21 December, 2024 05:02 PM IST | Mumbai | Ruchita Shah
મુંબઈના ગુલાલવાડી વિસ્તારમાં સાડીની એક દુકાન
ભારતીય સંસ્કૃતિની છાંટ ધરાવતી સાડીનો દબદબો દુનિયાભરમાં વધ્યો છે. જોકે દરરોજ સાડી પહેરનારી મહિલાઓની સંખ્યા ઘટી છે અને રેગ્યુલર સાડીઓ વેચતી ઘણી દુકાનો પણ બંધ થઈ છે પરંતુ સાડીનો રુઆબ જરાય નથી ઘટ્યો. આજે ‘વર્લ્ડ સારી ડે’ નિમિત્તે મુંબઈમાં વર્ષોથી સાડીની દુકાન ધરાવતા કેટલાક અગ્રણીઓ સાડી માટે લોકોના બદલાયેલા પ્રેફરન્સ વિશે શું કહે છે એ જાણીએ
‘યસ, એ વાત સાવ સાચી કે પહેલાંની તુલનાએ રૂટીનમાં દરરોજ સાડી પહેરતી મહિલાઓની સંખ્યા ઘટી છે અને એટલે જ રૂટીન સાડી રાખતી દુકાનો પણ ઘટી છે પરંતુ સાડીનું મૂલ્ય તો એકધારુ વધ્યું જ છે. પહેલાં સાડી સામાન્ય પોષાક હતો, પણ હવે સાડી ખાસ પોષાક છે. રૂટીનમાંથી સાડીનું જવું એ સાડીના નામશેષ થવાની નહીં પણ સાડીના વિશેષપણાની ચાડી ખાય છે.’
છેલ્લાં ૧૧૪ વર્ષથી ગુલાલવાડીમાં ઘરચોળાં અને બાંધણીની સાડી માટે પોતાનો દબદબો જાળવી રાખનારી દુકાન ખત્રી જમનાદાસ બેચરદાસની ચોથી પેઢીનો મૌનિલ ખત્રી વાતની શરૂઆત કરે છે. પોરબંદરથી મુંબઈ આવેલા જમનાદાસજીએ છેક ૧૯૧૦માં મુંબઈના ગુલાલવાડી વિસ્તારમાં સાડીની એક દુકાન કરી હતી. આજે દુનિયાભરમાંથી લોકો પોતાના લગ્નપ્રસંગની ખરીદી માટે આ દુકાનમાં આવે છે. અંબાણી પરિવારની મહિલાઓની આ માનીતી શૉપ છે.
વીરજી ગડા
કેવો બદલાવ?
સાડી ભારતીય પરિવેશનો બહુ જ મહત્ત્વનો સિમ્બૉલ છે અને જાતજાતની અને ભાતભાતની સાડીઓ આપણે ત્યાં ઉપલબ્ધ છે. સાડીનો મોહ ક્યારેય ખતમ નહીં થાય એવી સ્પષ્ટતા કરતાં દાદરમાં લગભગ ચાર દાયકાથી ‘પાનેરી’ નામે સાડીનો મોટો શોરૂમ ધરાવતા વીરજી દેવરાજ ગડા કહે છે, ‘સાડી આપણું સાંસ્કૃતિક પ્રતીક છે. વર્ષો પહેલાં અમે રેડીમેડ ગાર્મેન્ટનું કામ કરતા હતા. એમાંથી સાડીમાં આવ્યા. શરૂ કર્યું ત્યારે માંડ અઢીસો સ્ક્વેર ફીટની દુકાન હતી. આજે દસ હજાર ફીટના એરિયામાં અમે માત્ર સાડી વેચીએ છીએ. મારી પાસે ડ્રેસ-મટીરિયલ, ચણિયાચોળી જેવું બીજું પણ ઘણું છે પણ એના માટે અલગ જગ્યા છે. અત્યારે દસ હજાર ફીટ એરિયામાં તો અમે માત્ર ને માત્ર સાડી જ વેચીએ છીએ. દેશના ખૂણેખૂણામાં મળતી વિશિષ્ટ સાડીઓ તમને અમારે ત્યાં મળશે. જો સાડીની માગ ઘટી હોય તો અમે ખોટ ખાઈને તો દુકાનનો આટલો વિસ્તાર ન કરીએને? હા, એટલું ચોક્કસ છે કે હવે લોકોને વૉશેબલ અને રોજેરોજ પહેરાય એવી સાડીને બદલે કૉટન, સિલ્ક, એમ્બ્રૉઇડરીની સાડીઓ વધુ પસંદ છે. પહેલાં જો કોઈ મહિલા ચાર રેગ્યુલર અને એક પ્રસંગમાં પહેરવાની ભારે સાડી લેતી હતી એને બદલે હવે તે બધી જ સાડી ભારે અને પ્રસંગોમાં પહેરી શકે એવી લે છે. વધુ બહેતર ક્વૉલિટીવાળી સાડીની માગ છે. આજે બહુ જ ઠસ્સા સાથે પ્રાઉડ્લી મહિલાઓ સાડી પહેરે છે. પહેલાં તેમને સાડી પહેરવામાં ગૌરવ નહોતું લાગતું. એ તેમના માટે સામાન્ય ડ્રેસ-કોડ હતો. આજે એ ખાસંખાસ ડ્રેસ-કોડ છે.’
ફરક કોને પડ્યો?
ભુલેશ્વર, મંગલદાસ માર્કેટ, મૂળજી જેઠા માર્કેટ, ક્વીન્સ રોડ, ગુલાલવાડી, દાદરનું હિન્દમાતા માર્કેટ જેવા સાડીના અમુક ફિક્સ માર્કેટમાં પહેલાં ઢગલાબંધ સાડીઓ વેચાતી પણ હવે એમાં થોડોક બ્રેક લાગ્યો છે. જે લોકો સાડીમાં પણ વિશિષ્ટ ફ્લેવરને પકડી શક્યા છે તેમને ક્યાંય વાંધો નથી આવ્યો. મૌનિલ ખત્રી કહે છે, ‘અમે ઘરચોળાં અને બાંધણીના સ્પેશ્યલાઇઝ્ડ તરીકે શરૂઆત કરી હતી અને આજે પણ એ સ્પેશ્યલાઇઝેશનને પકડી રાખ્યું છે. બીજું, પરંપરા સાથે આજના ટ્રેન્ડને નજરઅંદાજ નથી કર્યો. ટ્રેડિશનલ વિથ મૉડર્ન ટચનો અમારો કન્સેપ્ટ હંમેશાં લોકપ્રિયતાને પામ્યો છે. બાકી તમને કહું કે મારા દાદાજીના સમયમાં ગુલાલવાડીમાં અત્યારે જ્યાં અમારી દુકાન છે ત્યાં સેંકડો દુકાનો હતી. સાડીનું આ મુખ્ય માર્કેટ હતું, પણ સમય સાથે દુકાનો બંધ થતી ગઈ. હવે માંડ બાર-પંદર દુકાનો રહી હશે. એ રીતે ઇમ્પૅક્ટ દેખાય છે, પણ અગેઇન સર્વાઇવલની આ વૉરમાં જેઓ સ્માર્ટનેસ સાથે આગળ વધ્યા છે તેમને કોઈ જ વાંધો નથી આવ્યો.’
મીતા ચોલેરા
લોકો ક્વૉલિટી શોધે છે
છેલ્લાં ૮૨ વર્ષથી સાઉથ મુંબઈના પ્રાર્થના સમાજમાં સાડીની ધરોહરને જાળવી રહેલી દુકાન ગિરધરલાલ બ્રધર્સનાં મીતા ચોલેરાની દૃષ્ટિએ લોકો પાસે હવે ઑપ્શન્સ વધ્યા છે અને એટલે જ શોધખોળ પણ વધી છે. તેઓ કહે છે, ‘૧૯૪૪ની ૨૮ ઑગસ્ટે મારા પપ્પાના મોટાભાઈએ આ દુકાન શરૂ કરી હતી ત્યારની વાતો મેં મારા પપ્પા પાસે સાંભળી છે એ અને આજનો સિનારિયો જોઉં છું તો યસ બદલાવ છે. પહેલાં લોકોની શૉપિંગની આદત જરૂરિયાત પૂરતી મર્યાદિત હતી. આજે એ લક્ઝરી છે. પહેલાં બે સાડીની જરૂર હોય તો એકથી કામ ચલાવવામાં લોકોને વાંધો નહોતો. આજે એક સાડી લેવા માટે નીકળ્યા હોય અને ત્રણ ગમી જાય તો ત્રણેય ખરીદવામાં તેમને વાંધો નથી. આ બદલાવ છે. લોકોની સ્પેન્ડિંગ કૅપેસિટી વધી છે. પ્લસ જે જૂની દુકાનો છે એની શાખને કારણે પણ અહીં લોકો આવવાનું પસંદ કરતા હોય છે. જો તમારી પાસે ઑપ્શન છે તો પોતાના નાનપણના નોસ્ટૅલ્જિક અનુભવોને મેળવવા માટે પણ લોકો આવી પહોંચતા હોય છે. ઘણા એવા કસ્ટમર આવતા હોય કે હું મારી દાદી સાથે અહીં આવતી. મારાં મમ્મીનાં લગ્નનું શૉપિંગ અહીંથી કર્યું હતું. એટલે લોકોને સાડી ખરીદવી છે અને ખરીદે પણ છે, પરંતુ તેમની ચૉઇસ બદલાઈ છે એટલે તમારે ઘણા ઑપ્શન આપવા પડે. તેઓ દસ જગ્યાએ જોઈને પછી ખરીદશે એટલે એ સ્તરનું ઇન્વેસ્ટમેન્ટ અત્યારે સાડીના દુકાનદારોની જરૂરિયાત છે.’
મારા દાદાજીના સમયમાં ગુલાલવાડીમાં અત્યારે જ્યાં અમારી દુકાન છે ત્યાં સેંકડો દુકાનો હતી. સાડીનું આ મુખ્ય માર્કેટ હતું, પણ સમય સાથે દુકાનો બંધ થતી ગઈ. હવે માંડ બાર-પંદર દુકાનો રહી હશે. એ રીતે ઇમ્પૅક્ટ દેખાય છે, પણ જેઓ સ્માર્ટનેસ સાથે આગળ વધ્યા છે તેમને કોઈ જ વાંધો નથી આવ્યો. - મૌનિલ ખત્રી