જ્યારે પ્રજ્ઞાચક્ષુ બાળકો માથા પર દીવો મૂકીને એકથી એક ચડિયાતાં યોગાસન કરતાં હોય

17 June, 2022 11:08 AM IST  |  Mumbai | Ruchita Shah

આ ઇનિશ્યેટિવ સફળ કર્યું છે માટુંગામાં રહેતાં ડૉ. નિશા ઠક્કરે. જોઈ ન શકતાં બાળકો પર યોગની પ્રભાવકતા વિષય પર ડૉક્ટરેટ કરનાર નિશાબહેનને પ્રજ્ઞાચક્ષુ બાળકોની એક અનોખી ઓળખ ઊભી કરવા બદલ અને યોગને સર્વવ્યાપી બનાવવા બદલ અનેક અવૉર્ડથી નવાજવામાં આવ્યાં છે

જ્યારે પ્રજ્ઞાચક્ષુ બાળકો માથા પર દીવો મૂકીને એકથી એક ચડિયાતાં યોગાસન કરતાં હોય

સામાન્ય રીતે યોગનાં આસનો બધી જ ઇન્દ્રિય સતેજતાથી કામ કરતી હોવા છતાં અઘરું લાગતું હોય છે એવા સમયે તમે વિચાર કરો કે કોઈ બાળકને દેખાતું નથી અને છતાં તેણે પોતાના કપાળ પર તેલ ભરેલો દીવો મૂક્યો છે અને એ દીવાને પડવા દીધા વિના તે બરાબર સંતુલન સાથે ભલભલાને પસીનો છૂટી જાય એવાં આસન કરતો હોય. એટલું જ નહીં, ગ્રુપમાં થતી આ પ્રવૃત્તિમાં તેની સાથે રહેલાં બીજાં ચાર બાળકો એકબીજાને જોઈ નથી શકતાં એ પછી પણ અફલાતૂન કો-ઑર્ડિનેશન કરી લેતાં હોય. આ રીતે એક-બે નહીં, સેંકડો શો પ્રજ્ઞાચક્ષુ બાળકોના અત્યાર સુધી દેશભરમાં યોજાઈ ચૂક્યા છે. જોકે આ બાળકોને ટ્રેઇન કરવાનું શ્રેય જાય છે નિશા ઠક્કરને. માટુંગામાં રહેતાં આ યોગશિક્ષિકાએ જીવનમાં કંઈક હટકે કરવાનું વિચાર્યું હતું એમાં અનાયાસ આ કાર્ય સાથે તેઓ જોડાઈ ગયાં. ખૂબ નિષ્ઠા, મહેનત અને ધીરજ સાથે તેમણે જોઈ ન શકતાં બાળકોને કેવી રીતે ટ્રેઇન કર્યાં અને એમાં આગળ વધવાની યાત્રા શરૂ કેવી રીતે થઈ એની રસપ્રદ વાતો જાણીએ. 
શરૂ થયું આ રીતે
બીકૉમ પછી સાઇકોલૉજીમાં માસ્ટર્સ અને યોગમાં પીએચડી કરનાર અને યોગ તથા નેચરોપથીમાં ડિપ્લોમા સહિત ઘણા જુદા-જુદા કોર્સ કરનાર નિશાબહેન છેલ્લાં પચીસ વર્ષથી યોગક્ષેત્રમાં સક્રિય છે. પહેલેથી જ તેમને યોગ પ્રત્યે એક વિશેષ આકર્ષણ હતું અને યોગ સાથે જ કંઈક જુદું કરવાની બહુ તમન્ના હતી એમ જણાવીને નિશાબહેન કહે છે, ‘યોગ પ્રત્યે વિશેષ આકર્ષણ હતું એટલે એમાં સતત શીખવાનું ચાલુ રાખ્યું હતું. એવામાં એક ઘટના ઘટી જેણે મારી આખી જિંદગી બદલી નાખી. મારી ફ્રેન્ડ સાથે એક દિવસ બ્લાઇન્ડ સ્કૂલમાં ડોનેશન માટે જવાનો પ્રોગ્રામ બન્યો હતો. એ દિવસે હું જઈ ન શકી, પણ મારા પરિવારના બીજા સભ્યો ગયા. બધાએ ઘરે આવીને જે વાતો કરી એનાથી હું ખૂબ પ્રભાવિત થઈ હતી. એ પછી ફરી એક વાર હું મારી ફ્રેન્ડ સાથે ત્યાં ગઈ અને ત્યાં તેમને માટે હું શું સેવા કરી શકું એ વિચાર ચાલુ થયા હતા. એવામાં એક ઘટના ઘટી કે મારી રાતની યોગની પ્રૅક્ટિસ ચાલી રહી હતી અને અચાનક ઘરમાં લાઇટ જતી રહી, છતાં મેં મારી પ્રૅક્ટિસ સરસ રીતે ચાલુ રાખી. મને રોજ કરતાં એ દિવસે વધારે મજા આવી, પછી સમજાયું કે મનને અસ્થિર કરવામાં સૌથી મોટી ભૂમિકા ભજવતી આંખો જો બંધ હોય તો મારા અભ્યાસમાં વધુ ડેપ્થ આવે છે. એ જ રીતે મનમાં વિચાર ઝબક્યો કે જોઈ ન શકતા લોકોને હું યોગ કેમ ન કરાવી શકું? તેમને પણ આનાથી લાભ થશે.’
જાતની ટ્રેઇનિંગ
એ વિચારને અમલમાં મૂકવા બ્લાઇન્ડ માટેની દાદરની એક સ્કૂલમાં નિશાબહેને જવાનું શરૂ કર્યું. આ પહેલાં દૃષ્ટિહીન લોકોને કંઈ જ કરાવ્યું નહોતું. નિશાબહેન કહે છે, ‘મેં સૌથી પહેલાં તેમના પીટી-ટીચર પાસેથી થોડી જાણકારી મેળવી લીધી. કેવી રીતે એ લોકોને પોશ્ચર કરાવવામાં આવે અને શું ધ્યાન રાખવાનું વગેરે વગેરે. મેં તેમને યોગ કરાવવાનું નક્કી કર્યું, પરંતુ કેટલા સ્ટુડન્ટ્સને કરવા છે યોગ અને કોણ-કોણ જોડાશે એ માટે તેમને કન્વિન્સ મારે જ કરવાના હતા. મેં પૂછ્યું તો શરૂઆતમાં બહુ સારો રિસ્પૉન્સ ન મળ્યો. થોડા લોકો શરૂઆતમાં જોડાયા ખરા, પણ તેઓ બોર થઈ ગયા. તેઓ એમ જ કહેતા કે આવું તો અમે પીટી ક્લાસમાં કરીએ જ છીએ. તમે નવું શું કરાવો છો? એવામાં સ્લો મોશનમાં એક પછી એક આસન કરાવવાનો આઇડિયા સૂઝ્‍યો. એમાં પહેલાં મેં મારી જાતને ટ્રેઇન કરી અને પછી બાળકોને ટ્રેઇન કર્યાં. તેમને મજા પડવા માંડી. જોકે થોડા સમયમાં તેઓ એનાથી થાક્યાં એટલે મારે કંઈક નવું વિચારવાનું હતું.’
દીવાનો પ્રયોગ
સ્ટુડન્ટ્સ યોગના પોઝથી પરિચિત થઈ ગયા હતા. હવે બૅલૅન્સિંગનો નવો અભ્યાસ કરવાનો વિચાર પણ સાવ અનાયાસ આવ્યો એની વાત કરતાં નિશાબહેન કહે છે, ‘કોને ખબર ક્યારે અને કયા પ્રોગ્રામમાં, પણ મેં ક્યારેક આ જોયું હતું જેમાં માથા પર દીવો મૂકીને લોકો ડાન્સ કરતા હોય. જોકે એ તો જોઈ શકતા હોય એવા લોકો માટેનો હતો. હું પ્રજ્ઞાચક્ષુને આવું કરાવું તો રિસ્કી કહેવાય. એથીયે વધારે એ કરાવતાં પહેલાં મને તો એ આવડવું જોઈએને. એટલે એમાં પણ મેં જુદી-જુદી રીતે જાતને ટ્રેઇન કરવાનું શરૂ કર્યું. બાળકો તો બહુ એક્સાઇટેડ હતાં. જોકે એ શીખવતાં-શીખવતાં અનેક વાર કાચના ગ્લાસ તૂટ્યા છે. એમાં વધારે સાવધાની રાખવી પડે. પછી સ્ટીલના ગ્લાસથી પ્રૅક્ટિસ શરૂ કરી. મને સ્કૂલ તરફથી પણ ખૂબ સપોર્ટ મળ્યો. આ કામમાં મને ફી તો જોઈતી નહોતી એટલે તેઓ વધુ માનપૂર્વક આખી વાતને જોતા હતા. એવામાં એક પ્રોગ્રામ એવો હતો જેમાં રામ નાઈક હાજરી આપવાના હતા. મને સ્કૂલે પૂછ્યું કે તમે બાળકોને સ્ટેજ પર્ફોર્મન્સ માટે તૈયાર કરશો? બસ, ત્યારે જે જર્ની શરૂ થઈ એ આજ સુધી ચાલે છે. ખૂબ મહેનત પડી બાળકોને સજ્જ કરવામાં કે તેમને મ્યુઝિકના આધારે એકબીજાને જોયા વિના પણ ગ્રુપ યોગ ડાન્સમાં સિન્ક્રનાઇઝ કરવામાં. પછી તો મને રુઈયા કૉલેજમાંથી વિઝ્‍યુઅલી ઇમ્પેર્ડ બૅન્ડ ચલાવતા વિદ્યાર્થીઓ મળી ગયા. એમ કરતાં-કરતાં એક ગ્રુપ બની ગયું. ગુજરાતના ચીફ મિનિસ્ટરથી લઈને દલાઈ લામા જેવા ઘણા માનવંતા લોકો સામે આખા ભારતમાં અનેક જગ્યાએ આ બાળકો સાથે અમે સ્ટેજ પ્રોગ્રામ આપી આવ્યા છીએ.’
ક્યારેય ગરબડ નથી થઈ?
આટલું જોખમી કામ કરતાં હો તો ગરબડ તો થાય જ, પણ નસીબજોગ મોટા સ્તરે પણ કંઈ ખાસ નથી થયું એમ જણાવીને નિશાબહેન કહે છે, ‘આ પ્રોગ્રામમાં બાળકોને કપડાં પહેરાવીએ એ એકદમ ફિટિંગવાળાં હોય એ જરૂરી છે. જોકે એની જરૂરિયાત અમને પછીથી સમજાઈ. એક પ્રોગ્રામ વખતે અમને નવાં ટાઇટ્સ (ટીશર્ટ નીચે બૉટમમાં પહેરવા માટે) કોઈકે ડોનેટ કર્યાં હતાં. નવાં કપડાં માટે બાળકો એક્સાઇટેડ હતાં. એમાંથી એકને જરા લૂઝ પડતું હતું. પ્રોગ્રામ દરમ્યાન તે કોઈક આસન કરવા માટે પગ ઊંચકવા ગયો ત્યારે તેને પગમાં સહેજ ચટકો લાગ્યો. જોકે એ બાળકે ત્યારે પણ પ્રોગ્રામ ચાલુ રાખ્યો હતો. કાર્યક્રમ પૂરો થયા પછી છેલ્લે જ્યારે અભિવાદનનો સમય આવ્યો ત્યારે તેણે મને મિસ કહીને બોલવી અને આખી વાત કરી. એ વખતે મને તેના પર ગર્વ પણ થયો અને આવું ભવિષ્યમાં ન બને એની ચિંતા પણ થઈ. બહુ મહેનત માગી લેતું આ કામ છે. બાળકોના ટાઇમ-ટેબલ પ્રમાણે મારે મારું સમયપત્રક ચલાવવું પડે. સાત મિનિટના પ્રોગ્રામ માટે ૧૦થી ૧૨ કલાક પ્રૅક્ટિસ કરવી પડે.’
નિશાબહેને હવે બાળકોને બામ્બુ એરોબિક્સ શીખવવાનું શરૂ કર્યું છે. 
બરાબરીનો દરજ્જો
યોગ રત્ન અવૉર્ડ જેવા ઘણા પુરસ્કાર જીતી ચૂકેલાં નિશાબહેન હિન્દુજા કૉલેજના ટેડ એક્સ સ્પીકર પણ રહી ચૂક્યાં છે. બાળકોને યોગ અને જલદીપાસનની ટ્રેઇનિંગ આપવાની સાથે તેમની અન્ય આર્થિક કે સામાજિક સ્તરની જરૂરિયાતો માટે પણ નિશાબહેન હાજરાહજૂર હોય છે. પ્રજ્ઞાચક્ષુ સાથે આટલો સમય રહ્યા પછી તેમના જીવન પર યોગનો શું પ્રભાવ પડે છે એ વિષય સાથે તેમણે પીએચડી કર્યું છે, જેમાં નાયર હૉસ્પિટલની ટીમ પણ તેમની સાથે જોડાઈ હતી. યોગથી જોઈ ન શકનાર લોકોનો આત્મવિશ્વાસ, ફોકસ, સંતુલન વગેરેમાં અદ્ભુત પરિણામ તેમણે જોયું છે. તેઓ કહે છે કે ‘પ્રજ્ઞાચક્ષુઓની 
બીજી ઇન્દ્રિયો જન્મથી જ પાવરફુલ હોય છે એવું આપણે ત્યાં માનવામાં આવે છે. જોકે હકીકત એ છે કે આ બાળકો પોતાની અન્ય ઇન્દ્રિયોની ક્ષમતાને અભ્યાસ દ્વારા બહેતર બનાવે છે. તેઓ ખૂબ મહેનત કરે છે, પણ તેઓ આપણા જેવા જ છે. સમાજનો હિસ્સો માનીને તેમની સાથે પણ બરાબરીનો વ્યવહાર થવો જોઈએ એવું મને દરેક વખતે લાગ્યું છે.’

  મારી રાતની યોગની પ્રૅક્ટિસ ચાલતી હતી અને અચાનક લાઇટ ગઈ, છતાં મેં પ્રૅક્ટિસ ચાલુ રાખી. રોજ કરતાં એ દિવસે વધુ મજા આવતાં સમજાયું કે મનને અસ્થિર કરવામાં મોટી ભૂમિકા ભજવતી આંખો જો બંધ હોય તો અભ્યાસમાં વધુ ડેપ્થ આવે છે.
ડૉ. નિશા ઠક્કર

columnists yoga international yoga day ruchita shah