વેકેશનમાં બાળકને કેટલો સમય ગાર્ડનમાં રમવા માટે મોકલશો?

Published: May 17, 2019, 13:01 IST | યંગ વર્લ્ડ - અર્પણા શિરીષ | મુંબઈ

પાંચ વર્ષ સુધીનાં બાળકો માટેની વલ્ર્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને આપેલી ફિઝિકલ ઍક્ટિવિટી અને સિડેન્ટનરી બિહેવિયર માટેની લેટેસ્ટ ગાઇડલાઇન્સમાં બાળકોએ કેટલું રમવું, સૂવું અને કેટલું બેસી રહેવું જેવી વાતોની ચર્ચા કરી છે. આ સીઝનમાં દરેક મમ્મી-પપ્પાને મદદરૂપ બની

ખેલોગે કૂદઆોગે બનોગે નવાબ ‘ધોની’ ફિલ્મનું આ ગીત યાદ છે? જેમાં નાનકડો ધોની લાઇફમાં રમતનું કેટલું મહkવ છે એ જાણે સમજાવે છે અને હકીકત પણ કંઈક એવી જ છે. જેટલું ઘરમાંથી બહાર નીકળીને રમશો એટલું શરીર નવાબ જેવું હેલ્ધી બનશે. તાજેતરમાં વલ્ર્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને ખાસ પાંચ વર્ષ સુધીનાં બાળકો માટે નવી ગાઇડલાઇન્સ જાહેર કરી હતી, જેમાં ઑર્ગેનાઇઝેશનના ડિરેક્ટર જનરલ ડૉ. ટેડ્રોસ એધાનોમ ગેબ્રેસિસે કહ્યું હતું કે બાળપણનાં શરૂઆતનાં વર્ષો એ ઝડપી વિકાસનાં હોય છે અને એ દરમ્યાન પરિવારે બાળકોની તબિયત સારી બને એવી લાઇફ-સ્ટાઇલ પૅટર્ન અપનાવવી જોઈએ.

શું કહેવું છે WHOનું

આ નવી ગાઇડલાઇન્સ કેટલો સમય એક જગ્યાએ બેસી રહેવાનું, પાંચ વર્ષથી નીચેનાં બાળકો માટે ઊંઘ કેટલી હોવી જોઈએ, અને એનો ફાયદો આખા જીવનમાં કેવો થાય છે, એ વિશે ખૂબ સારી રીતે સમજાવ્યું છે. આ રર્પિોટ પ્રમાણે શારીરિક પ્રવૃત્તિને વધારવામાં આવે, બેસી રહેવાના સમયને ઓછો કરવામાં આવે, અને જો પૂરતી ઊંઘ નાનાં બાળકોને આપવામાં આવે તો તેમની ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ સુધરે છે. અને બાળપણમાં થતી સ્થૂળતા તેમ જ તેને લગતા એકે રોગ એ જીવનભર થતા નથી.

બધા માટે છે

આ વિશે વાત કરતા મુંબઈની જાણીતી હૉસ્પિટલોમાં ડેવલપમેન્ટ પીડિયાટ્રિશ્યન તરીકે ફરજ પૂરી પાડતાં પ્રિયંકા પરીખ કહે છે, ‘વલ્ર્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને આપેલી આ સૂચનાઓ ફક્ત બાળકો માટે નહીં, પણ તેમના પેરન્ટ્સ માટે પણ જરૂરી છે. બાળકો હંમેશાં પેરન્ટ્સને જોઈને જ મોટાં થાય છે, અને તેમની જ આદતોને અપનાવે છે. અહીં જો વાલીઓ પોતે જ મોબાઇલ ફોનનો ઉપયોગ ઓછો કરે, સમય પર જમે અને સમય પર સૂઈ જાય તો આ જ હેલ્ધી શેડ્યુલ તેમનું બાળક અપનાવશે અને એ જીવનભર રહેશે.’

ઉંમર પ્રમાણે શારીરિક પ્રવૃત્તિઓ

એક વર્ષ કે એનાથી ઓછી ઉંમરનાં બાળકને પણ શારીરિક રીતે ઍક્ટિવ રહેવાની ખૂબ જરૂર હોય છે, જેમાં તેમને ફ્લોર ટાઇમ આપવો જોઈએ, બાળકને જમીન પર મેટ અથવા ધાબળો પાથરી પોતાની રીતે સમય પસાર કરવા દેવો જોઈએ, ઓછામાં ઓછી ૩૦ મિનિટ તેમને પેટ પર ઊંધાં સુવડાવવાં જોઈએ.

દોઢથી બે વર્ષના વયજૂથ દરમ્યાન બાળકોને દિવસની ઓછામાં ઓછી ત્રણ કલાક શારીરિક પ્રવૃત્તિ કરાવવી જોઈએ. જેટલી વધુ ઍક્ટિવિટી એટલું વધુ સારું. ૩થી ૪ વર્ષના વયજુથનાં બાળકો માટે થોડી વધુ ઍક્ટિવિટી છે, જેમાં એક કલાક એવી ઍક્ટિવિટી કરાવવી કે જેમાં શરીરના અવયવોનું વધુ હલનચલન થાય, અને તેમને થોડો થાક લાગે. આમ દિવસભરમાં ત્રણથી સાડાત્રણ કલાક તેમને રમવા દેવાં જોઈએ, જેમાં ગાર્ડનમાં રમત રમવા ઉપરાંત ઘરમાં પણ પેરન્ટ્સે સાથે મળીને રમવું જોઈએ.

પાંચ વર્ષ સુધીનાં અને તેનાથી વધુ વયનાં બાળકોને ફિઝિકલ ઍક્ટિવિટી શરીરના સ્નાયુ થોડા ખેંચાય અને વધુ મજબૂત બને એવા પ્રકારની હોવી જોઈએ, જેમાં યોગ, ઍરબિક વગેરેનો સમાવેશ પણ કરી શકાય. આ રીતની રમત રમવા દેવાના ફાયદા વિશે જણાવતાં ડૉ. પ્રિયંકા પરીખ કહે છે, ‘બાળકોને જ્યારે છૂટથી રમવા દેવામાં આવે ત્યારે તેઓ શારીરિક રીતે ઍક્ટિવ રહે છે, જેમાં ફ્રી પ્લે અને આઉટડોર પ્લે મુખ્યત્વે છે. તેમને બહાર બીજાં બાળકો સાથે પણ રમવા દેવાં જોઈએ. આ રીતે રમવાથી તેમનામાં લોકો સાથે હળવાભળવાની આવડત આવે છે. બાળકો લડે, પાછાં ભળે, અને ફરી રમે. આ તેમના સોશ્યલ ડેવલપમેન્ટ માટે મહkવનું છે. એ સિવાય તેઓ એક જૂથમાં કઈ રીતે રમવું એ પણ શીખે છે. શારીરિક રીતે ઍક્ટિવ હોવાને લીધે બાળકો સ્થૂળ થતાં નથી અને આગળ જઈને સ્થૂળતાને લીધે થતા રોગોથી પણ દૂર રહે છે. બાળપણમાં જેટલું વધુ રમ્યાં હશો એટલાં જ ઍડલ્ટ થશો ત્યારે રોગમુક્ત અને ઍક્ટિવ રહેશો.’

બેઠાડુ સમય

અત્યારે વેકેશન ટાઇમ છે. ત્યારે બાળકોને મોબાઇલ અને ટીવીની સામે બેસાડવાનું બને એટલું ટાળવું જોઈએ. ડૉ. પ્રિયંકા કહે છે, ‘આજકાલ બાળક એક વર્ષથી ઓછું હોય એમાં જ ઘણા પેરન્ટ્સ તેમને મોબાઇલનું એક્સપોઝર આપી દે છે. જોકે બે વર્ષથી નીચેનાં બાળકો માટે સ્ક્રીન ટાઇમ એટલે કે મોબાઇલ, ટીવી કે એવાં કોઈ પણ ઇલેક્ટ્રૉનિક્સ ગૅજેટ્સ ન આપવાની સલાહ આપું છું. બાળક જ્યારે ફિઝિકલ ઍક્ટિવિટી ન કરતું હોય કે તેને બેસી રહેવાનું કે પડી રહેવાનું હોય, ત્યારે તેમને બુકરીડિંગ કે વાર્તાઓ સંભળાવો. બે વર્ષની ઉપરનાં બાળકો માટે પણ સ્ક્રીન ટાઇમ દિવસમાં એક કલાકથી વધુ ન હોવો જોઈએ. બાળક ભલે છ મહિનાનું હોય તો પણ તેની સાથે પિક્ચર બુક લઈને ત્યારે સમય ગાળવો જોઈએ. તેમને બુકના એક-એક પાનાં બતાવો, એનું ડિસ્ક્રિપ્શન અને ટૂંકી વાર્તાઓ સંભળાવો. આ રીતે તેમને આગળ જઈને વાંચનમાં રસ પણ પડશે. ત્યાર બાદ બાળકો જ્યારે થોડાં મોટાં થાય ત્યારે તેમને બહાર રમવા સિવાયના સમયમાં બેસાડી રાખવાને બદલે પઝલ કે કોઈ ર્બોડ ગેમ આપો. એનાથી તેમનું મોટર ડેવલપમેન્ટ થાય છે. એટલે કે આંખ અને હાથ એકસાથે ઍક્ટિવિટીમાં કઈ રીતે વાપરવાં એનું જ્ઞાન તેમને મળે છે. આ સિવાય ઘરમાં જ બાળકો સાથે પેરન્ટ્સે સમય કાઢીને રમવું જોઈએ. બાળકો સાથે ઘરમાં જ બેસીને રમવાની ગેમ રમી શકાય. પઝલ્સ રમાડો. આ રીતે બાળક કાલ્પનિક ખેલ કરતાં શીખે છે. તેમની ક્રિયેટિવિટી વધે છે અને ઇમેજિનેશન પાવરમાં પણ બૂસ્ટ મળે છે.’

ઊંઘ કેટલી જરૂરી

નવજાત બાળકોનો મોટા ભાગનો વિકાસ તેઓ સૂતાં હોય ત્યારે થાય છે. WHOને આ ગાઇડલાઇન્સ પ્રમાણે એકથી ત્રણ મહિના સુધીનાં બાળકોને દિવસની ચૌદથી સત્તર કલાક ઊંઘ મળવી જોઈએ. તેમ જ ચારથી અગિયાર મહિનાની વયનાં બાળકોને બારથી સોળ કલાકની સારી ઊંઘ મળવી જોઈએ, જેમાં રાતની ઊંઘ અને દિવસના સમયની નાની ઝપકીનો પણ સમાવેશ થાય છે. એ પ્રમાણે બે વર્ષ સુધીનાં બાળકોને અગિયારથી તેર કલાકની ઊંઘ અને ત્રણથી પાંચ વર્ષ સુધીના બાળકો માટે દસથી તેર કલાકની અનડિસ્ટર્બ ઊંઘ હેલ્ધી લાઇફ માટે જરૂરી છે.

ઊંઘ સમયસર અને યોગ્ય પ્રમાણમાં લેવી શા માટે જરૂરી છે એ સમજાવતાં ડૉ. પ્રિયંકા કહે છે, ‘બાળકોના ડેવલપમેન્ટ માટે ઊંઘ ખૂબ મહત્વનું ફૅક્ટર છે. ક્યારેક એવું બને છે કે સ્કૂલમાંથી ફરિયાદ આવતી હોય કે બાળકનું ધ્યાન નથી, ફોકસ નથી કરી શકતું, કે તેને શીખવામાં અઘરું પડે છે. તે હાઈપર-ઍક્ટિવ છે વગેરે વગેરે... આવામાં ઊંઘની કમી જવાબદાર હોઈ શકે. જ્યારે બાળક જરૂર કરતાં ઓછું ઊંઘતું હોય ત્યારે તેની ઊંઘ પૂરી ન થવાને કારણે સ્વભાવ ચીડિયો બની જાય છે.

આ પણ વાંચોઃ કૉલમ : સાઇબર બુલિંગનો શિકાર તો નથી ને તમારું સંતાન?

એ ધ્યાન કેન્દ્રિત કરી શકતું નથી. આવાં બાળકોને બિહેવિયર પ્રૉબ્લેમ પણ થઈ શકે છે. જોકે આ માટે ઘરમાં ચાલી રહેલી જીવનશૈલી મુખ્યત્વે જવાબદાર છે. બાળકોની સ્લીપ પૅટર્ન નિયમિત બનાવવા માટે પેરન્ટ્સે પણ તેમની સાથે સૂવામાં અને ઊઠવામાં નિયમિત બનવું જોઈએ, કારણ કે આખરે બાળક મા-બાપને જોઈને જ શીખે છે. ઘણાં ઘરોમાં વેકેશન હોય ત્યારે સવારે મોડે સુધી સૂવાની અને રાતના બેથી ત્રણ વાગ્યા સુધી જાગવાની જાણે પૅટર્ન બની ગઈ હોય છે. એકથી પાંચ વર્ષનો સમયગાળો એ ફાઉન્ડેશન તરીકે ઓળખાય છે. આ સમયમાં જો સરખું રૂટીન સેટ કરવામાં આવે તો એ આખી લાઇફ સાથ આપે છે.’
મહત્વની વાત એ છે કે સારી ઊંઘ આવવા માટે બાળકોને ફિઝિકલ ઍક્ટિવિટી એટલે કે બહાર જઈને રમવું પણ જરૂરી છે. શરીર થાકશે જ નહીં તો ઊંઘ કેવી રીતે આવશે?

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK