ક્યોં કિ યોગ હૈ સબકે લિએ

20 June, 2022 11:19 AM IST  |  Mumbai | Ruchita Shah

યોગને શારીરિક તેમ જ માનસિક રીતે સ્વસ્થ થવાનું માધ્યમ માનનારા લોકો વધ્યા છે એમ યોગને પોતાનો પ્રોફેશન બનાવી એના પર ગુજરાન ચલાવનારા લોકો પણ વધ્યા છે.

ભરત પારેખ

યોગને શારીરિક તેમ જ માનસિક રીતે સ્વસ્થ થવાનું માધ્યમ માનનારા લોકો વધ્યા છે એમ યોગને પોતાનો પ્રોફેશન બનાવી એના પર ગુજરાન ચલાવનારા લોકો પણ વધ્યા છે. આજે કેટલાક એવા પુરુષોને મળીએ જેમણે પોતાનો ધંધો અને નોકરી છોડીને અથવા તો પોતાના પ્રોફેશન ઉપરાંત યોગ માટે પણ સમય કાઢ્યો છે

એક સામાન્ય ઑબ્ઝર્વેશન કહે છે કે યોગના ક્ષેત્રમાં ટીચર તરીકે મહિલાઓ વધુ સક્રિય છે. જોકે સાવ એવું પણ નથી. હવે ઘણા પુરુષો પણ ફુલટાઇમ યોગશિક્ષક તરીકે સક્રિય થઈ રહ્યા છે. ઘણા એવા પણ લોકો છે જેમણે પોતાનો પ્રોફેશન છોડીને પૂર્ણ રીતે યોગ સાથે નાતો જોડી દીધો છે અને યોગશિક્ષક તરીકે પોતાની જુદી પ્રોફેશનલ જર્ની શરૂ કરી છે. ક્યાંક તેમને પરિવારમાં નાનપણથી જ મળેલી યોગની ટ્રેઇનિંગ છે તો ક્યાંક યોગને કારણે પોતાને લાભ થયો હોય અને એક અનોખું પૅશન જાગ્યું હોય એ પણ કારણ છે. જે પણ કહો, પણ એ વાત કોઈ નકારી નહીં શકે કે યોગ આજના સમયમાં એક બહુ જ મહત્ત્વપૂર્ણ ઇન્ડસ્ટ્રી તરીકે વિકસી રહ્યા છે. એ સમયે યોગને પ્રોફેશન, પૅશન અને રોજીરોટી બનાવનારા કેટલાક વિશિષ્ટ યોગશિક્ષકો સાથે વાત કરીએ. 
બિઝનેસ બંધ, યોગ શરૂ
ફાર્મસી અને ઑટોમોબાઇલનો બિઝનેસ બંધ કરીને છેલ્લાં બાવીસ વર્ષથી યોગશિક્ષક તરીકે સક્રિય સિનિયર યોગશિક્ષક ભરત પારેખ યોગનો ઉપકાર ક્યારેય ભૂલી નથી શકવાના. એક જમાનામાં ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીમાં નોકરી કરતા ભરતભાઈ ઘરનું ગુજરાન બરાબર ચાલે એ માટે સાઇડમાં ઑટોમોબાઇલનો બિઝનેસ પણ કરતા. ઘરમાં એકલા અર્નિંગ મેમ્બર હોવાને કારણે નાની-નાની વાતમાં સ્ટ્રેસ લઈ લેતા. ફિઝિકલ તકલીફો પણ અવારનવાર આવ્યા કરતી. એવામાં આખા જીવનની કમાણી જેમાં લગાવી હતી એ ઘર ડિમોલિશ થઈ ગયું. ઘરવખરી વિના ભાડે રહેવા જવું પડ્યું. તેઓ કહે છે, ‘જીવનનો એ સમય જોરદાર ડિપ્રેશનનો હતો. સમજાતું નહોતું કે શું કરવું. કમાયા વિના હવે તો જરાય છૂટકો નહોતો. જોકે માનસિક હાલત એવી થઈ ગઈ હતી કે એકેય વાતમાં મન નહોતું પરોવાતું. એવામાં જ મને મારી માનસિક હાલતને નહીં સંભાળું તો પાગલ થઈ જઈશ એવું લાગતાં યોગ શરૂ કર્યા. સાધક તરીકે શરૂ કરેલી યાત્રા મને ફળી ગઈ. મન મજબૂત થઈ ગયું. લડી લેવાશેનો ભાવ આવી ગયો. એ દરમ્યાન જ ઘંટાળી મિત્રમંડળમાં શીખતાં-શીખતાં શિક્ષક બનવાની ટ્રેઇનિંગ શરૂ થઈ રહી હતી. બસ, તો હું પણ એમાં જોડાઈ ગયો. યોગનો પાવર તો ખબર પડી જ ગઈ હતી એટલે ધીમે-ધીમે યોગમાં જ પૂર્ણપણે સક્રિય થઈ ગયો. છેલ્લાં બાવીસ વર્ષથી સંપૂર્ણ યોગમય જીવન જીવી રહ્યો છું. ઘર સરસ રીતે ચાલે એટલી આવક પણ યોગમાંથી થઈ જાય છે અને સેવા પણ આપું છું રોજના બે કલાક. આજે યોગશિક્ષકોમાંથી સેવા આપવાનો વિચાર નીકળી ગયો છે. તમે યોગમાંથી ગુજરાન ચલાવો એમાં વાંધો નથી પણ સાથે જ સમાજ માટે પણ તમારું દાયિત્વ છે જે તમે થોડોક સમય સેવા કરીને અદા કરી શકો છો.’

યોગ જ મારું જીવન
ગોરેગામમાં રહેતા દેવાંગ શાહે પોતાના જીવનમાં નાની ઉંમરમાં જ ખૂબ સંઘર્ષ જોયો છે. એક સમય એવો હતો જ્યારે દેવાંગભાઈ પૂરી રીતે શ્વાસ પણ નહોતા લઈ શકતા. ગુજરાતથી મુંબઈ આવ્યા પછી આર્થિક રીતે સધ્ધર થવા માટે ખૂબ સંઘર્ષ વેઠ્યો છે. બારમા સુધી સાયન્સમાં ભણનારા દેવાંગભાઈએ આર્થિક કારણોને લીધે ભણવાનું છોડીને પાટણથી મુંબઈ કમાવા માટે આવવું પડ્યું. પહેલાં હીરાના કારખાનામાં અને પછી પંચરત્નમાં એસૉર્ટર તરીકે કામ ચાલતું હતું. શરદી-તાવનો કોઠો તેમને પહેલાંથી જ હતો એમાં મુંબઈના ભેજવાળા વાતાવરણે સમસ્યા વધારી. દેવાંગભાઈ કહે છે, ‘મને એક સમયે શ્વાસ ન લેવાય એવી તકલીફ થઈ ગઈ હતી. એ સમયે મારી ઉંમર ૨૮ વર્ષ. નવાં લગ્ન થયેલાં ત્યારે હું શ્વાસ માટે તરફડતો. મારી ટીબીની ટેસ્ટ નેગેટિવ આવ્યા પછી પણ ડૉક્ટરે મને શ્વાસની તકલીફ પડે ત્યારે પમ્પ લેવાની સલાહ આપેલી. એ સમયે મારું મન ચકરાઈ ગયું કે આવું નહીં ચાલે. જીવવું હોય તો સારી રીતે જ. એટલે એમાં મને શ્વાસની સમસ્યામાં પ્રાણાયામ મદદ કરશે એવી ખબર પડતાં મુંબઈની ઇન્સ્ટિટ્યૂટમાં જઈને યોગ કરવાના શરૂ કર્યા અને લગભગ બે મહિનામાં જ બહુ શ્રેષ્ઠ પરિણામ મળ્યું.’
પોતે સાજા થયા પછી દેવાંગભાઈને હવે ટીચર તરીકે બીજાને પણ લાભ થાય એવું કંઈક કરીએ તો એ વિચાર આવતાં તેમણે ટીચર્સ ટ્રેઇનિંગનો અભ્યાસ શરૂ કર્યો. ધીમે-ધીમે સ્ટુડન્ટ્સ મળવા માંડ્યા અને તેમણે ધીમે-ધીમે હીરાનું કામ છોડી દીધું. તેઓ કહે છે, ‘જ્યારે ફાયદો થાય ત્યારે લોકો તમારું નામ બીજાને રેકમન્ડ કરતા હોય છે. યોગ મારા માટે સાધના છે. જીવન છે. હું જ્યારે કલાસ લઉં ત્યારે પૂરેપૂરો યોગને સમર્પિત હોઉં એટલે સ્વાભાવિક રીતે જ લોકોને લાભ થતો. બે-ત્રણ ક્લાયન્ટનો યોગથી કલ્પ્યો નહોતો એ સ્તર પર વેઇટલૉસ થયો એટલે તેમણે બીજા લોકોને મોકલ્યા. બસ, માઉથ પબ્લિસિટીથી જ મારી ગાડી પાટે ચડી ગઈ. આજે સવારે છ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી અને સાંજે સાડાચારથી સાત વાગ્યા સુધી સતત મારા ક્લાસ ચાલુ હોય છે. હીરામાં કમાતો હતો એના કરતાં મારી આવક પાંચગણી છે. મારી તબિયત એકદમ પર્ફેક્ટ થઈ ગઈ છે. મુંબઈની ભેજવાળી હવા પણ મારા શરીરે અડૉપ્ટ કરી લીધી એ પણ યોગની જ કૃપા છે. ટૂંકમાં યોગે મને તંદુરસ્તી આપી, આર્થિક સધ્ધરતા આપી, લોકો પાસેથી માનસન્માન આપ્યાં અને દુઆઓ તો કહી ન શકાય એટલી મને યોગ થકી મળી છે. આટલું પામ્યા પછી યોગ માટેનો અહોભાવ ન આવે તો શું આવે? હું તો એટલું જ કહીશ કે યોગ કલ્પવૃક્ષ છે. જો તમે નિષ્ઠા સાથે એનાથી જોડાઈ જાઓ તો ક્યારેય એટલે ક્યારેય કોઈ બાબતમાં પાછા ન પડો.’

ડેન્ટિસ્ટ અને યોગ-ટીચર
દરેક પ્રોફેશનના પોતાના પડકારો હોય છે અને એ પડકારોને ટૅકલ કરવાની હિંમત તમારામાં ન હોય તો તમે જલદી હાર માનીને ન લેવાના નિર્ણયો લઈ લો. જોકે એ પડકારોને પડકારવાની ક્ષમતા કેળવવી હોય તો યોગ ઉપયોગી બની શકે એવો પ્રત્યક્ષ અનુભવ ડૉ. ચિરાગ દીપક બઘડિયાનો છે. ચિરાગ ડેન્ટિસ્ટ છે અને સાથે જ પાર્ટટાઇમમાં યોગશિક્ષક તરીકે પણ સક્રિય છે. તાજેતરમાં જ ચિરાગે એક ‘યોગ ઍક્ટ’ નામનું નવું વેન્ચર શરૂ કર્યું છે જેમાં વિવિધ સ્ટ્રેસ રીઍક્શનને પદ્ધતિસર મીનિંગફુલ રિસ્પૉન્સમાં કેમ કન્વર્ટ કરવા એ વિશે તેમની ઍકૅડેમી લોકોને ટ્રેઇન કરશે. જોકે યોગમાં આટલોબધો રસ તેને પડ્યો કેવી રીતે એના જવાબમાં ચિરાગ કહે છે, ‘મારા પેરન્ટ્સ છેલ્લા ત્રણ દાયકાથી યોગ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. નાનપણમાં તેઓ એન્કરેજ કરતા પણ સાચું કહું તો ઍઝ અ યંગસ્ટર હું બહુ જ કૅઝ્યુઅલી લેતો એને. આમ પણ યંગસ્ટર્સને યોગ કરતાં જિમ વધુ અપીલિંગ લાગતું હોય છે. અફકોર્સ, હવે સિનારિયો બદલાઈ રહ્યો છે. જોકે એ સમયે બહુ નાના સ્તર પર હું યોગ સાથે જોડાયેલો હતો. જોકે જ્યારે ડેન્ટિસ્ટ્રી ભણવાનું શરૂ કર્યું એ સમયે થોડોક સમય યોગ કરવાથી હું ખૂબ રિફ્રેશ થઈ જતો. ત્યારે આ વિદ્યા પર મારો વિશ્વાસ બેસવાનું શરૂ થયું. અભ્યાસ પૂરો થયા પછી મેં યોગ ડિપ્લોમા અને માસ્ટર્સ પણ શરૂ કર્યા. પછી ખરો સંઘર્ષ શરૂ થયો જ્યારે હું ડેન્ટિસ્ટ બની ગયો. કોઈ પણ ડૉક્ટર માટે શરૂઆતનો એ સમય ખૂબ ચૅલેન્જિંગ હોય છે, કારણ કે તમે નવું ક્લિનિક શરૂ કર્યું હોય અને તમને ખાસ રિસ્પૉન્સ ન મળે. આવક તો ઠીક પણ તમારા ક્લિનિકનું રેન્ટ પણ ન નીકળે ત્યારે ખરેખર બહુ અપસેટ થવાતું 
હોય છે. આવક કોઈ જ ન હોય આટલાં વર્ષ ભણવામાં કાઢ્યા પછી ત્યારે મારા ઘણા મિત્રોને મેં ડિપ્રેશનમાંથી પસાર થતા જોયા છે. મારા માટે આ પડકાર સરળ થઈ ગયો, કારણ કે ડેન્ટિસ્ટ્રી સાથે સવારે-સવારે મેં યોગ ક્લાસ લેવાના શરૂ કરી દીધેલા. ક્લિનિક જમાવવાનું કામ બપોરે અને સાંજે થતું અને સવારે યોગક્લાસ હોય એટલે બન્ને સ્તર પર આવક મૅનેજ થઈ જાય. આર્થિક સ્ટેબિલિટી વધારવામાં એ રીતે યોગે મને ખૂબ મદદ કરી છે. યોગ તમને દરેક ઉતારચડાવમાં સ્ટેબલ રહેવાનું શીખવે છે. યોગ તમને દરેક સંજોગ સામે ટકી રહેવાનું આત્મબળ આપે છે. આ મારો પ્રત્યક્ષ અનુભવ છે.’

 યોગે મને તંદુરસ્તી આપી, આર્થિક સધ્ધરતા આપી, લોકો પાસેથી માનસન્માન આપ્યાં અને દુઆ તો કહી ન શકાય એટલી મને યોગ થકી મળી છે. આટલું પામ્યા પછી યોગ માટેનો અહોભાવ ન આવે તો શું આવે? હું તો એટલું જ કહીશ કે યોગ કલ્પવૃક્ષ છે. જો તમે નિષ્ઠા સાથે એનાથી જોડાઈ જાઓ તો ક્યારેય એટલે ક્યારેય કોઈ બાબતમાં પાછા ન પડો - દેવાંગ શાહ

columnists ruchita shah yoga international yoga day