દીકરી નિતારાનો પણ એક વિડિયો સામે આવ્યો
હાલમાં ઍક્ટર અક્ષય કુમારનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં અક્ષય એક ફંક્શનમાં જાહેરમાં અમિતાભ બચ્ચનના ચરણસ્પર્શ કરતો અને તેમને ગળે લગાવતો જોવા મળે છે. આ દરમ્યાન બન્ને વચ્ચે વાતચીત પણ થઈ હતી. આ ફંક્શનનો જ અક્ષય કુમાર અને તેની દીકરી નિતારાનો પણ એક વિડિયો સામે આવ્યો છે જેને જોઈને યુઝર્સ નિતારાને માતા ટ્વિન્કલ ખન્નાની કાર્બન કૉપી કહી રહ્યા છે.
હાલમાં બૉલીવુડ સ્ટાર્સ ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL)ના ફિનાલેમાં સામેલ થયા હતા. આ લીગની બીજી સીઝનની ફિનાલે મૅચ મુંબઈના થાણેમાં દાદોજી કોંડદેવ સ્ટેડિયમમાં માઝી મુંબઈ અને શ્રીનગર કે વીર વચ્ચે રમાઈ હતી. અમિતાભ આ ક્રિકેટ ઇવેન્ટમાં પોતાની માલિકીની માઝી મુંબઈ ટીમને સપોર્ટ કરવા આવ્યા હતા. અમિતાભે ઇવેન્ટમાં વાઇટ કલરની હુડી પહેરી હતી, જેના પર માઝી મુંબઈનો લોગો હતો. આ ફંક્શનમાં જ અક્ષયે જાહેરમાં અમિતાભના ચરણસ્પર્શ કર્યા હતા અને બન્નેએ એકબીજાને ગળે લગાવ્યા હતા.
અક્ષય કુમાર શ્રીનગર કે વીર ક્રિકેટ ટીમનો માલિક છે. આ ઇવેન્ટમાં અક્ષય સાથે તેની દીકરી નિતારા પણ જોવા મળી હતી. આ ઇવેન્ટનો ઍક્ટરની દીકરીનો વિડિયો પણ સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે જેમાં તે પોતાની ટીમને ચિયર કરતી જોવા મળે છે. આ વિડિયોને જોઈને ફૅન્સ નિતારાને માતા ટ્વિન્કલ ખન્નાની કાર્બન કૉપી કહી રહ્યા છે તો કેટલાક લોકો તેને અક્ષય કુમારનું મિની વર્ઝન કહી રહ્યા છે.