અમિતાભે સાડાત્રણ દાયકા અગાઉ સંન્યાસ લીધો હતો!

15 January, 2020 02:07 PM IST  |  Mumbai | Ashu Patel

અમિતાભે સાડાત્રણ દાયકા અગાઉ સંન્યાસ લીધો હતો!

અમિતાભ બચ્ચન

એ સંન્યાસ દરમ્યાન તેમણે ૪૧ દિવસ સુધી ઉપવાસ કર્યા હતા!

વિનોદ ખન્ના હીરો તરીકે ટોચ પર હતા એ સમય દરમ્યાન તેમણે સંન્યાસ લઈ લીધો હતો અને તેઓ રજનીશના અનુયાયી બનીને તેમના આશ્રમમાં રહેવા જતા રહ્યા હતા એ વાત તો જાણીતી છે, પણ અમિતાભ બચ્ચને તેમના સુવર્ણકાળ દરમ્યાન દોઢ મહિના માટે સંન્યાસ લીધો હતો એ વાતની તમને ખબર નહીં હોય.

યસ, ૧૯૮૪માં ‘શરાબી’ ફિલ્મનું શૂટિંગ શરૂ થયું એ પહેલાં અમિતાભ બચ્ચને ‘ત્રિદંડી સંન્યાસ’ તરીકે ઓળખાતો સંન્યાસ લીધો હતો (તેઓ બૅન્ગલોરમાં મનમોહન દેસાઈની ‘કુલી’ ફિલ્મના શૂટિંગ દરમ્યાન પુનિત ઇસ્સર સાથેની ફાઇટના સીનના શૂટિંગ વખતે ઈજા પામ્યા અને માંડ-માંડ બચ્યા એ પછી કદાચ વધુ ધાર્મિક બની ગયા હતા).

અમિતજી એ વખતે ૪૧ દિવસ દરમ્યાન હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીથી તો ઠીક, પત્ની અને બાળકોથી પણ દૂર થઈ ગયા હતા. ત્રિદંડી સંન્યાસ દરમ્યાન ફૅમિલી સાથે કોઈ પ્રકારનો સંપર્ક રાખવાનો નથી હોતો. તેમણે એ દોઢ મહિના દરમ્યાન જીવનનો શારીરિક રીતે સૌથી કઠિન સમય પસાર કર્યો હતો. એ સંન્યાસમાં કેરળના સબરીમાલામાં સ્વામી ઐયપ્પનના શરણમાં જવાનું હોય છે અને ૪૧ દિવસ સુધી ઉપવાસ કરવાના હોય છે. ત્રિદંડી સંન્યાસ દરમ્યાન શરાબ અને માંસથી દૂર રહેવાનું હોય છે. એ દરમ્યાન ઉઘાડા પગે ચાલવાનું હોય છે અને જમીન પર સૂવાનું હોય છે. અમિતજીએ એ બધા કઠોર નિયમોનું ચુસ્ત રીતે પાલન કર્યું હતું.
એ સંન્યાસના અંતિમ તબક્કામાં પહાડી રસ્તા પર પર ચાલીને ભગવાન ઐયપ્પાના મંદિર સુધી પહોંચવાનું હોય છે. અમિતાભ બચ્ચન એ રીતે ૪૦ માઇલ સુધી પથરાળ રસ્તા પર ચાલ્યા હતા. એ દિવસો દરમ્યાન તેમણે એ સંન્યાસના નિયમ પ્રમાણે ભગવાં કપડાં પણ પહેર્યાં હતાં.

આ વાત તેમણે એક મુલાકાતમાં કહી હતી (એ અગાઉ તેમણે કૅનેડાની એક ભારતીય મહિલા પત્રકારને ‘શરાબી’ ફિલ્મના સેટ પર આપેલી મુલાકાતમાં પણ તેમના આ સંન્યાસ વિશે વાત કરી હતી). એ મુલાકાતમાં અમિતજીએ એવું કહ્યું હતું કે એ વખતે સંન્યાસ લેવાનું કોઈ કારણ નહોતું, પણ મારા મિત્રો એ સંન્યાસ માટે જતા હતા એટલે હું પણ તેમની સાથે જોડાઈ ગયો હતો.

જોકે અમિતજી ‘કૂલી’ ફિલ્મના શૂટિંગ દરમ્યાન થયેલી ઈજા પછી લાંબા સમય સુધી મુંબઈની બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં રહ્યા હતા અને મૃત્યુની નજીક જઈ આવ્યા હતા. એ વખતે દેશના કરોડો લોકોએ તેઓ સાજા થઈ જાય એ માટે પ્રાર્થના કરી હતી. ઘણા લોકો તો તેમને માટે માનતા પણ માની રહ્યા હતા એ રીતે અમિતજીના કુટુંબની કે અન્ય કોઈ નજીકની વ્યક્તિએ તેમને માટે માનતા માની હોય એવી શક્યતા હોઈ શકે.

આ પણ વાંચો : હું આજે પણ મારી ફિલ્મોની પસંદગી કાળજીપૂર્વક કરું છું : પંકજ ત્રિપાઠી

અમિતજીએ સંન્યાસ લીધો હતો એ વખતની એક જ તસવીર બહાર આવી હતી અને એ અહીં શૅર કરું છું. એ તસવીરમાં અમિતાભ બચ્ચનનો એક હાથ દાઝેલો જણાય છે. એ વખતે તેમનો ડાબો હાથ કેમ દાઝેલો હતો એની પાછળની રસપ્રદ વાત પછી કરીશું.

amitabh bachchan bollywood news