'1942 : અ લવ સ્ટોરી'ને શરૂઆતમાં અનિલ કપૂરે કેમ ઠુકરાવી હતી?

06 November, 2019 10:48 AM IST  |  Mumbai

'1942 : અ લવ સ્ટોરી'ને શરૂઆતમાં અનિલ કપૂરે કેમ ઠુકરાવી હતી?

અનિલ કપૂર

અનિલ કપૂરે તાજેતરમાં જ જણાવ્યું હતું કે તેણે ‘1942 : અ લવ સ્ટોરી’ને કરવાની પહેલા ના પાડી હતી. ૧૯૯૪માં રિલીઝ થયેલી વિધુ વિનોદ ચોપડાની આ ફિલ્મ અને એના ગીતો આજે પણ લોકોને યાદ છે. સ્વર્ગીય આર. ડી. બર્મને ફિલ્મને સંગીત આપ્યુ હતું. આ ફિલ્મ શરૂઆતમાં ન કરવાનું કારણ જણાવતાં અનિલ કપૂરે કહ્યું હતું કે ‘ ફિલ્મ ‘1942 : અ લવ સ્ટોરી’ એ સમયમાં એક માત્ર લવ સ્ટોરીવાળી ફિલ્મ હતી જે મેં કરી હતી. એને કરતી વખતે હું ખૂબ અનકમ્ફર્ટેબલ હતો. શરૂઆતમાં તો મેં આ ફિલ્મને કરવાની ના પાડી હતી. મેં તેમને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે હું આવો રોલ નહીં કરી શકું.

મેં તો આ રોલ માટે આમિર ખાન અને બોબી દેઓલનાં નામો પણ સુચવ્યા હતાં. મેં તેમને એમ પણ પૂછયુ હતું કે હું કયા એન્ગલથી તમને રોમૅન્ટિક લાગુ છું? એ સમયમાં તો હું ત્રણ બાળકોનો પિતા હતો. જોકે તેમણે મને મનાવી લીધો. આજે હું માનું છું કે એ ફિલ્મ કરીને મેં સારું કર્યું છે. મેં સખત મહેનત કરી હતી, વજન ઘટાડ્યુ હતું, મારા વાળ કપાવ્યા હતાં, મૂછોને ટ્રિમ કરાવી હતી.

સાથે જ મારા કૅરૅક્ટરમાં પૂરી રીતે ઓતપ્રોત થવા માટે મારા કૉસ્ચ્યુમ પર પણ કામ કર્યું હતું. એ મારી સૌથી રોમૅન્ટિક ફિલ્મોમાંની એક હતી. ‘એક લડકી કો દેખા તો ઐસા લગા’, ‘કુછ ના કહો’ અને ‘રિમ ઝીમ’ સુંદર ગીતો હતાં. એ ગીતો આજે પણ લોકોને યાદ છે. હું હવે જ્યારે આ ફિલ્મ જોઉં છું તો મારા રોલ માટે અન્ય કોઈની કલ્પના સુદ્ધાં નથી કરી શકતો.’

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચાર દાયકા જેટલો સમય પસાર કરનાર અનિલ કપૂરે સમયની ડિમાન્ડ પ્રમાણે ફિલ્મોમાં કામ કર્યું હતું. એ વિશે જણાવતાં અનિલ કપૂરે કહ્યું હતું કે ‘આજે હું લોકો સાથે કનેક્ટ થઈ શકું છું. એક સમય હતો જ્યારે હું જે ટ્રેન્ડમાં હોય એ અપનાવતો હતો. એ સમયમાં જે પ્રકારની ફિલ્મો બનતી હતી એને અને ફિલ્મ મેકર્સને હું સ્વીકારતો હતો. એક સમય હતો જ્યારે ભારતીય દર્શકો માટે ફિલ્મો બનાવવામાં આવતી હતી. ફિલ્મોમાં ગીતો, ફૅમિલી અને લગ્નને દેખાડવામાં આવતા હતાં. એનું શૂટિંગ અમેરિકા અને લંડનમાં કરવામાં આવતું હતું. એની શરૂઆત સૂરજ બડજાત્યાએ કરી હતી. ત્યાર બાદ આદિત્ય ચોપડા અને કરણ જોહરે પણ એ ટ્રેન્ડ અપનાવી લીધો હતો. જોકે એ બધામાં હું પોતાને કમ્ફર્ટેબલ નહોતો સમજતો. આમ છતાં મેં ‘હમારા દિલ આપકે પાસ હૈ’ અને ‘હમ આપકે દિલ મેં રહેતે હૈ’ જેવી ફિલ્મો કરી હતી અને એ ફિલ્મો સફળ પણ થઈ હતી. આ ફિલ્મો અગાઉ મેં એક સ્ટ્રૉન્ગ અને માચો કૅરૅક્ટરવાળી ફિલ્મો જેવી કે ‘રામ લખન’, ‘રખવાલા’ અને ‘કિશન કન્હૈયા’ કરી હતી. ત્યાર બાદ અચાનક સૉફ્ટ ફિલ્મો બનવાનું શરૂ થઈ ગયુ. એ વખતે મને લાગ્યુ કે હું હવે એમાં કઈ રીતે બંધ બેસીશ? ત્યારે મેં ‘1942 : અ લવ સ્ટોરી’ કરી જે એક માત્ર લવ સ્ટોરીવાળી ફિલ્મ મેં કરી હતી.’

આ પણ વાંચો : સાઇના માટે 15 દિવસ સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં રોકાશે પરિણીતી

પોતાની વર્તમાન ફિલ્મો વિશે અનિલ કપૂરે કહ્યું હતું કે ‘મારું માનવું છે કે હું હાલમાં જે પ્રકારની ફિલ્મો બની રહી છે એની સાથે વધુ સંબંધ ધરાવુ છું. જેવી કે ‘દિલ ધડકને દો’માં મેં ઝોયા અખ્તર સાથે કામ કર્યું હતું. હું મારી પહેલી ઐતિહાસિક ફિલ્મ ‘તખ્ત’ કરણ જોહર સાથે કરી રહ્યો છું. આવા પ્રકારની ફિલ્મો મેં કદી પણ નથી કરી. મારા મતે એ મજેદાર રહેશે.’

anil kapoor bollywood news