ભૂલતા નહીં, ગુજરાતમાં આવેલું રિઝલ્ટ લોકસભાનું પિક્ચર પણ ક્લિયર કરે છે

10 December, 2022 01:28 PM IST  |  Mumbai | Manoj Joshi

સંવિધાનની વાત આપણે આવતા દિવસોમાં ફરીથી કન્ટિન્યુ કરીશું એ પ્રૉમિસ સાથે કહેવાનું, ગુજરાતમાં રેકૉર્ડબ્રેક જીત મેળવી બીજેપીએ પુરવાર કર્યું છે કે નાનામાં નાના કાર્યકરોની મદદથી કેવું મોટું રિઝલ્ટ લાવી શકાય છે.

પ્રતીકાત્મક તસવીર

આપણી વાત ચાલતી હતી સંવિધાનમાં ઉમેરા કે વધારા કરવાની બાબતમાં, પણ ગુજરાત ઇલેક્શનનું રિઝલ્ટ આવ્યા પછી રહેવાયું નહીં એટલે વચ્ચે આ વિષય પર વાત કરવાની ફરજ પડી ગઈ. સંવિધાનની વાત આપણે આવતા દિવસોમાં ફરીથી કન્ટિન્યુ કરીશું એ પ્રૉમિસ સાથે કહેવાનું, ગુજરાતમાં રેકૉર્ડબ્રેક જીત મેળવી બીજેપીએ પુરવાર કર્યું છે કે નાનામાં નાના કાર્યકરોની મદદથી કેવું મોટું રિઝલ્ટ લાવી શકાય છે.
કૉન્ગ્રેસ હજી પણ સમજવા રાજી નથી કે કાર્યકરો પાર્ટી ચલાવે છે, નેતાઓ નહીં. કૉન્ગ્રેસ પાસે સેનાપતિઓનો ઢગલો છે, પણ કાર્યકરોના નામે પાર્ટી મસમોટું શૂન્ય બનતી જાય છે. આમ આદમી પાર્ટીએ પણ ગુજરાતમાં જે પર્ફોર્મન્સ દેખાડ્યો એની પાછળ પણ જો કોઈ કારણભૂત હોય તો એ છે કાર્યકરો. કાર્યકરો વિના ઇલેક્શન જીતી જ ન શકાય. વારંવાર પુરવાર થતી આ વાત બે દિવસ પહેલાં ગુજરાતમાં આવેલા રિઝલ્ટમાં પણ પુરવાર થઈ અને મોદી-શાહે દુનિયાના ઘાતક હથિયાર એવા AK-56ને બદલે કૉન્ગ્રેસ માટે સૌથી ઘાતક કહેવાય એવી MS-156નો ધડાકો કર્યો. આ ધડાકો એવો છે કે એની ગુંજ દૂર-દૂર સુધી સંભળાવાની છે અને એના પડઘા છેક લોકસભામાં પણ ગુંજતા રહેવાના છે.
ગુજરાત વિધાનસભાના ઇલેક્શનને લોકસભા ઇલેક્શનનું ટ્રેલર કહેનારાઓએ યાદ રાખવું જોઈએ કે ટ્રેલરથી બીજેપીની ટીમ સુપરહિટ પુરવાર થઈ ગઈ છે એટલે લોકસભા નામની ફિલ્મમાં પણ લોકો આ જ માનસિકતા સાથે તૂટી પડવાના છે અને એની તૈયારીઓ પણ બીજેપી ચાલુ જ કરી દેશે.
હું કહીશ કે જ્યારે જગતઆખું બદલાઈ રહ્યું છે ત્યારે એવું બિલકુલ ધારવું ન જોઈએ કે જૂની નીતિથી જ આગળ વધવું. ના, જરાય નહીં. અફસોસની વાત છે કે આજે વિધાનસભાના વિરોધ પક્ષની સત્તા પર બેસવા માટે પણ કૉન્ગ્રેસ લાયક નથી રહી અને અફસોસની વાત એ છે કે ચાણક્યના વિધાનને ગુજરાતના રાજકારણમાં સ્થાન પણ નથી મળ્યું. ચાણક્યએ કહ્યું છે કે ‘સક્ષમ વિરોધ પક્ષ હોવો એ તંદુરસ્ત લોકશાહી માટેનો શ્રેષ્ઠ રસ્તો છે.’
કૉન્ગ્રેસ એ રસ્તે પણ ચાલી શકી નથી અને બીજેપીનો વિરોધ કરવા માટે પણ સક્ષમ બનીને ઊભી રહી શકી નથી. આશા રાખીએ કે કૉન્ગ્રેસ હવે આજના સમયની માનસિકતાને ધ્યાનમાં રાખીને પોતાની હારનાં કારણો શોધવાની સાથોસાથ બીજેપીની જીતનું પોસ્ટમૉર્ટમ કરી એમાંથી પણ જે શીખવા મળે એ શીખે અને શીખ્યા પછી એને પાર્ટીમાં અમલમાં મૂકે. અમલવારી બહુ જરૂરી છે અને બીજેપી એમાં જબરદસ્ત સક્ષમ છે. એ જ્યાંથી પણ શીખે, જેની પણ પાસેથી શીખે એનો અમલ બીજી જ ક્ષણે કરે છે. દુશ્મન પાસે રહેલી ઉમદા કળાને પણ એ જીવનમાં ઉતારે છે અને જીવનમાં ઉતારીને બીજેપીમાં પણ તરત જ સામેલ કરે છે. MS-156નો આ જે ધડાકો થયો છે એ ધડાકો આમ તો એવો તોતિંગ છે કે કૉન્ગ્રેસ એના સદમામાંથી બહાર આવવામાં જ સમય કાઢી લેશે અને એવું બનશે તો એનો પૂરો લાભ બીજેપી લઈ લેશે, કારણ કે બીજેપીના કૅમ્પમાં અત્યારે વાત ૪૮ કલાક પહેલાંની જીતની નહીં, લોકસભાના આવી રહેલા ઇલેક્શનની ઑલરેડી શરૂ થઈ ગઈ છે.

columnists gujarat gujarat election 2022 gujarat elections manoj joshi