લંકાદહન : ભારતનો સિરીઝવિન

11 January, 2020 01:43 PM IST  |  Mumbai Desk

લંકાદહન : ભારતનો સિરીઝવિન

ચૅમ્પિયન્સ ટ્રોફિ સાથે વિજેતા ટીમ ઇન્ડિયા. તસવીર : પ્રકાશ પર્સેકર

ઇન્ડિયા અને શ્રીલંકા વચ્ચે પુણેમાં રમાયેલી ત્રીજી અને અંતિમ ટી૨૦ મૅચ ભારતે ૭૮ રનથી જીતીને સિરીઝ પણ ૨-૦થી જીતી લીધી છે. પ્લેયર ઑફ ધ મૅચ શાર્દુલ ઠાકુરને અને નવદીપ સૈનીને પ્લેયર ઑફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યા હતા. 

શ્રીલંકાએ ટૉસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલાં બૅટિંગ કરવા આવેલી ઇન્ડિયન ટીમે કે. એલ. રાહુલ અને શિખર ધવનની મદદથી ધમાકેદાર ઇનિંગ શરૂ કરી પહેલી વિકેટ માટે ૯૭ રનની પાર્ટનરશિપ કરી હતી. જોકે પછીથી સંજુ સૅમસન અને લોકેશ રાહુલ જલદી આઉટ થઈ ગયા હતા. રન લેવાના ચક્કરમાં વિરાટ કોહલી રનઆઉટ થયો હતો. ટીમ વતી સૌથી વધારે લોકેશ રાહુલે ૫૪ અને શિખર ધવને બાવન રન કર્યા હતા. શ્રીલંકાના લક્શન સદાકાને સૌથી વધારે ત્રણ વિકેટ લીધી હતી. ઇન્ડિયાએ ૨૦ ઓવરમાં ૬ વિકેટ ગુમાવીને ૨૦૧ રન બનાવ્યા હતા.
બીજી ઇનિંગમાં રમવા આવેલી શ્રીલંકન ટીમની શરૂઆત નબળી રહી હતી અને પહેલી જ ઓવરમાં જસપ્રીત બુમરાહે ધનુષ્કા ગુનાથિલકાને આઉટ કર્યો હતો. ૨૬ રનમાં શ્રીલંકાએ ચાર વિકેટ ગુમાવ્યા બાદ ઍન્જેલો મૅથ્યુઝ અને ધનંજય ડિસિલ્વાએ ટીમની પારી સંભાળી હતી. ઍન્જેલો મૅથ્યુઝ ૩૧ રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે ધનંજય ડિસિલ્વાએ સૌથી વધારે ૫૭ રન બનાવ્યા હતા. આ બે પ્લેયર સિવાય વિરોધી ટીમના ૯ પ્લેયર ૧૦ રનનો આંકડો પણ પાર નહોતા કરી શક્યા અને આખી ટીમ ૧૨૩ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. નવદીપ સૈનીએ સૌથી વધારે ત્રણ વિકેટ લીધી હતી. શાર્દુલ ઠાકુર અને વૉશિંગ્ટન સુંદરને બે-બે, જ્યારે જસપ્રીત બુમરાહને એક વિકેટ મળી હતી. ભારતે આ સિરીઝ જીતીને શ્રીલંકા સામે પોતાનો વિજયી રથ જાળવી રાખ્યો હતો.
આ સિરીઝ બાદ ઇન્ડિયા હવે ૧૪ જાન્યુઆરીથી ઑસ્ટ્રેલિયા સામે ત્રણ વન-ડે મૅચની સિરીઝ રમશે. પહેલી વન-ડે મુંબઈમાં રમાશે.

sports sports news cricket news india sri lanka