15 January, 2025 03:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
દેશભરમાં ગઈ કાલે મકરસંક્રાન્તિના તહેવારની ઉજવણી થઈ હતી. બૉલીવુડ સ્ટાર્સે પણ આ તહેવારની મજા માણી હતી. અક્ષય કુમારે પણ ફિલ્મના સેટ પર મકરસંક્રાન્તિ સેલિબ્રેટ કરી હતી અને ઇન્સ્ટાગ્રામ પર તે પરેશ રાવલ સાથે પતંગ ઉડાડતો હોય એવો વિડિયો શૅર કર્યો હતો.
અક્ષયે વિડિયો શૅર કરતી વખતે કૅપ્શનમાં લખ્યું હતું કે ‘મિત્ર પરેશ રાવલ સાથે ફિલ્મ ‘ભૂત બંગલા’ના સેટ પર મકરસંક્રાન્તિના તહેવારની ઉજવણી કરી રહ્યો છું. આ સાથે હર્ષ અને ઉલ્લાસના તહેવાર પોંગલ, ઉત્તરાયણ અને બિહૂ માટે શુભેચ્છા પાઠવી રહ્યો છું.’
ડિરેક્ટર પ્રિયદર્શનની ‘ભૂત બંગલા’માં અક્ષય કુમાર અને પરેશ રાવલ કામ કરી જ રહ્યા છે, પણ હાલમાં આ ફિલ્મમાં તબુની પણ એન્ટ્રી થઈ છે. તબુએ શનિવારે ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મની ક્લૅપ શૅર કરીને આ વાતની માહિતી આપી હતી. આ ફિલ્મમાં અક્ષય કુમાર, પરેશ રાવલ અને તબુનું કૉમ્બિનેશન જોઈને બધાને ફિલ્મ ‘હેરાફેરી’ની યાદ આવી ગઈ છે. એ ફિલ્મ પણ પ્રિયદર્શને જ ડિરેક્ટ કરી હતી.