કોવિડ કથાઃ ભલા માણસ, માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ ક્યાં ગુમ થયાં, શું કામ ગુમ થયાં?

16 October, 2021 09:43 AM IST  |  Mumbai | Manoj Joshi

આપણે આક્રોશને નહીં, આપણી શારીરિક સજ્જતાને ધ્યાનમાં રાખવાની છે અને એ સજ્જતા ત્યારે જ ટકી રહેશે જ્યારે આપણે નિયમોનું પાલન વાજબી રીતે કરતા રહીએ.

પ્રતીકાત્મક તસવીર

થર્ડ વેવ નથી આવવાની એવી વાત જેવી બહાર આવી છે કે જુઓ તમે, લોકોના માસ્કથી માંડીને સોશ્યલ ડિસ્ટન્સના નિયમો ક્યાંય દૂર ધકેલાઈ ગયા. નવરાત્ર‌િ દરમ્યાન પબ્લ‌િશ થતા ફોટોગ્રાફ્સ જોયા અને ગઈ કાલે વિજયાદશમીના ઉત્સવના ફોટોગ્રાફ્સ પણ રાતે સોશ્યલ મીડિયા પર જોયા. એ ફોટો જોયા પછી પહેલો વિચાર મનમાં એ જ આવ્યો કે આવું કરીને આપણે ક્યાંક થર્ડ વેવને આમંત્રણ તો નથી આપી રહ્યાને?
કબૂલ કે હર્ડ ઇમ્યુનિટી સાથે હવે મોટા ભાગનો દેશ સક્ષમ છે અને એ પણ કબૂલ કે હવે વૅક્સિનેશનની ડ્રાઇવ પણ જબરદસ્ત રીતે પ્રસરી ચૂકી છે. કબૂલ કે સેકન્ડ વેવ અને થર્ડ વેવની વચ્ચેના જે તબક્કામાં આપણે સક્ષમતા હાંસલ કરી છે એ અદ્ભુત છે, પણ કહેવાનો અર્થ એ છે કે એ અદ્ભુત વાતનો ગર્વ કરી શકીએ, એ ગરિમાને પણ અકબંધ રાખીએ. માસ્ક અનિવાર્ય છે, સોશ્યલ ડિસ્ટન્સ માટે વારંવાર કહેવાતું રહ્યું છે છતાં આપણે એ બધી વાતોને ભૂલીને આગળ વધ્યા છીએ અને આ સમયે ભૂલવું એ પણ કોઈ ને કોઈ પ્રકારે મહાકાય ભૂલ જ ગણાય. 
આપણે કોવિડને હાંકી કાઢવાની જે ગણતરી રાખી છે એ ગણતરીઓ મુજબ જ અત્યારે બધું ચાલી રહ્યું છે. માસ્ક નહીં પહેરવા બદલ હવે સરકાર કે પછી કૉર્પોરેશન અને પોલીસ ડિપાર્ટમેન્ટ થોડી છૂટછાટ રાખે છે એ પણ સમજી શકવા જેવી છે, પણ એ આક્રોશનો ભોગ નહીં બનવાના હેતુથી એવું કરે છે. આપણે આક્રોશને નહીં, આપણી શારીરિક સજ્જતાને ધ્યાનમાં રાખવાની છે અને એ સજ્જતા ત્યારે જ ટકી રહેશે જ્યારે આપણે ન‌િયમોનું પાલન વાજબી રીતે કરતા રહીએ.
કોરોના વન-વે ટિકિટ બની શકે એમ છે અને જો તમે ધ્યાનથી જોશો તો તમને એ દેખાશે પણ ખરું. જે રાજ્યોમાં કોવિડના પેશન્ટ મળતા બંધ થઈ ગયા હતા એ રાજ્યો અને ડિસ્ટ્ર‌િક્ટમાં નવેસરથી પેશન્ટ્સ આવવાનું શરૂ થયું છે. કબૂલ, એકલદોકલ પેશન્ટ દેખાય છે, દેખાવા માંડ્યા છે અને એ જે આંકડા આવે છે એ આંકડાઓ કહેવાને સમર્થ છે કે આપણે કોવિડને દેશવટો નથી જ આપ્યો. યાદ રહે, કોવિડ એક એવો રાક્ષસ છે જેના મસ્તક પર નિયમોનો બોજ હશે તો એ કાયમ નીચે ઝૂકેલો રહેશે, પણ જેવો એ નિયમોનો બોજ હટાવ્યો કે તરત એ રાક્ષસ આપણા પર હાવી થવા માટે માથું ઊંચું કરશે. એને માથું ઊંચું નથી કરવા દેવાનું અને એ તો જ શક્ય બનશે જો દોઢ-પોણાબે વર્ષ સુધી જે અવસ્થા જીવ્યા છીએ એમાં મામૂલી અમસ્તી છૂટછાટોથી જ અત્યારે ખુશી માણી લઈએ. માસ્કને તિલાંજલિ આપી દેનારાઓને જાહેરમાં ટોકવા પડે તો ટોકો અને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન નહીં કરનારાઓથી તમે અંતર કરો અને નહીં તો જાહેરમાં જ તેમને એ અંતર રાખવા માટે સમજાવો. થોડા સમયથી જોઉં છું કે રસ્તાઓ તો ઠીક, સોસાયટીઓની લિફ્ટમાં પણ આ નિયમોનું પાલન થતું નથી. બહુ ખોટું કરીએ છીએ. કહી દો, આગેવાની લઈને સ્પષ્ટતા કરી દો કે આ નહીં ચાલે અને ચલાવવામાં નહીં જ આવે. આફ્ટર ઑલ, બધાના સ્વાસ્થ્યનો પ્રશ્ન છે અને જ્યારે સર્વજન સુખાય, સર્વજન હિતાયની વાત હોય ત્યારે બાંધછોડ કોઈ હિસાબે સ્વીકારી શકાય નહીં.

columnists manoj joshi coronavirus covid vaccine covid19