રાજ કપૂરે હીરો તરીકે પસંદ કર્યો હતો અનિલ કપૂરને!

07 January, 2020 01:28 PM IST  |  Mumbai | Ashu Patel

રાજ કપૂરે હીરો તરીકે પસંદ કર્યો હતો અનિલ કપૂરને!

અનિલ કપૂર

યસ, રાજ કપૂરે તેમની ફિલ્મ ‘પરમવીર ચક્ર’ માટે અનિલ કપૂરને હીરો તરીકે પસંદ કર્યો હતો! રાજ કપૂરે અનિલને પસંદ કર્યો એ અગાઉ અનિલ કપૂરે શશી કપૂરની હીરો તરીકેની ફિલ્મ ‘તૂ પાયલ મૈં ગીત’ ફિલ્મમાં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે રોલ કર્યો હતો. જોકે એ ફિલ્મ રિલીઝ જ નહોતી થઈ. એ પછી તેણે યુવાનીમાં ‘હમારે તુમ્હારે’ ફિલ્મમાં એક કૅરૅક્ટર રોલ કર્યો હતો. અનિલે તેના મોટા ભાઈ બોની કપૂરની ફિલ્મ ‘હમ પાંચ’ ફિલ્મમાં આઉટડૉર કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું અને એમાં પણ નાનકડો રોલ કર્યો હતો.

એ અરસામાં રાજ કપૂર ઇન્ડિયન આર્મી પર એક ફિલ્મ બનાવવાનું વિચારી રહ્યા હતા. એ વખતે મેજર અશોક કૌલની સ્ટોરી તેમને પસંદ પડી ગઈ અને એ સ્ટોરી પરથી તેમણે ‘પરમવીર ચક્ર’ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું હતું. એ ફિલ્મમાં તેઓ તેમના પુત્રો અને જાણીતા ઍક્ટર્સ રિશી કપૂર તથા રણધીર કપૂર સાથે ત્રીજા હીરોને સાઇન કરવાનું વિચારતા હતા. તેમણે એ ફિલ્મનું નામ પણ રજિસ્ટર કરાવી લીધું હતું. ત્રીજા હીરો માટે તેમણે ઘણાં નામ વિચાર્યાં હતાં, પણ કોઈ ઍક્ટરનું નામ તેમના મનમાં ક્લિક થતું નહોતું. એ દિવસોમાં રાજ કપૂરની નજર અનિલ પર પડી હતી. અનિલના પિતા સુરેન્દ્ર કપૂર પણ ફિલ્મનિર્માતા હતા, પરંતુ એ દિવસોમાં તેમનો સમય ખરાબ ચાલી રહ્યો હતો.

રાજ કપૂરે અનિલને પોતાની એ નવી ફિલ્મ માટે પસંદ કરી લીધો. એ ફિલ્મનું શૂટિંગ પુણે પાસેના ખડકવાસલા સ્થિત નૅશનલ ડિફેન્સ ઍકૅડેમીમાં કરવા માટે રાજ કપૂરે જરૂરી પરવાનગી પણ લીધી હતી. રાજ કપૂરે પોતાને પસંદ કર્યો એટલે અનિલ કપૂરની ખુશી ક્યાંય સમાતી નહોતી. ‘પરમવીર ચક્ર’નું થોડું શૂટિંગ પણ ખડકવાસલામાં થયું. એ દરમ્યાન અનિલ કપૂરને હૉર્સ-રાઇડિંગ અને આર્મીના જવાનોને અપાય એવી બીજી કેટલીક તાલીમ પણ અપાઈ હતી. અનિલ કપૂર એનડીએ (નૅશનલ ડિફેન્સ ઍકૅડેમી)ના કૅડેટ તરીકે યુનિફૉર્મમાં હૉર્સ-રાઈડિંગ કરતો હોય અને બીજી તાલીમ લેતો હોય એવું શૂટિંગ એનડીએ (ખડકવાસલા)માં થયું હતું (એ વખતની તસવીર આ લેખ સાથે મૂકું છું).

રાજ કપૂરની ફિલ્મ મળી હોવાને કારણે અનિલ બહુ ઉત્સાહમાં હતો. તેણે તેના મિત્રોને અને પરિચિતોને મોટે ઉપાડે કહી દીધું હતું કે હું રાજ કપૂરની ફિલ્મમાં ચમકવાનો છું. અનિલ રાજ કપૂરનો ગાંડો ફૅન હતો એટલે તેને રાજ કપૂરની ફિલ્મમાં રોલ મળ્યો એ વાત તેને માટે વધુ મોટી હતી. એ ફિલ્મ મળતાં અગાઉ અનિલ ઘણો સંઘર્ષ કરી ચૂક્યો હતો, પણ તેને તક મળી નહોતી. અનિલ તેના પિતા સુરેન્દ્ર કપૂરને ફિલ્મનિર્માણમાં મદદ કરતો હતો. અનિલ વિદ્યાર્થી હતો એ દિવસોમાં અરીસા સામે જોઈને જાતે જ ઍક્ટિંગની પ્રૅક્ટિસ કરતો હતો. એવા સંજોગોમાં રાજ કપૂરની ફિલ્મમાં બ્રેક મળ્યો એથી તે સાતમા આસમાનમાં વિહરવા માંડ્યો હતો.

આ પણ વાંચો : તખ્ત માટે આકર્ષક લોકેશન શોધવા રાજસ્થાન પહોંચ્યો કરણ જોહર

જોકે કેટલાંક કારણસર રાજ કપૂરની એ ફિલ્મ અટકી ગઈ અને અનિલનું રાજ કપૂરની ફિલ્મમાં ચમકવાનું સપનું રોળાઈ ગયું (વર્ષો પછી મેજર અશોક કૌલે ‘પરમવીર ચક્ર’ નામની ફિલ્મ બનાવી હતી, પણ એ ફિલ્મ સાથે અનિલ કપૂરનો કોઈ સંબંધ નહોતો).

anil kapoor raj kapoor bollywood news