22 April, 2025 10:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આમિર ખાન ચીનના મકાઉમાં એક કાર્યક્રમમાં હાજરી આપી
આમિર ખાનની નેક્સ્ટ ફિલ્મ ‘સિતારે ઝમીન પર’ ૨૦૨૫ની ૨૫ ડિસેમ્બરે રિલીઝ થવાની છે. થોડા સમય પહેલાં આમિર ખાન ચીનના મકાઉમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા ગયો હતો. ચીનમાં એક ફૅન-ક્લબ સાથે વાત કરતી વખતે આમિરે પોતાની આ ફિલ્મની સ્ટોરી વિશે અનેક ખુલાસા કર્યા છે.
આમિરે વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કે ‘‘સિતારે ઝમીન પર’ બનીને લગભગ તૈયાર છે. આ ફિલ્મ ‘તારે ઝમીન પર’ની સીક્વલ છે, પણ એના કરતાં દસ ડગલાં આગળ છે. આ ફિલ્મ પ્રેમ, દોસ્તી અને જિંદગીથી પણ આગળ છે. ‘તારે ઝમીન પર’ જોઈને તમને રડવું આવ્યું હશે તો આ ફિલ્મ હસાવશે. ‘સિતારે ઝમીન પર’માં દિવ્યાંગ લોકો કેન્દ્રમાં છે. ‘તારે ઝમીન પર’માં મારું પાત્ર બહુ સંવેદનશીલ હતું, પણ સીક્વલમાં સાવ ઊંધું છે. સીક્વલમાં હું બહુ કડક વ્યક્તિ છું અને વારંવાર બધાનું અપમાન કરું છું. મારો પત્ની અને માતા સાથે સતત ઝઘડો થતો હોય છે. ફિલ્મમાં હું બાસ્કેટબૉલ કોચ છું જે પોતાના સિનિયરની પણ ધોલાઈ કરી નાખે છે. ફિલ્મમાં મારા પાત્રને ઘણી આંતરિક સમસ્યાઓ હોય છે.’
‘સિતારે ઝમીન પર’ની વાર્તા વિશે વાત કરતાં આમિરે જણાવ્યું હતું કે ‘ફિલ્મમાં મારું પાત્ર ખડૂસ વ્યક્તિનું છે, પણ તેને દસ દિવ્યાંગ લોકો શીખવે છે કે સારી વ્યક્તિ બનવું એટલે શું અને એ કઈ રીતે બની શકાય છે. મૂળ તો આ સ્પૅનિશ ફિલ્મ છે અને અમે એનું ભારતીય વર્ઝન બનાવ્યું છે.’
‘સિતારે ઝમીન પર’નું ડિરેક્શન આર. એસ. પ્રસન્નાએ કર્યું છે અને જેનિલિયા દેશમુખનો પણ એમાં મહત્ત્વનો રોલ છે.