06 September, 2025 09:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષય કુમાર
અક્ષય કુમાર અનેક વાર તકલીફોમાં લોકોને મદદ કરતો આવ્યો છે. આ વખતે પણ તે પંજાબના પૂરગ્રસ્ત વિસ્તારોમાં લોકોની મદદ માટે આગળ આવ્યો છે. અક્ષય કુમારે પંજાબમાં આપત્તિગ્રસ્ત લોકોની મદદ માટે ૫ કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. ઍક્ટરે સાથે એવું પણ લખ્યું હતું કે આ સેવા છે, ડોનેશન નથી. અક્ષય કુમારના આ સપોર્ટને લીધે પંજાબમાં રાહત-કામગીરીમાં ઘણી મદદ મળશે, કારણ કે પંજાબ અત્યારે ઇતિહાસની સૌથી ખરાબ કુદરતી આપદાની પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે.
ઍક્ટરે આ મદદ વિશે વાત કરતાં એવું કહ્યું હતું કે ‘હા, હું પાંચ કરોડ રૂપિયા પંજાબમાં રાહત-કામગીરીનો સામાન ખરીદવા માટે આપી રહ્યો છું, પણ કોઈને ‘ડોનેટ’ કરનારો હું કોણ હોઈ શકું? હું તો પોતાની જાતને સૌભાગ્યશાળી માનું છું જ્યારે કોઈને મદદ કરવાની તક મળે છે. મારા માટે આ મારી સેવા છે, મારું યોગદાન છે. હું પ્રાર્થના કરું છું કે પંજાબનાં મારાં ભાઈબહેનો પર જે કુદરતી આફત આવી છે એ જલદી વીતી જાય. રબ મહેર કરે...’
આ પહેલી વાર નથી જ્યારે અક્ષય કુમાર જરૂરતમંદોની મદદ માટે સામે આવ્યો હોય. અગાઉ ચેન્નઈમાં ભારે પૂર આવ્યું હતું ત્યારે પણ અક્ષયે યોગદાન આપ્યું હતું. કોવિડના સમયમાં પણ તેણે સૈનિકોના પરિવારોને મદદ પૂરી પાડી હતી.