હું સૌથી મોટા સ્ટારને શોધી રહ્યો હતો

10 August, 2022 12:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘લાલ​ સિંહ ચઢ્ઢા’માં શાહરુખ ખાનના કૅમિયો વિશે આમિર ખાને કહ્યું

શાહરુખ ખાન અને આમિર ખાન

‘લાલ સિંહ ચઢ્ઢા’માં શાહરુખ ખાનના કૅમિયો વિશે આમિર ખાને કહ્યું હતું કે તે સૌથી મોટા સ્ટોરને શોધી રહ્યો હતો. આમિરે ૧૯૯૪માં આવેલી ટૉમ હૅન્ક્સની ‘ફૉરેસ્ટ ગમ્પ’ની હિન્દી રીમેક ‘લાલ સિંહ ચઢ્ઢા’ બનાવી છે. આ ફિલ્મ અગિયાર ઑગસ્ટે રિલીઝ થઈ રહી છે. ‘ફૉરેસ્ટ ગમ્પ’માં ​એલ્વિસે જે રીતે પાત્ર ભજવ્યું હતું એ રીતે આ ફિલ્મમાં શાહરુખ ખાનનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ વિશે પૂછતાં આમિર ખાને કહ્યું હતું કે ‘શાહરુખ ખાન મારો મિત્ર છે. મેં તેને કહ્યું હતું કે એલ્વિસે જે રીતે અમેરિકાને ફિલ્મમાં રેપ્રિઝેન્ટ કર્યું હતું એ જ રીતે મને પણ તેની જરૂર છે અને તું ઇન્ડિયાનો સૌથી મોટો સ્ટાર છે એથી હું તારી પાસે આવ્યો છું.’

હું પર્ફેક્શનમાં વિ​શ્વાસ નથી રાખતો : આમિર

આમિર ખાનને મિસ્ટર પર્ફેક્શનિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ તે પર્ફેક્શનમાં નથી માનતો. તેનું માનવું છે કે સ્ક્રીન પર એક ઑર્ગેનિક જાદુ ક્રીએટ થવો જોઈએ. તેની ‘લાલ સિંહ ચઢ્ઢા’ અગિયાર ઑગસ્ટે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં તેની સાથે કરીના કપૂર ખાને કામ કર્યું છે. મિસ્ટર પર્ફેક્શનિસ્ટ તરીકે ઓળખાવવા વિશે આમિર ખાને કહ્યું કે ‘હું પર્ફેક્શનમાં વિશ્વાસ નથી કરતો, કારણ કે મારું માનવું છે કે સુંદરતા ઇમ્પર્ફેક્શનમાં જ છે. મને નથી લાગતું કે હું પર્ફેક્શનિસ્ટ છું. મને લાગે છે કે આ ટૅગ મને મીડિયા હાઉસ દ્વારા આપવામાં આવ્યો છે, કારણ કે ઘણા લાંબા સમય સુધી મારી એક પણ ફિલ્મ એવી નહોતી આવી જે બૉક્સ-ઑફિસ પર સફળ ન રહી હોય. જોકે મને સૌથી વધુ કંઈ પસંદ હોય તો એ સ્ક્રીન પરનું મૅજિક છે. ઑર્ગેનિક, જે મૅજિકલ મોમેન્ટ હોય એ મને પર્ફેક્શન કરતાં વધુ પસંદ છે.’

entertainment news bollywood news bollywood aamir khan Shah Rukh Khan laal singh chaddha