બાળાસાહેબના અહંકાર ને ગુસ્સો વાજબી હતા : નવાઝુદ્દીન સિદ્દીકી

25 January, 2019 09:39 AM IST  | 

બાળાસાહેબના અહંકાર ને ગુસ્સો વાજબી હતા : નવાઝુદ્દીન સિદ્દીકી

નવાઝુદ્દીન સિદ્દીકી

નવાઝુદ્દીન સિદ્દીકીનું કહેવું છે કે ‘ઠાકરે’માં બાળ ઠાકરેને હૂબહૂ રજૂ કરવામાં આવ્યા છે. શિવસેનાના સુપ્રીમો બાળ ઠાકરેની બાયોપિક આજે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મને પૉલિટિકલ પ્રૉપગૅન્ડા અથવા તો બાળ ઠાકરેની ઇમેજ સુધારવા માટે બનાવવામાં આવી રહી હોવાની ઘણી ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મમાં તેમનું પાત્ર ભજવ્યા બાદ તેમના વિશે શું વિચારધારા છે એ વિશે પૂછતાં નવાઝુદ્દીને કહ્યું હતું કે ‘મારું માનવું છે કે એ સમયે સોસાયટી જેમાંથી પસાર થઈ રહી હતી એને જોઈને તેમનો ગુસ્સો અને અહંકાર વાજબી હતા. મહારાષ્ટ્રમાં એક સમય એવો આવ્યો હતો કે મિલો બંધ થઈ ગઈ હતી અને અચાનક તમામ યુવાનો બેરોજગાર થઈ ગયા હતા. હજારો મિલવર્કર બેરોજગાર થઈ ગયા હતા. તેમને અન્ય શું કામ કરવું એની સમજ નહોતી. તેઓ વર્ષોથી એક જ કામ કરી રહ્યા હતા અને એક દિવસ તમામ મિલ બંધ કરી દેવામાં આવી. કેટલીયે મિડલ ક્લાસ મરાઠી ફૅમિલી રસ્તા પર આવી ગઈ હતી. તેમનો કોઈ વાંક નહોતો અને તેમના માટે જૉબ ઊભી કરવી એ સરકારનું કામ હતું, પરંતુ તેમણે એ નહોતું કર્યું. એ જ સમયે અન્ય કમ્યુનિટી પણ ખૂબ જ જોરશોરથી આગળ વધી રહી હતી. આથી ઠાકરેએ ‘મરાઠી માણૂસ’ સારી રીતે જીવન જીવી શકે એ માટે કામ કર્યું હતું. આ જ કારણસર તેમને લોકોના રિસ્પેક્ટ અને સપોર્ટ મળ્યા હતા.’

મસીહા બનવાનનો કોઈ ઇરાદો નથી નવાઝુદ્દીન સિદ્દીકીનો

નવાઝુદ્દીન સિદ્દીકીનું કહેવું છે કે તે કોઈના માટે પણ મસીહા બનવા નથી માગતો. નવાઝુદ્દીન સિદ્દીકીએ ‘ઠાકરે’માં બાળ ઠાકરેનું પાત્ર ભજવ્યું છે. બાળ ઠાકરે ઝીરોમાંથી તેમના લોકો માટે હીરો બન્યા હતા. નવાઝુદ્દીન પણ ઝીરોમાંથી એક ઍક્ટર બન્યો છે. નવાઝુદ્દીન પણ લોકોને ઍક્ટર બનવા માટે પ્રેરણારૂપ બન્યો છે. આ વિશે પૂછતાં નવાઝુદ્દીને કહ્યું હતું કે ‘મેં આ રીતે કોઈ દિવસ ઍનૅલિસિસ નથી કર્યું. હું ફક્ત મારા કામ પર ધ્યાન આપું છું. મસીહા બનને કા કોઈ ઇરાદા નહીં થા હમેં તો. મારે ફક્ત ઍક્ટિંગ કરવી હતી. મારા થિયેટરના દિવસો હોય, સ્ટ્રીટ પ્લે હોય કે પછી જુદી-જુદી જગ્યાએ ઑડિશન આપવાનાં કેમ ન હોય; મારા માટે ફક્ત ઍક્ટિંગ મહત્વની છે. ભૂતકાળમાં કદાચ હું સૌથી ટૅલન્ટેડ ઍક્ટર નહોતો, પરંતુ મારામાં ઍક્ટિંગ કરવાનું એક પૅશન હતું. આ પૅશન એક પાગલપન બની ગયું અને મને એ પણ ખબર નહોતી પડી કે હું મારા સપનાને જીવી રહ્યો છું. જો તમારામાં પણ કોઈ કામ માટે પાગલપન હોય તો તમે પણ તમારું સપનું પૂરું કરી શકો છો. મને જ જોઈ લો, મેં મારું સપનું પૂરું કર્યું છે.’

નવાઝુદ્દીને બાળાસાહેબનું પાત્ર ગજબનું ભજવ્યું છે : રોહિત શેટ્ટી

રોહિત શેટ્ટીનું કહેવું છે કે નવાઝુદ્દીન સિદ્દીકી એક અદ્ભુત ઍક્ટર છે. બુધવારે યોજાયેલા ‘ઠાકરે’ના સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં રોહિતે હાજરી આપી હતી. આ ફિલ્મ જોયા બાદ નવાઝુદ્દીનનાં વખાણ કરતાં રોહિતે કહ્યું હતું કે ‘નવાઝુદ્દીન એક આઉટસ્ટૅન્ડિંગ ઍક્ટર છે. તેની દરેક ફિલ્મ બાદ તેના વિશે લોકો આવું જ કહેતા હશે. આ ફિલ્મમાં અમુક દૃશ્યોમાં ફિલ્મમેકરે બાળાસાહેબના યુવાન પાત્રને ખૂબ જ અદ્ભુત રીતે દેખાડ્યું છે. આ દૃશ્યોમાં નવાઝ હૂબહૂ સ્વર્ગીય શિવસેનાના સુપ્રીમો જેવો જ દેખાતો હતો. કોઈ પણ પબ્લિક ફિગરનું પાત્ર ભજવવું કોઈ પણ ઍક્ટર માટે ખૂબ જ જવાબદારીભર્યું કામ છે. જોકે નવાઝે બાળાસાહેબનું પાત્ર ગજબનું ભજવ્યું છે.’

ઠાકરેની સીક્વલના ચાન્સ છે : રોહિત શેટ્ટી

રોહિત શેટ્ટીને સીક્વલ કિંગ માનવામાં આવે છે અને તેનું કહેવું છે કે ‘ઠાકરે’ની સીક્વલ પણ બનાવવામાં આવશે. આ ફિલ્મના સ્પેશ્યલ સ્ક્રીનિંગમા તેણે હાજરી આપી હતી. ફિલ્મ વિશે પૂછતાં રોહિતે કહ્યું હતું કે ‘મુંબઈ જન્મ્યો અને ઉછેર થયો હોવાથી આપણે બાળાસાહેબને ઓળખીએ એ સ્વાભાવિક છે, પરંતુ હું તેમની ફૅમિલીને પર્સનલી ઓળખું છું. લોકોને તેમના કામ વિશે ખબર છે, પરંતુ તેમણે કેમ અને કેવી રીતે શરૂઆત કરી હતી એ લોકોને નથી ખબર. આથી અઢી કલાકની ફિલ્મમાં આ તમામ વાતોને સાંકળી લેવામાં ફિલ્મમેકરે ખૂબ જ સારું કામ કર્યું છે. આ ફિલ્મને લીડરશિપ તરીકે જોવી જોઈએ, કારણ કે હું તેમને એક લીડર માનું છું. તેમના વિઝન અને કૉન્ફિડન્સ દ્વારા બાળાસાહેબે મહારાષ્ટ્રમાં તેમની પાર્ટી માટે જગ્યા બનાવી હતી. તેમણે લોકોના ભલા માટે કામ કર્યું હતું. તેમની મુસાફરી ખૂબ જ મોટી છે અને આ ફિલ્મના અંતમાં તમે જોઈ શકશો કે આ ફિલ્મની સીક્વલ બનાવવામાં આવે એવા અણસાર છે. મને લાગે છે કે ફિલ્મમેકર્સ આ ફિલ્મની સીક્વલ બનાવશે અને હું તેમને એ માટે પહેલેથી શુભેચ્છા પાઠવું છું.’

ફિલ્મ ‘ઠાકરે’ દ્વારા આપણને જાણવા મળશે કે એક આર્ટિસ્ટ કેવી રીતે પૉલિટિકલ લીડર બન્યા હતા. નવાઝુદ્દીન બૉલીવુડના શ્રેષ્ઠ ઍક્ટરમાંનો એક છે અને તેણે ફિલ્મમાં વાઘની દહાડની જેમ કામ કર્યું છે

- શૂજિત સરકાર

આ પણ વાંચો : હું કરણી સેનાની માફી નહીં માગું : કંગના રનોટ

ઠાકરેના સ્ક્રીનિંગમાં ડિરેક્ટરને ખુરસી ન મળતાં થયો વિવાદ

સોશ્યલ મીડિયા પર હાલમાં એક વિડિયો વાઇરલ થયો છે, જેમાં ‘ઠાકરે’નો ડિરેક્ટર અભિજિત પાનસે ગુસ્સામાં થિયેટરમાંથી બહાર જઈ રહેલો દેખાઈ રહ્યો છે. બુધવારે રાતે ‘ઠાકરે’નું સ્પેશ્યલ સ્ક્રીનિંગ યોજવામાં આવ્યું હતું. આ સ્ક્રીનિંગમાં ડિરેક્ટરને બેસવા માટે ખુરસી નહોતી મળી એથી તે ગુસ્સામાં આવી ગયો હતો. આ વિડિયોમાં ફિલ્મના પ્રોડ્યુસર સંજય રાઉત દ્વારા તેને રોકવામાં આવે છે, પરંતુ તે ગુસ્સામાં જતો રહે છે.

આ પણ વાંચો : ઠાકરે માટે પહેલી પસંદ હતી ઇરફાન

અભિજિત માટે બેસવા માટે સીટ નહોતી, પરંતુ ત્યાર બાદ તેને પહેલી લાઇનમાં બેસવા માટે કહેવામાં આવ્યું હતું. આ વિડિયો બાદ અભિજિતના સમર્થકોએ થાણેમાં ‘ઠાકરે’ પરથી સંજય રાઉતનું નામ કાઢીને વિરોધ-પ્રદશન કર્યું હતું.

nawazuddin siddiqui bollywood news