05 August, 2026 03:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આયુષ શર્મા
સલમાન ખાનના બનેવી એવા ઍક્ટર આયુષ શર્માએ પોતાની કરીઅરના મુશ્કેલ તબક્કા વિશે ખુલ્લેઆમ વાત કરી છે. તેણે જણાવ્યું છે કે તેની પહેલી ફિલ્મ બાદ તેને અપેક્ષા મુજબ કામ મળ્યું જ નથી અને હાલમાં તે બેકાર છે.
પોતાની કરીઅર વિશે વાત કરતાં આયુષ શર્માએ કહ્યું હતું કે ‘મારી કરીઅરની શરૂઆતમાં સલમાનભાઈએ મને ઘણું માર્ગદર્શન આપ્યું હતું. કઈ ફિલ્મ કરવી અને કઈ ન કરવી એ વિશે તેઓ સતત સૂચનો આપતા હતા. તેઓ ખૂબ અનુભવી છે, તેથી તેમનો ફીડબૅક મારા માટે મહત્ત્વનો હતો. એ સમયે મને ફિલ્મ-ઇન્ડસ્ટ્રી વિશે ખાસ જાણકારી નહોતી એટલે તેઓ જે સલાહ આપતા એને હું ધ્યાનથી સાંભળતો હતો. સલમાનભાઈએ મારી સાથે ‘અંતિમ’ ફિલ્મમાં પણ કામ કર્યું હતું. તેઓ ફિલ્મમાં દેખાયા પણ હતા, જેથી ફિલ્મ વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે. ‘લવયાત્રી’માં મારા કામની પ્રશંસા થઈ નહોતી. આ કારણે હું ફરી ઍક્ટિંગ-સ્કૂલમાં ગયો અને મારા ક્રાફ્ટ પર ફરીથી કામ કર્યું. મેં લગભગ ૩ વર્ષ સુધી રાહ જોઈ, ત્યાર બાદ ‘અંતિમ’ બની. મને લાગ્યું હતું કે એ પછી ઘણી ફિલ્મોની ઑફર આવશે, પણ એવું બન્યું નહીં. મારી ઇચ્છા વધુ ને વધુ ફિલ્મો કરવાની છે, પણ આ એક સંઘર્ષ છે. ફિલ્મ-ઇન્ડસ્ટ્રી બૉક્સ-ઑફિસના આંકડાઓ પર ચાલે છે અને મેં હજુ સુધી એવા આંકડા હાંસલ કર્યા નથી જેના આધારે મને સતત મોટી ફિલ્મોની ઑફર મળે. અત્યારે તો મારી પાસે કોઈ જ કામ નથી.’