રણવીર સિંહ સાથે વધુ વાસ્તવિક ફિલ્મો કરવા માગું છું : દીપિકા પાદુકોણ

04 January, 2020 11:21 AM IST  |  New Delhi

રણવીર સિંહ સાથે વધુ વાસ્તવિક ફિલ્મો કરવા માગું છું : દીપિકા પાદુકોણ

રણવીર સિંહ

દીપિકા પાદુકોણનું કહેવું છે કે તે હસબન્ડ રણવીર સિંહ સાથે વધુ વાસ્તવિક ફિલ્મોમાં કામ કરવા માગે છે. દીપિકા અને રણવીરે ‘ગોલિયોં કી રાસલીલા: રામલીલા’, ‘બાજીરાવ મસ્તાની’ અને ‘પદ્‍માવત’માં પણ સાથે કામ કર્યું હતું. આ બન્ને હવે ‘83’માં સાથે કામ કરતાં જોવા મળવાનાં છે. આ ફિલ્મમાં રણવીર સિંહ ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર કપિલ દેવના પાત્રમાં જોવા મળશે. તો બીજી તરફ તેમની વાઇફ રોમી દેવની ભૂમિકામાં દીપિકા દેખાશે. આ વિશે જણાવતાં દીપિકાએ કહ્યું હતું કે ‘રણવીર સાથે આ રિયલિસ્ટિક ફિલ્મમાં કામ કરવાનો અનુભવ ખૂબ સારો રહ્યો હતો. ફિલ્મમાં એવા ડાયલૉગ્સ પણ નહોતા જે આ અગાઉ અમે સાથે કરેલી ત્રણ ફિલ્મોમાં હતા. આ ફિલ્મનો અનુભવ રિફ્રેશિંગ હતો. ખરું કહું તો આ ફિલ્મ દ્વારા મારે મારી જાતને યાદ અપાવવું પડ્યું હતું કે આ એ જ ઍક્ટર છે જેની સાથે મેં કામ કર્યું હતું. ફિલ્મનાં કૅરૅક્ટર્સ, એ સમય એકદમ અલગ છે. કૉસ્ચ્યુમ્સ અને સેટ પણ ખૂબ જ અલગ છે અને સાથે જ રિફ્રેશિંગ પણ છે. અમે બન્ને એકબીજાને જોતાં હતાં અને કહ્યું હતું કે આપણે આવું જ કામ સાથે મળીને વારંવાર કરવું જોઈએ.’

આ ફિલ્મમાં કામ કરવાનું કારણ જણાવતાં દીપિકાએ કહ્યું હતું કે ‘આ ફિલ્મમાં મેં કામ કર્યું એનું ખરું કારણ એ છે કે મારી મમ્મી મારા પપ્પાની લાઇફમાં એક અગત્યની સપોર્ટ સિસ્ટમ તરીકે રહી છે. મારા પપ્પાની સફળતામાં મારી મમ્મીનું મહત્વનું યોગદાન રહ્યું છે. રોમી અને કપિલ દેવની વાત આવે છે ત્યારે મને એમાં ઘણી સમાનતાઓ દેખાય છે. ‘83’માં જે સમયે તેઓ ભારત છોડીને વિદેશમાં જાય છે અને વર્લ્ડ કપ જીતે છે એ ત્રણ અઠવાડિયાંની જર્ની છે. એમાં બન્નેની નાનકડી પર્સનલ લાઇફની છટા દેખાડવામાં આવી છે. મારા મતે એ ખૂબ જ એક્સાઇટિંગ હતું.’

આ પણ વાંચો : છપાકના ટાઇટલ ટ્રૅકના લૉન્ચ વખતે ઇમોશનલ થઈ દીપિકા પાદુકોણ

કપિલ દેવની ૧૯૮૩ની યાદગાર ઇનિંગને રીક્રીએટ કરીને તેમને કરવામાં આવી સમર્પિત

મુંબઈ : ૧૯૮૩માં કપિલ દેવે ઝિમ્બાબ્વે સામે જે ઐતિહાસિક ઇનિંગ રમીને ભારતને જીત અપાવી હતી, એ ઇનિંગને રીક્રીએટ કરીને ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર કપિલ દેવને સમર્પિત કરવામાં આવી હતી. રણવીર સિંહ દ્વારા રીક્રીએટ કરવામાં આવેલી આ પ્રતિષ્ઠિત ઇનિંગને લંડનના ટુનબ્રિજ વેલ્સ સ્ટેડિયમમાં રાખવામાં આવી હતી. એના વિશે વિસ્તારમાં જણાવતાં ‘83’ ફિલ્મના ડિરેક્ટર કબીર ખાને કહ્યું હતું કે ‘લગભગ ૩૬ વર્ષ બાદ કપિલ દેવને એ જ ગ્રાઉન્ડ પર પાછા લાવવા એક યાદગાર અવસર હતો. આ એક પ્રકારે ફરીથી ઇતિહાસ રચવા જેવું હતું. આખું શહેર એના માટે ઉત્સાહિત હતું. કપિલ સરની ઇનિંગે ક્રિકેટની દુનિયાનાં નકશામાં ટુનબ્રિજ વેલ્સને સ્થાન અપાવ્યું છે. ૩૬ વર્ષ બાદ એ જ સ્થાને તેઓ પાછા ફર્યા છે. અમે તેમને સેટ પર આવવાની વિનંતી કરી હતી. આ ફોટો એક સરપ્રાઇઝ હતી. આ તમામ ક્ષણોનો એક વિડિયોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એને ૬ જાન્યુઆરીએ કપિલ દેવના બર્થ-ડે પર ટીમ દ્વારા રિલીઝ કરવામાં આવશે.’

ranveer singh deepika padukone bollywood news