બે વર્ષમાં ૨૭ કિલો વજન ઉતારનારો આ યુવક એવો મોટિવેટ થયો કે પોતે જ ફિટનેસ-ટ્રેઇનર બની ગયો

25 April, 2024 12:12 PM IST  |  Mumbai | Sharmishta Shah

એક સમયે એકસાથે આઠ વડાપાંઉ ખાનારો સાંતાક્રુઝનો સૌરવ ગાલા હવે આખા વર્ષમાં આઠ વડાપાંઉ પણ નથી ખાતો એટલો સેલ્ફ-કન્ટ્રોલ તેણે ડેવલપ કરી લીધો છે. વેઇટ-લૉસ જર્નીમાં ડાયટ અને ટ્રેઇનિંગનો સહારો તેણે કઈ રીતે લીધો એ જાણીએ

સૌરવ ગાલા

‘મનની ઇચ્છાશક્તિ વડે આ દુનિયામાં તમે ધારો એ ગોલ અચીવ કરી શકો છો એવું મારું માનવું છે અને એને જ કારણે હું ફક્ત વજન જ નથી ઘટાડી શક્યો, આજે ફિટનેસ-કોચ તરીકે મારી કારકિર્દી પણ ઘડી શક્યો છું.’ આ શબ્દો છે સાંતાક્રુઝમાં રહેતા ૨૬ વર્ષના સૌરવ ગાલાના. તેણે બે વર્ષમાં ૧૦૨ કિલોમાંથી ૨૭ કિલો વજન ઘટાડ્યું એટલું જ નહીં, આજે પાંચ વર્ષ પછી પણ એને મેઇન્ટેન કરી રાખ્યું છે. એક ગોળમટોળ છોકરામાંથી સ્માર્ટ અને ડૅશિંગ યુવક તરીકેની તેની ટ્રાન્સફૉર્મેશન જર્ની કેવી રહી એ વિશે જાણીએ સૌરવ પાસેથી.

મોટિવેટિંગ મધર
સૌરવ પોતાની આ સફળતા માટેની ક્રેડિટ તેની મમ્મી ચંદન ગાલાને આપે છે. મમ્મીના મોટિવેશનથી જ આ શક્ય બન્યું છે એમ જણાવીને સૌરવ કહે છે, ‘નાનપણથી જ હું ખાવાનો ખૂબ શોખીન હતો અને એમાં પણ પટેટો ચિપ્સ તો મારી ફેવરિટ હતી. હું ડિનરમાં આઠ વડાપાઉં ખાઈ જતો, પણ આજે હવે હું વર્ષમાં માંડ આઠ વડાપાઉં ખાઉં છું. જન્ક ફૂડ મને ખૂબ પ્રિય હતું. મારી મમ્મી મને આ બધી ચીજો ખાવાની ના પાડીને હેલ્ધી વસ્તુ ખાવાની સલાહ આપતી હતી, પરંતુ હું તેને ગણકારતો નહીં. એનું પરિણામ એ આવ્યું કે ધીરે-ધીરે મારું વજન વધીને ૧૦૨ કિલો થઈ ગયું એટલે મમ્મીએ ફરીથી મને મોટિવેટ કરવાની ટ્રાય કરી. ‘ભાગ મિલ્ખા ભાગ’ ફિલ્મમાં ફરહાન અખ્તરને દેખાડીને મમ્મીએ કહેલું, યુ કૅન ઓલ્સો ડુ ઇટ. બસ એમાંથી જ મને વજન ઉતારવાની અને ફિટનેસ તરફ ફોકસ કરવાની દિશા મળી ગઈ.’

વજન ઘટાડવાના ગોલને નક્કી કર્યા પછી પહેલું કામ સૌરવે જિમ જૉઇન કરવાનું કર્યું. સૌરવ કહે છે, ‘જિમ ગયા પછી મને મજા આવવા માંડી એ મારો સૌથી મોટો પ્લસ પૉઇન્ટ સાબિત થયો. મજા આવતી વસ્તુ તમે સહજતાથી કન્ટિન્યુ કરી શકો છો. જોકે બીજી બાજુ એની સાથે મેં જન્ક ફૂડની ક્વૉન્ટિટી ઓછી કરવા માંડી. જોકે વજન બહુ ઘટતું નહોતું. એ દરમ્યાન મેં જુહુના ન્યુટ્રિશનિસ્ટની સલાહ મુજબ ચાલવાનું શરૂ કર્યું. ફૅટલૉસ સાથે મસલ્સ ગેઇન પર પણ કૉન્સન્ટ્રેટ કર્યું અને ધીરે-ધીરે મને રિઝલ્ટ મળવા માંડ્યું.’

ડાયટ કરવું અઘરું હતું
સ્વાદના શોખીન સૌરવ માટે દેખીતી રીતે શરૂઆતમાં ડાયટ શરૂ કરવું સહેલું નહોતું. સૌરવ કહે છે, ‘વજન ઘટાડવાનો દૃઢ નિશ્ચય કર્યો એથી મારું મન મક્કમ હતું. ધીમે-ધીમે એ પણ સમજાયું કે ડાયટ કરવાનો અર્થ ભૂખ્યા રહેવું એવો નથી, પરંતુ તમે જે ખાઓ છો એ હેલ્ધી હોય એ જરૂરી છે. પહેલાં મને શાક-રોટલી જરાય ભાવતાં નહોતાં, પરંતુ હવે તો બધાં જ પ્રકારનાં શાકભાજી, ફ્રૂટ્સ, સૅલડ વગેરે ખાતાં શીખી ગયો છું, કારણ કે મારી મમ્મી મને બધું જ હેલ્ધી અને ટેસ્ટી બનાવી આપે છે. આજે પણ તે દરરોજ મારા ટિફિનમાં અલગ-અલગ પ્રકારની હેલ્ધી વાનગી ભરી આપે છે.’

ફિટનેસ-કોચ બન્યો
સૌરવ અત્યારે શાહરુખ ખાનના પર્સનલ ટ્રેઇનર પ્રશાંત સાવંતના ‘ધ બૉડી સ્કલ્પ્ચર’ નામના સ્ટુડિયોમાં ફિટનેસ-કોચ તરીકે કામ કરે છે. ફિટનેસ-કોચ તરીકેની કરીઅર કેવી રીતે શક્ય બની એના જવાબમાં સૌરવ કહે છે, ‘યોગ્ય વર્કઆઉટ અને હેલ્ધી ડાયટને કારણે મારી લાઇફસ્ટાઇલમાં ખૂબ ચેન્જ આવ્યો. હું ખૂબ ફ્રેશ અને એનર્જેટિક ફીલ કરવા લાગ્યો અને મને એમાં મજા આ‍વવા માંડી એથી મેં પર્સનલ ફિટનેસ ટ્રેઇનર માટેનો કોર્સ જૉઇન કર્યો અને પછી આ જ ફીલ્ડમાં વધારે રસ લેવા માંડ્યો. ત્યાર બાદ ફિટનેસ-કોચ તરીકેની કરીઅર શરૂ કરી. આજે પણ હું રોજ બે કલાક વર્કઆઉટ કરું છું. જિમ મારા માટે શ્વાસ બની ગયો છે.’

બૅચલર ઑફ આર્ટ‍્સમાં સાઇકૉલૉજીનો અભ્યાસ કરનાર સૌરવ લિઓ ક્લબ ઑફ જુહુ સાથે પણ સંકળાયેલો છે. સૌરવ કહે છે, ‘હું જાતે જ આ બધી પ્રોસેસમાંથી પસાર થયો છું એટલે હું મારા સ્ટુડન્ટ્સને વેઇટ-લૉસ જર્નીમાં ખૂબ સારી રીતે મોટિવેટ કરી શકું છું. તેમને હું મારું જ એક્ઝામ્પલ આપું છું કે કઈ રીતે તમે ફિટ અને હેલ્ધી બની શકો છો. લોકો પોતાની લાઇફસ્ટાઇલ ઇમ્પ્રૂવ કરીને અનેક રોગ અને બીમારીઓથી બચી શકે છે અને આ ગોલ તેઓ સારી રીતે અચીવ કરી શકે એ માટે હું તેમને હેલ્પ કરવા માગું છું. અમિતાભ બચ્ચનસર જેવા સ્ટાર પોતાની ફિટનેસને કારણે આ ઉંમરે પણ કેટલું બધું કામ કરી શકે છે એટલે દરેક જણ માટે આ શક્ય છે. સારી લાઇફ જીવવાનો એક જ મંત્ર છે, ફિટનેસ અચીવ કરો અને ખુશ રહો.’

columnists life and style health tips santacruz