કૉલમ : તમે કેવા પ્રકારની મમ્મી બનશો?

24 May, 2019 12:36 PM IST  |  | યંગ વર્લ્ડ - અર્પણા શિરીષ

કૉલમ : તમે કેવા પ્રકારની મમ્મી બનશો?

ઐશ્વર્યા રાય સાથે દીકરી આરાધ્યા અને બીજી તરફ કરીના કપૂર બાળક તૈમૂર સાથે

યંગ વર્લ્ડ

માતૃત્વ પર આંગળી ઉઠાવવાનું ક્યારે બંધ થશે? કદાચ ક્યારેય નહીં, કારણ કે એક માને દુનિયા તો જજ કરે જ છે, પણ બે મા પણ એકબીજાના માતૃત્વની સરખામણી સતત કરે છે. ક્યારેક સાસુ વહુના માતૃત્વ પર આંગળી ઉઠાવે છે, તો ક્યારેક એક મા બીજી મા કરતાં પોતાને કઈ રીતે શ્રેષ્ઠ દેખાડવી એના પ્રયત્ન કર્યા કરે છે. સામાન્ય જીવનમાં બધું ચાલ્યા કરે છે. પણ જ્યારે કોઈ સેલિબ્રિટી મા બને ત્યારે તેને મા બનવાની સાથે એક સેલિબ્રિટી હોવાની પણ કિંમત ચૂકવવી પડે છે, અને એવું જ કંઈક થોડા સમયથી કરીના કપૂર અને ઐશ્વર્યા રાય સાથે થઈ રહ્યું છે.

અહીં એક બાજુ એવી મા છે જે ક્યારેય પોતાના બાળકને પોતાનાથી છૂટો પડવા દેતી નથી, અને બીજી તરફ એવી મા છે જે પોતાના કામની વ્યસ્તતાને કારણે બાળક સાથે વધુ સમય ગાળી શકતી નથી. બન્ને પોતાની રીતે સાચી હોવા છતાં સોશ્યલ મીડિયા પર લોકોના કઠોર શબ્દો સહન કરે છે. જોકે ક્યારે કયા ટાઇપની મમ્મી બનવું એ બાળકનો સ્વભાવ કે વર્તન કેવું છે એના પર આધાર રાખે છે. જાણો શું કામ આ બન્ને સેલિબ્રિટી મધર્સ થઈ રહી છે ટ્રોલ, અને સાઇકૉલૉજિસ્ટ કશિશ છાબરિયાનું આ વિશે શું કહેવું છે.

મમ્મી તરીકે ઐશ્વર્યા રાય

ઐશ્વર્યા રાયની દીકરી આરાધ્યા આઠ વર્ષની છે. ઐશ્વર્યા પર આરોપ છે કે તે ક્યારેય પોતાની દીકરીનો હાથ છોડતી નથી. જાહેરમાં જ્યારે પણ ઐશ્વર્યા દીકરી સાથે દેખાય ત્યારે હંમેશાં તેનો હાથ પકડેલો જ હોય છે. તાજેતરમાં જ્યારે આવો જ એક ફોટો સામે આવ્યો ત્યારે લોકોએ એના પર નકારાત્મક ટિપ્પણીનો વરસાદ કર્યો હતો. કોઈનું કહેવું હતું કે શું દીકરીને ક્યારેય મોટી જ નહીં થવા દે? તો કોઈનું કહેવું હતું કે આ રીતે તે દીકરીને ક્યારેય સ્વતંત્ર નહીં બનવા દે. જોકે આ પહેલાં પણ આવા સવાલનો જવાબ ઐશ્વર્યા આપી ચૂકી છે. તેનું કહેવું છે કે તે ફક્ત તેની દીકરીને દુનિયાની કોઈ પણ મુશ્કેલીઓથી રક્ષણ આપવા માટે આવુ કરે છે.

સાઇકૉલૉજિસ્ટ શું કહે છે?

આ પ્રકારના પેરન્ટિગના પ્રકારને પ્રોટેક્ટિવ પેરન્ટિંગ અથવા હેલિકૉપ્ટર પેરન્ટિગ પણ કહી શકાય. આવા વાલીઓ બાળકની દરેક બાબતનું ધ્યાન રાખવાની સાથે દરેક સમયે તેની આજુબાજુ રહેવાનું પસંદ કરે છે, જેનાથી તેઓ બાળકને રક્ષણ પૂરું પાડી શકે અને તેનું ધ્યાન રાખી શકે. અહીં જો ઐશ્વર્યા વિશે વાત કરીએ તો તે પોતાની દીકરીને મીડિયાથી કે પબ્લિકથી બચાવવા માગે છે. અને એમાં ખોટું શું છે? જ્યારે બાળક મેળામાં જાય ત્યારે તેને મેળો ખૂબ સારો લાગે છે, પણ જો એ જ મેળામાં તે ખોવાઈ જાય તો તેને એ જ મેળો બોજ સમાન લાગે છે. અહીં દીકરીનો હાથ પળવાર માટે છૂટી ગયો અને તે પોતાનાથી છૂટી પડીને અસ્વસ્થ ન થઈ જાય એટલો જ ઐશ્વર્યાનો હેતુ હશે. આખરે એક માને તેના બાળકનું ધ્યાન કઈ રીતે રાખવું એ બરાબર ખબર હોય છે.

મમ્મી તરીકે કરીના કપૂર

ગયા મહિને મતદાન સમયે દીકરા તૈમુરને સાથે લઈને બહાર પડેલી કરીના કપૂર આમ તો સતત દીકરાની સાથે જ હતી, પણ જ્યારે મીડિયા સામે ફોટો માટે પોઝ આપવાનો સમય આવ્યો ત્યારે કરીનાએ થોડી વાર માટે દીકરાને બીજાના હાથમાં આપ્યો અને તે રડવા લાગ્યો. બરાબર આ જ પળ કૅમેરામાં કૅપ્ચર થઈ અને લોકોએ કરીના પર એક ગેરજવાબદાર માનું લેબલ લગાવી દીધું. તેમનું કહેવું હતુ કે કરીનાને દીકરાના રડવા કરતાં ફોટો માટે પોઝ આપવો વધારે મહત્વનું લાગે છે. આ સિવાય પણ દીકરો મોટા ભાગે આયા સાથે જ દેખાય છે, એટલે કરીનાને દીકરા માટે સમય નથી તેવી કમેન્ટ્સ વારંવાર સોશ્યલ મીડિયા પર થતી હોય છે. કરીનાએ આ વિશે જોકે ક્યારેય ખુલાસો આપવાનો પ્રયાસ કર્યો નથી, કારણ કે કદાચ પોતાના દીકરા માટેની મમતા તેને લોકોને દેખાડવાની જરૂર નહિ લાગતી હોય.

સાઇકૉલૉજિસ્ટ શું કહે છે?

કરીના એક ઓપન માઇન્ડેડ વ્યક્તિ હોવાની સાથે એક કરીઅર-ઓરિયેન્ટેડ સ્ત્રી પણ છે. ગ્લૅમરની દુનિયા તેનું કરીઅર છે અને એ દુનિયાએ તેને જે સર્વસ્વ આપ્યું હોય તો એના માટે સ્વાભાવિક છે કે એ વધુ મહત્વનું હોય. પણ એનો અર્થ એમ નથી કે તેનો દીકરા માટેનો પ્રેમ ઓછો છે, પણ તે એક લિબરલ પ્રકારની મમ્મી છે. આવા પેરન્ટિંગ હેઠળ વાલીઓ બાળકને સ્વતંત્ર રીતે મોટું થવા દે છે. બાળકને કઈ રીતે અને ક્યાં પોતાની સાથે રાખવા અને ક્યાં છૂટ આપવી એની વાલીઓને સારી રીતે ખબર હોય છે. અહીં કરીના જેના લીધે નકારાત્મક ટિપ્પણીનો શિકાર બની હતી એ વિશે વાત કરવામાં આવે તો શક્ય છે કે તેનું બાળક તેને છોડતું જ ન હોય અને હંમેશાં મમ્મીની સાથે રહેવા માટે રડવાનું શરૂ કરતું હોય. સામાન્ય ગૃહિણીઓ પણ જ્યારે રસોડામાં કામ કરતી હોય અને બાળક આવીને કામમાં ખલેલ પહોંચાડે તો કહી દેતી હોય છે કે હમણાં નહીં પછી, અહીંથી જા, મને મારું કામ કરવા દે. તો અહીં એવું જ એક બાળક છે. એક એની મા છે, અને મા માટે કામ પણ મહત્વનું છે. ત્યારે બે મિનિટ માટે જો દીકરો રડી પડે તો એમાં માને જજ કરવાની કોઈ જરૂર નથી.

આ પણ વાંચો : વેકેશનમાં બાળકને કેટલો સમય ગાર્ડનમાં રમવા માટે મોકલશો?

બૅલૅન્સ જાળવો

બાળક માટે ખૂબ જ પ્રોટેક્ટિવ પેરન્ટ્સ પણ હાનિકારક અને ખૂબ લિબરલ પેરન્ટ્સ પણ હાનિકારક, એવું જણાવતાં સાઇકૉલૉજિસ્ટ કશિશ છાબરિયા કહે છે, ‘બાળક સાથે વ્યવહાર કરતી વખતે સંતુલન જાળવવું જરૂરી છે. ખૂબ બાંધીને રાખશો કે પ્રોટેક્ટ કરશો તો બાળક સ્વતંત્ર નહીં થઈ શકે, અને જો ખૂબ જ છૂટ આપશો તો તેનામાં કન્ટ્રોલ નહીં આવે, અને માટે જ બન્નેનું બૅલૅન્સ જાળવવું જરૂરી છે. એ કઈ રીતે જાળવવું તે માને ખૂબ સારી રીતે ખબર હોય છે, કારણ કે દરેક વ્યવહાર બાળકના સ્વભાવ અને વર્તન પર આધાર રાખે છે. જો બાળક ખૂબ અટેન્શન સીકર હોય તો સ્વાભાવિક છે કે માએ ક્યારેક તેને વઢવું પણ પડે અને પોતાનાથી છૂટો પણ પાડવો પડે. અને જો બાળક ચંચળ હોય તો એને હંમેશાં જાહેર સ્થળોએ પકડીને અથવા કંટ્રોલમાં પણ રાખવો પડે. એટલે કયા પ્રકારની મમ્મી બનવું એ બાળક કયા પ્રકારનું છે એના પર આધાર રાખે છે.

columnists kareena kapoor taimur ali khan aishwarya rai bachchan aaradhya bachchan