17 July, 2026 04:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષય કુમાર અને સૈફ અલી ખાનની હૈવાન છે મલયાલમ સુપરહિટ ફિલ્મની હિન્દી રીમેક?
હિન્દી સિનેમામાં રીમેક ફિલ્મો બનાવવાનો ટ્રેન્ડ દાયકાઓથી ચાલી રહ્યો છે. તાજેતરમાં નિર્માતાઓએ ‘હૈવાન’નો ફર્સ્ટ લુક જાહેર કર્યો હતો ત્યારથી એવી ચર્ચા ચાલી રહી છે કે સૈફ અલી ખાન અને અક્ષય કુમારને લીડ રોલમાં ચમકાવતી આ ફિલ્મ ૨૦૧૬માં આવેલી મલયાલમ સુપરહિટ કલ્ટ સાઇકો-થ્રિલર ‘ઓપ્પમ’ની હિન્દી રિમેક છે. ‘ઓપ્પમ’ ૨૦૧૬માં રિલીઝ થઈ હતી જેમાં મોહનલાલ લીડ રોલમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મની વાર્તા બદલો લેવાની ભાવના પર આધારિત છે. એક કેદી પોલીસ-અધિકારી સામે બદલો લેવા માગે છે, કારણ કે તેની કાર્યવાહીથી તેના આખા પરિવારે આત્મહત્યા કરી હતી. જોકે તેના પ્લાનમાં એક એવી વ્યક્તિ વચ્ચે આવી જાય છે જે નૉર્મલ દૃષ્ટિક્ષમતા નથી ધરાવતી. આ વ્યક્તિ પોલીસ-અધિકારીનો ખૂબ જ નજીકનો માણસ હોય છે. ખલનાયક કેદી પોલીસ-અધિકારીની દીકરીને નિશાન બનાવે છે, જ્યારે પોલીસ-અધિકારીની નજીકની વ્યક્તિ તેને બચાવવાનો પ્રયાસ કરે છે. રહસ્ય, સસ્પેન્સ અને રોમાંચથી ભરપૂર આ વાર્તાને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી.