ચૅરિટી શબ્દ પર ફેરવિચાર કરવાનો સમય પાકી ગયો છે!

12 September, 2019 09:06 AM IST  |  | સોશ્યલ સાયન્સ - જયેશ ચિતિ‍લયા

ચૅરિટી શબ્દ પર ફેરવિચાર કરવાનો સમય પાકી ગયો છે!

મોટા ભાગે મંદિર બનાવવા પાછળ પોતાનું નામ થાય એ મનોવૃત્તિ કે માનસિકતા વધુ કામ કરતી હોય છે. મંદિર બનાવવું કે એમાં તખ્તી લગાડવી ખોટી નથી, પરંતુ શું આટલાં બધાં મંદિરો પાછળ નાણાંનો ઉપયોગ કરવાનું સાર્થક ગણાય? અહીં કોઈ પણ વ્યક્તિની ધાર્મિક લાગણી દુભાવવાનો આશય નથી. મંદિર બને એની સામે પણ વાંધો નથી; પરંતુ મંદિર કરતાં વધારે સંખ્યામાં વિદ્યાધામ, હૉસ્પિટલ, ગુરુકુળ, વિવિધ ક્ષેત્રની તાલીમ શાળા બને તો વધુ ગમે અને વધુ સાર્થક બને. 

સવાલ એ છે કે આપણા દેશમાં આ જ રીતે મંદિરો બને છે. લોકો પાસે રહેવા ઘર નથી, છત નથી, પણ જેણે આપણને આખી પૃથ્વી આપી દીધી છે એ પરમાત્મા માટે આપણે વરસોથી સંખ્યાબંધ મંદિર બનાવતા જઈએ છીએ. મંદિર બાદ આશ્રમોનો વારો આવે છે. આ બધું આમ તો ચૅરિટી (દાનનાં) નાણાંમાંથી જ થાય છે. ઈશ્વરનો બનાવેલો માણસ પીડાયા કરે અને માણસનો બનાવેલો ઈશ્વર મૂર્તિ બન્યા કરે છે એ કેવી વિટંબણા? આમાં તો પરમાત્માને પણ સવાલ થયા કરે છે. ઈશ્વર પોતે માને છે કે માનવસેવા એ જ પ્રભુસેવા! તો માનવ ઈશ્વરની આ વાત કેમ સમજતો નથી?

અનાથાલય-વૃદ્ધાશ્રમ વધવા જોઈએ? 

આ સિવાય સામાજિક ચૅરિટી પણ આપણા દેશમાં ખૂબ થાય છે. હૉસ્પિટલો, અનાથાલય, વૃદ્ધાશ્રમ બને છે. બહુ સારી સહાયનું કામ કહેવાય. ખાસ તો હૉસ્પિટલ સુવિધા આવકાર્ય છે. પણ શું આપણી એવી ઇચ્છા હોવી જોઈએ કે વધુ ને વધુ અનાથાલાય, વધુ ને વધુ વૃદ્ધાશ્રમ ખૂલતા રહે? નહીં! કેમ કે આમ થાય એ સમાજના પતનની નિશાની ગણાય. અનાથાલય વધુ ખૂલવાનો અર્થ એ થાય કે બાળકોને ત્યજી દેવામાં આવે છે, વૃદ્ધાશ્રમ વધુ ખૂલવાનો અર્થ એ થાય કે વૃદ્ધોને પરિવારમાં સાચવવામાં આવતા નથી.

આ પણ વાંચો: સ્પોર્ટ્‍સમૅન સ્પિરિટ કેટલું છે તમારામાં?

ચૅરિટી કરવાનું ગણિત

સમાજમાંથી ગરીબી હટાઓના નારા, વિચારો, પ્રયાસ વરસોથી કરાવામાં આવતા રહે છે; ગરીબોને સહાય માટે સંસ્થાઓ પણ ઊભી કરવામાં આવતી રહે છે. અન્નદાન, વસ્ત્રદાન સહિત અનેક પ્રકારના દાનયજ્ઞ ચાલ્યા કરે છે. આની પાછળ મોટા ભાગના લોકોનો આશય પુણ્ય કમાવાનો, યશ, કીર્તિ પ્રાપ્ત કરવાનો, વાહ-વાહ મેળવવાનો, સમાજમાં દાની તરીકે નામ કમાવાનો હોય છે. આના ઘણા પરોક્ષ લાભ તેમને મળતા હોય છે. આ સારી નામના હેઠળ આ દાનીઓ આસાનીથી વધુ નાણાં કમાઈ શકે છે. પોતાની ઊંચી ઇમેજ બનાવી શકે છે. આમ ઘણાનાં દાન કરવાનાં પણ પોતાનાં ગણિત હોય છે. ઘણા વળી પોતાનાં પાપ ધોવાના નામે પણ દાન કરતા હોય છે. વળી કેટલાય લોકો તો કાળાં નાણાં ભેગાં કરીને પછી મોટાં-મોટાં દાન કરે છે. આવા લોકો સરકારને ઈમાનદારીથી ટૅક્સ નહીં ભરે ,પરંતુ સમાજમાં પોતાની નામના માટે ચૅરિટી કરશે. સવાલ એ છે કે આપણે ગરીબી દૂર કરવા-નાબૂદ કરવા આનાથી પણ બમણા જોરથી કામ કેમ નથી કરતા? સમાજનું ઘણું શોષણ કરી સમાજને થોડું પાછું આપવું એને ચૅરિટી કહી શકાય?

ગ્લોબલ હસ્તીઓની ચૅરિટી

ચૅરિટીની વાત નીકળે ત્યારે ગ્લોબલ સ્તરની હસ્તીઓ દ્વારા થતી અબજોની ચૅરિટીને યાદ કરવી જ પડે. આમાં અનેક ભારતીય સાહસિકો-બિઝનેસમેન પણ આવી જાય છે. આવાં નામોની યાદી આપણે ઘણી વાર મીડિયા મારફત જાણતા-સાંભળતા હોઈએ છીએ. જોકે તેમનાં દાન–ચૅરિટીનાં નાણાં ક્યાં જાય છે એ સમજવું મહત્ત્વનું છે. બિલ ગેટ્સ, અઝીમ પ્રેમજી, અંબાણી, શિવ નાદાર, વૉરેન બફેટથી માંડી આ યાદી ખાસ્સી મોટી બને છે. આ લોકો સૌથી વધુ નાણાં શિક્ષણ, સ્વાસ્થ્ય, તાલીમ, સ્કિલ ડેવલપમેન્ટ, ટેક્નૉલૉજિકલ સહાય વગેરે પાછળ વાપરે છે. આ લોકો જેમ દેશના વેપાર ક્ષેત્રે મોટો ફાળો નોંધાવીને દેશનું અને એની પ્રજાનું પણ હિત કરે છે તેમ ચૅરિટી માર્ગે સમાજના હિતમાં-વિકાસમાં પણ મોટો ફાળો આપે છે. લોકોને સ્વનિર્ભર કરવામાં તેમની ભૂમિકા મહત્ત્વની રહે છે. આ એક પ્રકારની સાર્થક ચૅરિટી કહી શકાય જ્યાં લોકો કાયમ સહાય માટે હાથ લંબાવતા રહેતા નથી બલકે સ્વનિર્ભર બનતા જાય છે. કહે છે કે તમે જ્યારે કોઈને અનાજનું દાન કરો છો તો એક દિવસ ચાલે, કપડાંનું દાન કરો ત્યારે અમુક મહિના ચાલે પરંતુ વિદ્યાનું દાન કરો ત્યારે એ આજીવન ચાલે એટલું જ નહીં; એ વ્યક્તિના સમગ્ર પરિવારને તારે છે.

ગુપ્ત દાનનો મહિમા

આપણા સમાજમાં દાનનો મહિમા અનેરો છે. એમાં પણ ગુપ્ત દાનનું મહત્ત્વ વિશેષ છે. જોકે ગુપ્ત દાન કરનારા નોખી માટીના લોકો હોય છે, કારણ કે દાન કર્યા બાદ માણસને તરત સમાજ તરફથી પ્રશંસા જોઈતી હોય છે, એક અલગ ઓળખ, માન-સન્માન જોઈતાં હોય છે. જ્યારે કે ઘણાય લોકો આજે પણ જમણા હાથે દાન કરે તો ડાબા હાથને પણ ખબર ન પડે એમ કરતા હોય છે. દાન કરતી
વખતે સામેની વ્યક્તિ (દાન લેનાર)નું સ્વમાન ન ઘવાય એની કાળજી પણ લેવાય છે.

પ્રાર્થના માટે જોડાયેલા બે હાથ

સ્વામી વિવેકાનંદના નામે એક યાદગાર વિધાન છે, પ્રાર્થના માટે જોડાયેલા બે હાથ કરતાં જરૂરતમંદની સહાય માટે લંબાયેલો એક હાથ વધુ મહાન છે. સારું અને સાચું છે, અમલ કરવા જેવું પણ છે; પરંતુ આ વિધાનની બીજી બાજુ વિશે પણ વિચારવા જેવું છે જે માટે સ્વામીજીના કર્મયોગ, રાજયોગ અને જ્ઞાનયોગને સમજવા પડે. એક વાત ખાસ નોંધવા જેવી છે કે જે વ્યક્તિ દાન કરે છે તેણે દાન સ્વીકારનારનો આભાર માનવો જોઈએ, કારણ કે તેણે દાતાને આ માટેની તક આપી છે. આ વિષયના શબ્દોને નહીં બલકે એના ભાવને સમજવા જોઈએ.

ચૅરિટી બિઝનેસ

કેટલીક કરુણતા એ છે કે આજે ચૅરિટી એક શો (દેખાવનો) બિઝનેસ પણ થઈ ગયો છે. ચૅરિટીના નામે અનેક કાળાં કામ પણ ચાલ્યા કરે છે. ચૅરિટીનો-દાનનો ઉપયોગ કાળાં નાણાંને ધોળાં કરવા માટે થાય છે, મની લૉન્ડરિંગ માટે થાય છે. એટલે જ સરકાર પણ અનેક ચૅરિટી સંસ્થાઓ-નૉન-ગવર્નમેન્ટલ ઑર્ગેનાઇઝેશન (એનજીઓ) સામે શંકાથી જોવા લાગી છે, તેમનાં રજિસ્ટ્રેશન પણ રદ કરવા લાગી છે. યાદ રહે, સમાજ માટે‍ દાન-સહાયની પ્રવૃત્તિ કયાં-કેવાં નાણાંમાંથી થાય છે એ પણ મહત્ત્વનું છે.

આ પણ વાંચો: મોબાઇલ-સોશ્યલ મીડિયા મુક્તિના ઉપાય કરવા છે?


આપણું લક્ષ્ય શું હોવું જોઈએ?

વાસ્તવમાં આપણું લક્ષ્ય એ હોવું જોઈએ કે ઓછામાં ઓછી ચૅરિટી કરવી પડે એવા સમાજનું નિર્માણ થાય. લોકોનું શોષણ કરી યા કાળા ધંધા કરી કમાયેલાં નાણાંમાંથી ગરીબોને સહાય કરીને દાનવીર કહેવડાવવું એ અધર્મ ગણાય. એને બદલે એક વ્યક્તિ તરીકે અને સમાજ તરીકે આપણું ધ્યેય સમાજને, જરૂરતમંદને સતત પગભર-સ્વનિર્ભર બનાવવાનું હોવું જોઈએ. સમાજમાં ગરીબી અને અસમાનતા સાવ જ નાબૂદ થાય એ સંભવ નથી, પરંતુ એના પ્રમાણને ઓછું જરૂર કરી શકાય. આપણે પણ આપણા જીવનમાં ચૅરિટી જેવું કોઈ કર્મ કરીએ છીએ કે કેમ એ પણ જાતને પૂછવું જોઈએ. માત્ર નાણાંથી જ ચૅરિટી થાય એવું જરૂરી નથી. આપણે કોઈના દુઃખ કે સંકટના સમયમાં તેના ખભે હાથ મૂકી સાથે ઊભા રહીએ એ પણ ચૅરિટી કહી શકાય. કોઈને સાચું માર્ગદર્શન આપીને, કોઈ જરૂરતમંદ વિદ્યાર્થીને ભણાવીને પણ ચૅરિટી કહી શકાય છે. આવાં તો કેટલાંય કાર્ય છે જે નાની-મોટી ચૅરિટી છે, ઉદારતા છે, માનવતા છે.

columnists gujarati mid-day