અક્ષય સાબિત થયો રિયલ એસ્ટેટનો ખરો ખિલાડી

30 July, 2025 07:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેણે ૭.૧૦ કરોડ રૂપિયામાં બોરીવલીના બે ફ્લૅટ વેચીને ૯૧ ટકાથી વધુ નફો મેળવ્યો

અક્ષય કુમાર

અક્ષયકુમારે જૂનમાં બોરીવલીના તેના બે આલીશાન ફ્લૅટ ૭.૧૦ કરોડ રૂપિયામાં વેચીને ૯૧ ટકાથી વધુ નફો મેળવ્યો છે. રિપોર્ટ પ્રમાણે અક્ષયકુમારના આ બે ફ્લૅટ ૨૫ એકરમાં ફેલાયેલા સ્કાય સિટીમાં હતા.

અક્ષયે આ બે ફ્લૅટમાંથી એક ૨૦૧૭માં ૩.૦૨ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો અને અત્યારે ૫.૭૫ કરોડ રૂપિયામાં વેચ્યો છે. આ પ્રૉપર્ટી ૧૧૦૧ સ્ક્વેર ફુટ છે જેમાં બે કાર-પાર્કિંગ સ્પેસનો સમાવેશ છે. આ ડીલમાં ૩૪.૫૦ લાખ રૂપિયા સ્ટૅમ્પ-ડ્યુટીના અને ૩૦,૦૦૦ રૂપિયા રજિસ્ટ્રેશન-ચાર્જના ચૂકવ્યા હતા.

અક્ષયે વેચેલો બીજો ફ્લૅટ તેણે ૨૦૧૭માં ૬૭.૯૦ લાખ રૂપિયામાં ખરીદ્યો હતો અને અત્યારે ૧.૩૫ કરોડ રૂપિયામાં વેચ્યો છે. આ પ્રૉપર્ટીનો કાર્પેટ એરિયા ૨૫૨ સ્ક્વેર ફુટ છે. આ ડીલમાં ૬.૭૫ લાખ રૂપિયા સ્ટૅમ્પ-ડ્યુટીના અને ૩૦,૦૦૦ રૂપિયા રજિસ્ટ્રેશન-ચાર્જના ચૂકવ્યા હતા.

આ પહેલાં પણ માર્ચમાં અક્ષયે બોરીવલીમાં બે રહેણાક પ્રૉપર્ટી ૬.૬૦ કરોડ રૂપિયામાં વેચી હતી. આ પ્રૉપર્ટી પણ ૨૦૧૭માં તેણે આ જ ટાઉનશિપમાં ખરીદી હતી. એ સિવાય તેણે એપ્રિલમાં લોઅર પરેલની તેની ઑફિસ-સ્પેસ ૮ કરોડ રૂપિયામાં વેચી હતી.

akshay kumar bollywood buzz bollywood news bollywood entertainment news borivali