આ બિઝનેસમૅનનું ચાલકબળ છે ભજન

26 April, 2024 11:20 AM IST  |  Mumbai | Rajul Bhanushali

થાણેમાં રહેતા વસંત ભદ્રા મૂળ તો ટ્રાન્સપોર્ટનો બિઝનેસ કરે છે પરંતુ આજ સુધી સંતવાણી, ભજન અને ગરબાના પાંચસોથી વધારે કાર્યક્રમો કરી ચૂક્યા છે; એ પણ કોઈ ચાર્જ લીધા વિના. ઈવન ગાડીભાડું પણ પોતાના ખિસ્સામાંથી ખર્ચીને તેઓ ભજન કરાવવા જતા હોય છે

વસંત ભદ્રાની તસવીર

પાંચમા ધોરણમાં ભણતો એક બાળક રોજ સ્કૂલમાં પ્રાર્થના ગવડાવે છે. એક દિવસ સ્કૂલમાં આકાશવાણીવાળા આવે છે, એ બાળકને ગાતાં જુએ છે અને પ્રાર્થનાઓ રેકૉર્ડ કરીને લઈ જાય છે. એ દિવસ પછી એ બાળકમાં નવો આત્મવિશ્વાસ આવી જાય છે. આ બાળક એટલે થાણેમાં રહેતા કચ્છી ભાનુશાલી સમાજના અને કચ્છના જખૌ ગામના વસંત ભદ્રા. વસંતભાઈ આજ સુધી સંતવાણી, ભજન અને ગરબાના પાંચસોથી વધારે કાર્યક્રમો કરી ચૂક્યા છે. 

બાળપણનો શોખ
પોતાના ભજનપ્રેમની જર્ની કેવી રીતે શરૂ થઈ એની વાત માંડતાં વસંતભાઈ કહે છે, ‘અમારા ઘરમાં સંગીત પહેલેથી છે. નાનપણમાં હું ડબલા-ડુબલી, બારી, દરવાજા, ટેબલ વગેરે વગાડતો. બેઠો હોઉં તો મારાં આંગળાં ક્યાંક ને ક્યાંક કશીક થાપ દેતાં જ હોય. ધીમે-ધીમે મારો રસ વધવા લાગ્યો. ઘાટકોપરમાં આવેલી પારસીવાડીમાં રેગ્યુલર ભજન થતાં. હું એ સાંભળવા જવા લાગ્યો. ત્યાં જે કલાકાર આવતા તેમને મારા રસ વિશે ખ્યાલ હતો. એ વખતે પારસીવાડીમાં તુલસીગીરી ગોસ્વામી ભજન કરવા આવતા. તેમણે મને ખૂબ પ્રોત્સાહન આપ્યું. ત્યાં હું સાંભળતો ગયો અને શીખતો ગયો. ધનજીભાઈ પટેલ અને મંગલભાઈ જેવા ભજનિકો પણ પોતાના કાર્યક્રમમાં મને ચાન્સ આપતા થયા. ધીમે-ધીમે જૂની પેઢી રિટાયર થતી ગઈ અને પછીનો કાળ અમારા જેવા જુવાનિયાઓનો આવ્યો, જે હજી ચાલે છે.’

કયા પ્રોગ્રામ ફિક્સ હોય?
વસંતભાઈ અઠવાડિયામાં એકાદ વખત તો ભજન કરે જ. પોતાની વાત આગળ વધારતાં વસંતભાઈ કહે છે, ‘હું ઓધવરામજીના ગામ જખૌનો છું. જખૌમાં દર વર્ષે રામનવમીના દિવસે ભજન થાય. હું ત્યાં પણ જતો. સંતવાણીમાં જતો. ત્યાં આવતા કલાકારો કહેતા કે ‘વસંત સારો ગાયતો’ અને મને માઇક આપતા. રામનવમીના દિવસે જખૌમાં આજે પણ કાર્યક્રમ થાય છે. કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર અને કચ્છથી કલાકારો આવે છે. વીસ-પચીસ ગાયકો હોય અને પંદર-વીસ સાજિંદાઓ હોય. બધા પોતાનો વારો આવે એની વાટ જુએ. અનેક રાઉન્ડ થાય. દરેક કલાકાર, દરેક ઉસ્તાદ ગાવા માટે તત્પર હોય, એકબીજાને આવકારવા માટે પણ તત્પર હોય. આ કાર્યક્રમ ચોવીસ કલાકનો નૉનસ્ટૉપ હોય. આવા કાર્યક્રમમાં મને હરિભાઈ ગઢવી અને યોગેશપુરી ગોસ્વામીનો ઘણો સાથ મળ્યો છે. કોઈ હોય કે ન હોય, પણ મને ખાતરી હોય કે એ બન્ને તો હશે, હશે અને હશે જ.’

વસંતભાઈના ભજન કરવાના અમુક દિવસો નક્કી છે. આ વિશે જણાવતાં તેઓ કહે છે, ‘કાંદિવલીમાં કાનદાસ બાપુજીની મઢી છે. દર બીજને દિવસે ત્યાં ભજન કરવાનાં. ઘાટકોપર ઈસ્ટના રામમંદિરમાં હનુમાન જયંતી ભરવાની. એ જ રીતે ઝાંઝરિયા હનુમાન દહિસર, ન્હાવા શેવાના શંકરના મંદિરે ભજન હોય અને હું ત્યાં પહોંચી જાઉં; પરંતુ પારસીવાડી ગઢ છે. દર શનિવારે પારસીવાડીમાં ભજનનો કાર્યક્રમ હોય, ભજન કરવાનાં જ. અત્યાર સુધી જવલ્લે જ એવો કોઈ શનિવાર ગયો હશે કે પારસીવાડીમાં ભજન ન હોય. આ જગ્યા મારી શાળા છે. હું અહીંથી શીખ્યો છું. હજી શીખું જ છું. જો કોઈક કારણસર પારસીવાડીમાં ભજન બંધ હોય તો બીજે જવાનું. ચાર કલાક ડ્રાઇવ કરીને હું પુણે કે નાશિક જેવી જગ્યાએ પણ ગયો છું.’ 

ગમતાનો કરીએ ગુલાલ
વસંતભાઈએ ક્યારેય આજ સુધી ભજન કરવાનો એક પણ રૂપિયો ચાર્જ કર્યો નથી. તેઓ કહે છે, ‘માતાજી અને મહારાજશ્રીના આશીર્વાદ છે. મારો ટ્રાન્સપોર્ટનો બિઝનેસ છે અને એ ખૂબ સરસ રીતે ચાલી રહ્યો છે. ભજન હું નિજાનંદ માટે કરું છું. ટિકિટભાડું પણ ખિસ્સામાંથી ખર્ચું છું. એવું પણ થાય કે ક્યાંક ગયો હોઉં ને ગોર કરતો આવું. આ ગોરના પૈસા ગાયો માટે કે પછી અન્ય સારા કામ માટે વપરાતા હોય. ભજને મને ઘણું આપ્યું છે. ભજનની તાકાત ઘણી છે. આપણી સાથે એક પૉઝિટિવિટી કાયમ રહે. એક કિસ્સો કહું. એક વાર હું સાયન હૉસ્પિટલમાં એક પેશન્ટને લઈને ગયો હતો. ત્યાં જાઓ એટલે લગભગ આખો દિવસ જતો રહે. ત્યાં મને એક ભાઈ મળી ગયા. મેં તેમના સમાજના કાર્યક્રમમાં ભજન કરેલાં. તેમણે મને જોયો અને કહ્યું કે તમારે લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી, મારી બહેન અહીં કામ કરે છે, તમારું કામ ઝડપથી થઈ જશે અને ખરેખર કલાકમાં મારું કામ થઈ ગયું. ઘણી વખત આપણે કોઈકની ઈર્ષાનો પણ સામનો કરવો પડે. પહેલાં મને હાર્મોનિયમ વગાડતાં નહોતું આવડતું. એક વખત કાર્યક્રમમાં હું ગાતો હતો ત્યારે ખબર નહીં પણ કોઈ કારણથી હાર્મોનિયમ પર જે કલાકાર હતા તેમણે યોગ્ય સાથ ન આપ્યો. હરિદાસ મહારાજશ્રીએ આ વાત નોંધી અને તેમણે મને પાનો ચડાવ્યો કે હવે પહેલાં હાર્મોનિયમ શીખ, પછી ભજન કરજે જેથી કોઈના પર આધારિત ન રહેવું પડે. એ વાતની પૉઝિટિવ અસર એ થઈ કે આજે હું મારા પૂરતું હાર્મોનિયમ વગાડી લઉં છું. ભજન હોય, સંતવાણી હોય કે પછી ગરબા રમાડવાના હોય; હું, મારો અવાજ અને હાર્મોનિયમ નિજાનંદ કરીએ. ભજન મારા જીવનનું ચાલક બળ છે.’

columnists life and style thane