મુંબઈમાં રસ્તાનાં નામમાં ઝાડ, ડુંગર, બેકરી

25 March, 2023 06:45 PM IST  |  Mumbai | Deepak Mehta

થોડાં વરસ પહેલાં લેબર્નમ રોડનું તો નામ બદલવાની માગણી પણ થયેલી. જે રસ્તા પર ગાંધીજીનું સ્મારક મણિભવન આવેલું છે એ રસ્તાનું નામ કોઈ બ્રિટિશ અમલદારના નામ પરથી?

જેના પરથી બે રસ્તાનાં નામ પડ્યાં છે એ બે ઝાડ ઍલેક્ઝાન્ડ્રા અને લેબર્નમ.

આપણા જ્ઞાની કવિ અખાની એક પંક્તિ છે: 
કહ્યું કશું ને સાંભળ્યું કશું,
આંખનું કાજળ ગાલે ઘસ્યું
મુંબઈના રસ્તાઓની બાબતમાં પણ કેટલીક વાર આવું બન્યું છે. ગામદેવી વિસ્તારમાં બે રસ્તા આવેલા છે : ઍલેક્ઝાન્ડ્રા રોડ અને લેબર્નમ રોડ. પહેલી નજરે લાગે કે આ તો છે કોઈ અંગ્રેજોનાં નામ, હટાવો. જોકે હકીકતમાં આ બે નામને કોઈ અંગ્રેજ સાથે લાગતુંવળગતું નથી. એ બંને તો છે ઝાડનાં નામ. ઍલેક્ઝાન્ડ્રા એ તાડ કે નાળિયેરી જેવું ઝાડ છે તો લેબર્નમ એ ગરમાળા જેવું ઝાડ છે, ભરચક પીળાં ફૂલોવાળું. એક જમાનામાં આ બંને રસ્તા પર એ-એ જાતનાં વૃક્ષો હતાં એટલે પડ્યાં આ બે નામ. થોડાં વરસ પહેલાં લેબર્નમ રોડનું તો નામ બદલવાની માગણી પણ થયેલી. જે રસ્તા પર ગાંધીજીનું સ્મારક મણિભવન આવેલું છે એ રસ્તાનું નામ કોઈ બ્રિટિશ અમલદારના નામ પરથી? પછી વળી કોક જાણકારે કહ્યું કે ભાઈ, લેબર્નમ એ તો એક ઝાડનું નામ છે, કોઈ અંગ્રેજનું નહીં. 
 તો કેટલીક વાર સાવ સીધા-સાદા નામ અંગે પણ લાંબી-લાંબી ચર્ચા થાય છે. કોટ વિસ્તારમાં કાવસજી પટેલ સ્ટ્રીટથી પીઠા સ્ટ્રીટ સુધીના રસ્તાનું નામ હતું બાર્બર લેન. ઘણા લોકો એને હજામ મહોલ્લો પણ કહેતા. બહુ દેખીતી વાત કે જેમ સુતાર ચાલ, જેમ લુહાર ચાલ, જેમ ભોઈવાડો તેમ બાર્બર સ્ટ્રીટ કે હજામ મહોલ્લો. એ રસ્તા પર હજામોની ઝાઝી વસતિ એટલે આ નામ. બૉમ્બે ગૅઝેટ નામના એ વખતના અંગ્રેજી અખબારના ઑક્ટોબર સાત, ૧૯૦૭ના અંકમાં આર. પી. કરકરિયાએ આ પ્રમાણે લખ્યું અને તરત બૂમાબૂમ થઈ કે આ રસ્તાનું નામ બદલો. જોકે એ વખતે તો કંઈ થયું નહીં. ખુદ મ્યુનિસિપલ કમિશનર પી. આર. કેડલ તરફથી નામ બદલવાની દરખાસ્ત રજૂ થઈ. એક આડ વાત : કેડલ રોડ નામ આ કેડલસાહેબના નામ પરથી જ પડેલું. એ રોડનું આજનું નામ છે સ્વાતંત્ર્યવીર સાવરકર માર્ગ. એ જ રસ્તા પર તેમનું રાષ્ટ્રીય સ્મારક પણ આવેલું છે. કેડલે જણાવ્યું કે કોટ વિસ્તારમાં રહેતા ઘણા નાગરિકોએ માગણી કરી છે કે બાર્બર લેનનું નામ વહેલી તકે બદલવામાં આવે. જોકે બનવાજોગ છે કે આ નામ હજામ લોકો પરથી નહીં પણ એક જમાનામાં ત્યાં રહેતા મિસ્ટર બાર્બર નામના એક પોલીસ અધિકારીના નામ પરથી પાડવામાં આવ્યું હોય. છેલ્લાં કેટલાંક વરસોમાં મ્યુનિસિપાલિટીએ આ રસ્તાને ઘણો પહોળો કર્યો છે અને એટલે હવે એ ‘લેન’ રહી નથી. સાધારણ રીતે હું રસ્તાનાં નામ બદલવાની તરફેણ કરતો નથી, પણ આ કિસ્સામાં એ રસ્તા પર કેટલાક પ્રતિષ્ઠિત નાગરિકોનાં રહેઠાણ આવેલાં છે અને એ લોકોને આ નામ હીણપતભર્યું લાગે છે એટલે આ નામ બદલવાલાયક છે એમ હું માનું છું. એટલે હું આપ સૌ માનવંતા સભ્યો સમક્ષ દરખાસ્ત રજૂ કરું છું કે બાર્બર લેનનું નામ બદલીને બખ્તાવર સ્ટ્રીટ રાખવામાં આવે. ફારસી અને ગુજરાતી ભાષામાં ‘બખ્તાવર’નો અર્થ થાય છે ‘નસીબદાર.’ 
આ દરખાસ્ત જ્યારે રજૂ થઈ ત્યારે વી. એ. દાભોલકર નામના સભ્યે ‘સુખિયા સ્ટ્રીટ’ નામ સૂચવ્યું. ‘બખ્તાવર’ અને ‘સુખિયા’નો અર્થ તો ઘણે અંશે સરખો, પણ વધુમાં એ રસ્તા પર ડૉ. સુખિયા નામના એક કૉર્પોરેટર રહેતા હતા. તો સર જમશેદજી જીજીભોયે Barbour Street નામ સૂચવ્યું, કારણ એ નામની જાણીતી કંપનીની દુકાન એ સ્ટ્રીટ પર આવી હતી. ​ઇંગ્લૅન્ડમાં ૧૮૯૪માં એની સ્થાપના થઈ હતી. એની શાખા આ લેન પર હતી. અલબત્ત, એમાં વેચાતાં કપડાં કાં મોટા અંગ્રેજ અમલદારોને કે સર જમશેદજી જીજીભોય જેવા માલેતુજારોને જ પરવડે એવાં હતાં. બીજાં નામો પણ સૂચવાયાં, પણ છેવટે હતા ત્યાંના ત્યાં. 
પછી આર. ડી. કૂપર નામના પ્રતિષ્ઠિત નાગરિકે ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં લખેલા પત્રમાં જણાવ્યું કે હકીકતમાં આ વિસ્તાર ‘હજામ મહોલ્લા’ તરીકે જ ઓળખાતો હતો. અંગ્રેજોએ હજામનો અનુવાદ કરીને નામ રાખ્યું બાર્બર લેન. તો બીજા એક વાચક એચ. સિબાલ્ડે લખ્યું કે હકીકતમાં અહીં જે મિસ્ટર બાર્બર રહેતા હતા તે પોલીસ ખાતામાં નહોતા, પણ એ વિસ્તારના એક જાણીતા ડૉક્ટર હતા. મુંબઈના બારામાં નાંગરતાં વહાણોના ખલાસીઓની સારવાર માટે તેઓ જાણીતા હતા. ૨૦૦થી ૩૦૦ જેટલાં નાનાં વહાણો તો હંમેશાં મુંબઈના બારામાં નાંગરેલાં રહેતાં. એના ખલાસીઓની સારવાર કરીને એ ડૉક્ટર મહિને ઓછામાં ઓછા સો રૂપિયા તો કમાતા (એ જમાનામાં આ મોટી રકમ કહેવાય). એના જવાબમાં મિસ્ટર કરકરિયાએ લખ્યું કે આ ડૉક્ટર બાર્બર તો છેક ૧૮૬૬માં અહીં રહેવા આવેલા, જ્યારે ‘બાર્બર લેન’ નામ તો એનાથી કંઈ નહીં તો સોએક વરસ જૂનું છે. મને આ નામ ધ બૉમ્બે ગૅઝેટ નામના અખબારના ૧૮૩૯ના અંકોમાં જોવા મળ્યું છે. આ બધી ચર્ચાનું પરિણામ એ આવ્યું કે એ નામ બદલાયું નહીં અને બાર્બર સ્ટ્રીટ નામ એ વખતે તો કાયમ રહ્યું. 
તો ક્યારેક અંગ્રેજ અમલદારો ‘દેશી’ નામ સમજી ન શકે તેથી પણ છબરડા થતા. ગિરગામ રોડથી ગિરગામ બૅકરોડ તરફ જતા એક રસ્તાનું લોકોમાં પ્રચલિત નામ હતું બન (વન) મહાલ લેન. એ જમાનામાં અહીં વસ્તી નહીં જેવી. આ લત્તામાં ઝાડીઝાંખરાં પુષ્કળ. નજીકના ખેતવાડી વિસ્તારમાં ખેતરો. એ વખતે આ લેનમાં માત્ર એક જ બંગલો હતો, જેનું નામ હતું વન મહાલ. એટલે લોકો એ ગલીને વન (કે બન) મહાલ લેન તરીકે ઓળખતા. જોકે અંગ્રેજો આ નામનો અર્થ સમજી શક્યા નહીં એટલે તેમણે નામ આપ્યું બેનહામ હોલ લેન. 
તો આ નામ અંગે બીજી એક વાત પણ પ્રચલિત છે. ૧૮૯૦થી ૧૮૯૫ સુધી મિસ્ટર એકવર્થ મુંબઈના મ્યુનિસિપલ કમિશનર હતા. તેમનું વતન ઇંગ્લૅન્ડનું મેલવર્ન નામનું ગામ અને ત્યાં તેઓ રહેતા હતા બેનહામ નામના બંગલામાં. એ જ વખતે તેમને બન મહાલ લેન પરના રહેવાસીઓના કેટલાક પત્રો મળ્યા. તેમને આ નામ જરા વિચિત્ર લાગ્યું. એટલે તેમણે બૉમ્બે મ્યુનિસિપાલિટીને લખ્યું કે આ રસ્તાનું નામ બદલીને બેનહામ હોલ લેન કરી નાખો. જોકે આ વાત માનવાનું મુશ્કેલ પડે એમ છે; કારણ એક તો એ વખતે ભલે લોકશાહી નહોતી, પણ ઠોકશાહી પણ નહોતી. કોઈ પણ રસ્તાનું નામ બદલતાં પહેલાં કૉર્પોરેશનમાં ચર્ચા થતી, જુદાં-જુદાં નામો સૂચવાતાં અને એ પછી પણ ઘણી વાર – જેમ બાર્બર લેનની બાબતમાં બન્યું એમ – નામ બદલાતું નહીં. 
તો ક્યારેક આજે આપણને સાવ મામૂલી લાગે એવી ઇમારત પરથી પણ રસ્તાનું નામ પડતું. આજના મુંબઈના નકશામાં પણ ગ્રાન્ટ રોડથી પરેલ (પરળ) રોડ સુધીના રસ્તાનું નામ છે બાપ્ટીઝ રોડ. ૧૯મી સદીમાં પણ એ જ નામ હતું. આ વિસ્તારમાં પારસીઓની વસ્તી ઝાઝી એટલે કોઈને પણ થાય કે બાપ્ટી નામની કોઈ પારસી બાનુના નામ પરથી આ નામ પડ્યું હશે. હકીકતમાં આ રસ્તા પર છે બાપ્ટી નામની બેકરી. એટલે એના નામ પરથી એ રસ્તાનું નામ પડ્યું. આ નામવાળો રસ્તો જ નહીં, આ બેકરી આજે પણ હયાત છે – બાપ્ટીઝ નામે અને એ જાણીતી છે એની જાત-જાતની કેક માટે. 
વડાલાથી થોડે દૂર એક નાનકડી ટેકરી આવેલી છે - ઍન્ટૉપ હિલ. એનું નામ પણ કોઈ અંગ્રેજના નામ પરથી નથી પડ્યું. એક જમાનામાં આ વિસ્તારની ઘણી જમીન અન્તોબા નામના જમીનદારની માલિકીની હતી. તો વળી કેટલાક કહે છે કે આ નામ જમીનદારના નામ પરથી પડ્યું છે એ સાચું. જોકે તે નહોતો હિન્દુ કે નહોતું તેનું નામ અન્તોબા. તે તો હતો પોર્ટુગાલી અને તેનું નામ હતું એન્ટન. જોકે હકીકતમાં તે હતો હિન્દુ, નામ હતું અન્તોબા અને આ વિસ્તાર ઉપરાંત ગિરગામ અને વરલી વિસ્તારમાં પણ તેની પાસે ઘણી જમીન હતી. 
તો ક્યારેક એવું પણ બન્યું છે કે મૂળના ‘દેશી’ નામને આપણે કોઈ અંગ્રેજનું નામ માની લીધું હોય અને એટલે આઝાદી પછીનાં વરસોમાં આપણે એ નામ બદલી નાખ્યું હોય. હોર્નબી રોડથી બજારગેટ સ્ટ્રીટ જતા એક રસ્તાનું નામ ગનબો સ્ટ્રીટ. એટલે કેટલાકે આ નામને બ્રિટિશ લશ્કરની તોપ (ગન) સાથે સાંકળવાનો પ્રયત્ન કર્યો તો કેટલાકે માની લીધું આ ગનબો તો કોઈ અંગ્રેજનું નામ હશે એટલે બદલો નામ. નવું નામ પાડ્યું રુસ્તમ સિધવા માર્ગ. હા, ગનબો સ્ટ્રીટ નામ આપેલું અંગ્રેજોએ, પણ એ નામ આપેલું એ સ્ટ્રીટ પર રહેતા એક જાણીતા હિન્દુ ગણબા શેઠનું નામ કાયમ રાખવા. આ ગણબા શેઠ તે પ્રખ્યાત જગન્નાથ શંકરશેઠના પૂર્વજ. મૂળ વતન કોંકણ. ત્યાંથી કુટુંબ આવ્યું થાણે અને પછી મુંબઈ. કોટ વિસ્તારમાં ગણબા શેઠ પોતાના મકાનમાં રહેતા એટલે એ ગલીનું નામ અંગ્રેજ સત્તાવાળાઓએ રાખ્યું ગણબા સ્ટ્રીટ. પછી ધીમે-ધીમે અંગ્રેજો એનો ઉચ્ચાર ‘ગનબો’ જેવો કરવા લાગ્યા. એટલે આપણે આઝાદી પછી માની લીધું કે આ નામ તો અંગ્રેજ લશ્કરની તોપો અહીં રહેતી એટલે પડ્યું છે. એટલે એને બદલીને કર્યું રુસ્તમ સિધવા માર્ગ. આ રુસ્તમજીનો જન્મ ૧૮૮૨માં હાલના પાકિસ્તાનના કરાચી શહેરમાં. પાકા કૉન્ગ્રેસી. કરાચી પોસ્ટ-ઑફિસના એક ક્લર્ક તરીકે કારકિર્દી શરૂ કરી. પહેલેથી રાજકારણમાં રસ. આઝાદી પછી બંધારણસભાના સભ્ય તરીકે કૉન્ગ્રેસની ટિકિટ પર ચૂંટાઈ આવ્યા. બંધારણના ખરડા પરની ચર્ચામાં મહત્ત્વનો ભાગ લીધો. ૧૯૫૭ના ડિસેમ્બરની ૨૮ તારીખે અવસાન. 
આપણામાં કહેવત છે કે જૂનું એટલું સોનું, પણ રસ્તાનાં નામની બાબતમાં આ વાત આપણે સ્વીકારી નથી. રસ્તાનાં નામ બદલવાં એ રાજકારણીઓની મનગમતી રમત છે. આવી બીજી કેટલીક રમતની વાત હવે પછી. 

deepak mehta columnists Mumbai mumbai news whats on mumbai things to do in mumbai once upon a time in mumbai