કચ્છની દાબેલી કરતાં પણ આ કપિલની દાબેલીને માર્ક વધારે મળે

23 September, 2021 12:56 PM IST  |  Mumbai | Sanjay Goradia

એક પણ જાતની ચટણી વિના માત્ર મસાલા સિંગ અને દાડમવાળી તમે કપિલની દાબેલી ખાઈ શકો અને એનો આસ્વાદ માણી શકો

કચ્છની દાબેલી કરતાં પણ આ કપિલની દાબેલીને માર્ક વધારે મળે

અંધેરી ઈસ્ટમાં સ્ટેશન પાસે આવેલા ઓલ્ડ નાગરદાસ રોડ પર આપણી આ ફૂડ ડ્રાઇવ બીજી વાર દાખલ થવાની છે. ઓલ્ડ નાગરદાસ રોડ પર આટલી સરસ વરાઇટી મળે એની મને પણ કલ્પના નહોતી, પણ સમય જતાં વાચકો અને ફૅન્સ પાસેથી એવી-એવી વરાઇટીઓની ખબર પડી કે માંહ્યલો મારો કાબૂમાં રહ્યો નહીં અને ફરી એક વાર હું તો પહોંચી ગયો ઓલ્ડ નાગરદાસ રોડ પર.
આ વખતે મને ફૂડ ડ્રાઇવ પર મોકલવાનો જશ મારી નાટકની મિત્ર અને ચિનાઈ કૉલેજની એક્સ-સ્ટુડન્ટ એવી ડિમ્પલ દાંડાને જાય છે. ડિમ્પલે મને કહ્યું કે તમે કપિલની દાબેલી એક વાર ચાખો, તમને કચ્છની યાદ અપાવી દેશે. 
નારાયણની સૅન્ડવિચ હજી આ જ એરિયામાં ખાધી હતી એટલે મનમાં હતું કે આ વખતે બોરીવલી બાજુએ જઈશ, પણ એ કાર્યક્રમ પડતો મૂકીને હું પહોંચ્યો ઓલ્ડ નાગરદાસ રોડ પર આવેલી કપિલની દાબેલી ખાવા. પચીસેક વર્ષથી એ મળે છે. હવે તો તેનો દીકરો બધું કામ સંભાળે છે, ફાધર ક્યારેક આવે પણ દીકરાએ ફાધરના હાથનો ટેસ્ટ હજી જાળવી રાખ્યો છે. કપિલની દાબેલીની વાત કરું એ પહેલાં તમને દાબેલીની ખાસિયત કહું.
આપણે એમ માનતા હોઈએ કે દાબેલી એટલે દાબેલી પણ મુંબઈની દાબેલી અને કચ્છની દાબેલીમાં ફરક છે. મુંબઈની દાબેલીમાં ઘણું ઇમ્પ્રોવાઇઝેશન થયું છે. દાબેલીમાં મેઇન બેઝ ગણાય એ છે પાંઉ, જેને લાદી પાંઉ કહેવાય. હું કહીશ કે મુંબઈમાં જે પાંઉ મળે છે એ આખી દુનિયામાં બેસ્ટ પાંઉ છે. આવી સૉફ્ટનેસ તમને બીજા કોઈ પાંઉમાં ક્યારેય જોવા નહીં મળે. ગૅરન્ટી મારી. 
હવે વાત કરીએ કપિલની દાબેલીની, પાંઉના વચ્ચેથી બે ફાડિયાં કરી એમાં દાબેલીનું પૂરણ ભરવામાં આવે, પછી એમાં મસાલા સિંગ નાખવામાં આવે અને પછી ફરી પાછું એમાં પૂરણ ભરવામાં આવે. પૂરણના આ સેકન્ડ લેયર પછી એની ઉપર સેવ અને દાડમ આવે અને પછી ફરીથી ઉપર મસાલા સિંગ નાખી આ આખા પાંઉને બટરમાં શેકી નાખવામાં આવે. પાંઉ શેકાઈ જાય એટલે ઉપર અને નીચેનું પાંઉ કડક થઈ જાય અને એ જે કરકરાપણું દાબેલીમાં આવે એને લીધે સ્વાદમાં જબરદસ્ત ફરક આવી જાય. આપણા મુંબઈનાં લાદી પાંઉની જે સૉફ્ટનેસ હોય છે એ સૉફ્ટનેસ કચ્છમાં મળતી દાબેલીમાં નથી હોતી એ પણ એટલું જ સાચું છે, જેને લીધે ઘણી વાર તો એવું પણ બને કે આપણને મુંબઈની દાબેલીની સામે કચ્છની દાબેલી ઓછી ભાવે. ઍનીવે, કપિલની દાબેલીની બીજી એક ખાસિયત કહું તમને.
આ દાબેલી ખાતી વખતે તમને એક પણ પ્રકારની ચટણીની જરૂર નથી પડતી. એનાં બે કારણો છે. એક તો પૂરણ એવું લચકદાર હોય છે કે એ બ્રેડમાં સહજ રીતે અંદર ઊતરી જાય છે એટલે સરળતાથી પાંઉ ગળે ઊતરી જાય. બીજું કે પાંઉને શેકવામાં જે બટર મૂકવામાં આવે છે એમાં કંજૂસાઈ કરવામાં નથી આવતી એટલે પાંઉમાં પણ બરાબર બટર ઊતરે છે અને સૉફ્ટ પાંઉને વધારે સૉફ્ટ બનાવે છે.
કપિલની દાબેલી ખાઈને હું નીકળ્યો ત્યારે મારા મનમાં એક જ વાત હતી. ઓલ્ડ નાગરદાસ રોડ પર રહેનારા લોકો બહુ નસીબદાર છે, ઘરની બહાર જ જાતજાતની ને ભાતભાતની આવી બધી આઇટમનો આસ્વાદ મળે છે.

columnists Sanjay Goradia Gujarati food mumbai food indian food