✕

નવલિકા : દેવદિવાળી

08 November, 2026 07:18 AM IST  |  Mumbai | Rashmin Shah

વાંચો નવલિકા અહીં

ઇલસ્ટ્રેશન

વેસ્ટર્ન રેલવેના પાટા પર લોકલ ટ્રેનનો અવિરત ખખડાટ અને બોરીવલી સ્ટેશનના પ્લૅટફૉર્મ-નંબર ચારની ભીડ - આ બે વાત એવી હતી જેને દેવ વ્યાસ પોતાની જિંદગીની લય માનતો. બોરીવલી-ઈસ્ટની શ્રી કૉલોનીમાં ત્રીજા ફ્લોર પર રહેતો દેવ અસલ ગુજરાતી મિજાજનો બોરીવલીકર હતો. ચહેરા પર સદાય રમતું સ્માઇલ, વાતોમાં પાકા ગુજરાતી બિઝનેસમૅનની મીઠાશ અને આ જ કારણે ઝડપથી ઊભરી રહેલી ઇવેન્ટ મૅનેજમેન્ટ ફર્મ ઉત્સવ ક્રીએશન્સ. દેવ માનતો કે માણસ પાસે ગમે એટલા પ્રશ્નો હોય, બોરીવલીની ખાઉગલીના ઢોસા અને સંજય ગાંધી નૅશનલ પાર્કની સવારનું સાઇક્લિંગ દુનિયાનો અડધો ભાર હળવો કરી નાખવા માટે પૂરતાં છે. જોકે ઑગસ્ટ મહિનાએ દેવની જિંદગીમાં એક એવું વમળ ઊભું કર્યું જેણે તેની તમામ ગણતરીઓ ચેન્જ કરી નાખી.

બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં ઇન્ટરનૅશનલ આર્કિટેક્ચરલ સમિટની ઇવેન્ટનો કૉન્ટ્રૅક્ટ દેવની કંપની પાસે હતો. ૩ દિવસના સતત શેડ્યુલ વચ્ચે દેવનું ધ્યાન સ્ટેજની ડાબી બાજુએ સતત બ્લુ-પ્રિન્ટ્સ અને થ્રી-ડી મૉડલ્સના પેપર્સમાં ખોવાયેલી એક યુવતી તરફ ગયું. કૉટનનો સાદો કુરતો, આંખો પર પાતળા ફ્રેમના સ્પેક્ટ્સ અને કપાળ પર એકદમ નાની કાળી ટીકી. તેનું નામ સાયલી હતું, સાયલી કુલકર્ણી. દાદરની શારદાશ્રમ સોસાયટી પાસે એક ચાલમાં કાકા સાથે રહેતી સાયલી પ્રોફેશનલી આર્કિટેક્ટ હતી.

કોઈની પણ સાથે સેકન્ડમાં જ ભળી જતા દેવ માટે સાયલી એક રહસ્ય હતું. માનો કે સાયલીની આસપાસ એક અદૃશ્ય કાચની દીવાલ હતી. તે ફક્ત કામ પૂરતી વાત કરતી. કોઈ હસાવે તો હોઠના ખૂણા સહેજ મલકાવીને ફરી ફાઇલોમાં ખોવાઈ જતી.

‘મૅડમ, મુંબઈમાં સિરિયસ રહેવા પર ટૅક્સ લાગે, ખબર છેને?’ દેવે મજાક કરી હતી, ‘વડાપાંઉ ઠંડું થઈ જાય તો ચાલે, પણ ચહેરા પરનું સ્માઇલ ઠંડું ન પડવી જોઈએ.’

સાયલીએ પહેલી વાર ચશ્માં ઊંચાં કરીને દેવ સામે જોયું. તેની આંખોમાં ઊંડો દરિયો હતો, જેમાં ક્યાંક તોફાનનો ભય પણ છુપાયેલો હતો.

‘મિસ્ટર દેવ, બધા પોતાની ખુશીઓ જાહેરમાં વહેંચવા માટે ટેવાયેલા નથી હોતા.’

બસ, વાર્તા પૂરી. જોકે પહેલી નજરમાં ગમી ગયેલી ‘યે જવાની હૈ દીવાની’ની દીપિકા પાદુકોણની યાદ દેવડાવતી સાયલી સામે દેવ એમ હાર માને એવો નહોતો. સમિટ પછી પણ દેવે પ્રોજેક્ટના ફૉલો-અપના બહાને સાયલી સાથે કૉન્ટૅક્ટ ચાલુ રાખ્યો. ક્યારેક દાદર TT સર્કલ પાસે પ્રીતમ હોટેલની કટિંગ ચાય તો ક્યારેક ગિરગામ ચોપાટી પર ભેળપૂરી ખાતાં-ખાતાં બન્ને વચ્ચેની દીવાલ પીગળવા લાગી. દેવ સાથે હોય ત્યારે સાયલી ખૂલવા માંડી. તે મુક્ત મને હસતી, દેવને મરાઠી કહેવતો શીખવતી અને દેવ તેને બોરીવલીનાં ઢોકળાં-ખાંડવીનો પ્રેમ સમજાવતો.

ઑક્ટોબરની ગુલાબી ઠંડી શરૂ થતાં દેવે પોતાના દિલની વાત સાયલી સામે મૂકી.

‘મારી મા હંમેશાં કહે છે કે ઘરમાં રોશની લાવવા દીવો જોઈએ, પણ સાયલી મને લાગે છે કે મારી જિંદગીમાં રોશની કરવા તારી હાજરી જોઈએ. તું મારી સાથે આખી જિંદગી આ મુંબઈની લોકલ પકડવા તૈયાર છે?’

સાયલીની આંખોમાં ક્ષણભર માટે સુખ ચમક્યું, પણ બીજી જ ક્ષણે તેનો હાથ ધ્રૂજી ઊઠ્યો. તેના ચહેરા પરથી રતાશ ઊડી ગઈ અને તે ઊભી થઈ ગઈ.

‘દેવ... ઇટ્સ નૉટ પૉસિબલ...’

‘કેમ, ડોન્ટ યુ લવ મી...’

‘ના, દેવ એવું નથી...’ સાયલીની આંખોમાં આંસુ હતાં, ‘આઇ લવ યુ, કદાચ મારી જાત કરતાં પણ વધારે; પણ દેવ હું... હું તને શું કહું?’

‘મનમાં જે હોય એ ખચકાટ વિના, સંકોચ વિના...’ દેવે શબ્દો ચોર્યા વિના કહી પણ દીધું, ‘તું ઇચ્છે તો ના પણ પાડી શકે છે...’

‘ના પાડવાનો કોઈ સવાલ જ નથી... બસ...’ મન મક્કમ કરી સાયલીએ કહ્યું, ‘જો તું મને પામવા માગતો હો તો તારે દિવાળી સુધી રાહ જોવી પડશે, બેસતા વર્ષની સવાર સુધી. જો બેસતા વર્ષના સૂર્યોદય સમયે હું તારી સામે ઊભી રહીને તારું નામ બોલું તો... તો માનજે કે હું જિંદગીભર તારી. આઇ પ્રૉમિસ.’

‘વૉટ નૉનસેન્સ ઇઝ ધીસ.’

દેવ આગળ કંઈ કહે એ પહેલાં સાયલી જતી રહી અને દેવ સમુદ્રની ખારાશ સામે ડૂબતા સૂરજને જોતો એમ જ ઊભો રહ્યો.

દિવાળી, એક એવો તહેવાર જે દુનિયા માટે ખુશીઓ અને ઉજાસ લાવતો, એ જ દિવાળીના નામે સાયલી અંધકાર પ્રસરાવીને નીકળી ગઈ હતી.

lll

દિવાળીને એક વીકની વાર હતી અને બજારો રંગબેરંગી કંદીલ, રંગોળીના કલરો અને માટીનાં કોડિયાંઓથી ઊભરાવા લાગી હતી. દેવે સાયલીને અઢળક ફોન કર્યા, પણ તેનો ફોન સ્વિચ્ડ-ઑફ આવતો. ઑફિસમાં પૂછપરછ કરી તો ખબર પડી કે તે રજા પર છે. થાકી-હારીને દેવ સીધો દાદર સાયલીના ઘરે પહોંચ્યો.

ડૉ. શ્રીકાંત કુલકર્ણી - MD (સા​​ઇકિયાટ્રી)

સાયલીના ફ્લૅટની બહાર નેમપ્લેટ હતી.

lll

‘યસ યંગમૅન, વૉટ કૅન આઇ ડૂ ફૉર યુ?’

‘હું દેવ... દેવ વ્યાસ. સાયલીનો ફ્રેન્ડ. મારે સાયલીને મળવું છે.’

દરવાજો ખોલનારા ડૉક્ટર શ્રીકાંતના ચહેરા પર ચિંતા પ્રસરી ગઈ. દેવને અંદર આવવા માટે તેમણે રસ્તો કરી આપ્યો અને દેવ ઘરમાં દાખલ થયો. ઘર સાવ શાંત હતું. એક રૂમનો દરવાજો સહેજ ખુલ્લો હતો. એ રૂમનું દૃશ્ય જોઈને દેવ થીજી ગયો.

રૂમમાં સાયલી એક ખૂણામાં બેઠી હતી. તેણે પોતાના હાથ કાન પર એટલા જોરથી દબાવી રાખ્યા હતા કે આંગળીઓનાં ટેરવાં સફેદ પડી ગયાં હતાં. તેની આંખો બંધ હતી, આખું શરીર ધ્રૂજતું હતું અને હોઠ સતત ધ્રૂજતા હતા.

‘નહીં... અવાજ બંધ કરો... પપ્પા... નહીં...’

શેરીમાં કોઈએ સામાન્ય લવિંગિયો ફટાકડો ફોડ્યો અને એના અવાજે સાયલીને હચમચાવી દીધી હતી.

દેવ રૂમમાં જવા ગયો, પણ ડૉ. શ્રીકાંતે તેને રોકીને રૂમનો દરવાજો બંધ કર્યો.

‘આ શું છે સર? સાયલીને શું થયું છે?’

ડૉ. શ્રીકાંતે ઊંડો નિસાસો નાખ્યો.

‘સાયલી ટ્રૉમૅટિક સાઇકોજેનિક એમ્નેસિયા અને સિરિયસ PTSDથી પીડાય છે.’ ડૉ. શ્રીકાંતે ધીમા અવાજે કહ્યું, ‘દર વર્ષે દિવાળી આવે એટલે તેનું અસ્તિત્વ વિખેરાઈ જાય. ફટાકડાના તીવ્ર અવાજો, ગનપાઉડરની ગંધ અને રોશનીના ચમકારા તેના મગજના ન્યુરૉન્સને એવો શોક આપે કે તેનું બ્રેઇન શટડાઉન થઈ જાય.’

‘ઓહ...’

‘વાત એટલી જ નથી દેવ...’ ડૉક્ટરે દેવ સામે જોયું, ‘સૌથી ખરાબ વાત એ છે કે દિવાળીની રાત પછી બેસતા વર્ષની સવારે જ્યારે તે જાગે ત્યારે તેના મગજમાંથી પાછલા આખા વર્ષની તમામ મેમરી, નવા સંબંધો, ઓળખાણો બધું સંપૂર્ણપણે ભૂંસાઈ જાય!’

‘વૉટ...’ દેવને પરસેવો છૂટી ગયો હતો, ‘કાલે દિવાળી પૂરી થશે એટલે પરમ દિવસથી સાયલી માટે હું...’

‘હા, તું તેના માટે કોઈ અપરિચિત હોઈશ.’ ડૉક્ટરે જવાબ આપ્યો, ‘સાયલી તને ઓળખશે પણ નહીં. છેલ્લાં ૭ વર્ષથી આ જ ચાલી રહ્યું છે.’

‘પણ કેમ?’

‘હં...’ ડૉક્ટરે ઊંડો નિસાસો નાખ્યો, ‘૭ વર્ષ પહેલાં દિવાળીની રાત્રે સાયલી તેનાં મમ્મી-પપ્પા સાથે કારમાં ચોપાટી જતી હતી. રસ્તામાં એક ફટાકડો કારમાં પડ્યો, પેટ્રોલની ટૅન્ક ફાટી અને સાયલીનાં આઈ-બાબા જીવતાં બળી ગયાં. મૅજિકલી સાયલી બચી ગઈ, પણ તેનું મન એ રાતમાંથી ક્યારેય બહાર ન આવ્યું. દર દિવાળીએ એ જૂનો શૉક ફરી જાગે છે, તે એ પીડા સહન નથી કરી શકતી અને ડિફેન્સ મેકૅનિઝમ તરીકે સાયલીનું બ્રેઇન પાછલા એક વર્ષની યાદો ડિલીટ કરી નાખે છે.’

ડૉક્ટર શ્રીકાંતે દેવના ખભા પર હાથ મૂક્યો.

‘આ જ કારણ હતું દેવ કે સાયલીએ તને નવા વર્ષની રાહ જોવાનું કહ્યું...’

દેવની આંખો સામે અંધકાર પ્રસરી ગયો. જે છોકરી તેને ચાહે છે તે જ છોકરી ૨૪ કલાક પછી તેને ભૂલી જવાની છે? તેનો પ્રેમ, તેની લાગણી, ઇમોશન્સ અને સાથે વિતાવેલી એ દરેક ક્ષણ બધું ફટાકડાના ધુમાડાની જેમ હવામાં ઓગળી જવાનું હતું.

‘ના...’ દેવ ઊભો થઈ ગયો, ‘હું એવું નહીં થવા દઉં. સાયલી મને ભૂલી જાય એ પહેલાં હું... હું તેના મનમાંથી આ ડર, આ યાદો કાઢીશ જે તેને શાંતિ નથી લેવા દેતી.’

‘તું કંઈ નહીં કરી શકે દેવ.’ ડૉક્ટરના સ્વરમાં લાચારી હતી, ‘દેશ-વિદેશના બેસ્ટ ન્યુરોલૉજિસ્ટ્સ ચેક કરી લીધું. દવા તેને ઊંઘાડી શકે, પણ મનના ભયને કાઢી નથી શકતી.’

lll

દેવ ઘરે પાછો આવી ગયો, પણ તેના મગજમાં ડૉક્ટરના શબ્દો અકબંધ હતા...

‘૭ વર્ષ પહેલાં દિવાળીની રાત્રે ચોપાટી પાસે કારમાં ફટાકડો પડ્યો...’

lll

‘સમીર, મને હેલ્પ જોઈએ છે ભાઈ...’

ઇવેન્ટ કંપનીને કારણે દેવને પોલીસ અને મીડિયા સાથે સારા સંબંધો હતા. મુંબઈ ઇન્ડિયન્સ નામના વીકલી મૅગેઝિનના અસોસિએટ એડિટર સમીર શાહ આ જ રિલેશનશિપના કારણે દેવને મળ્યો હતો. સમીર આઇસી કૉલોનીમાં રહેતો હતો. દાદરથી દેવ સીધો સમીરના ઘરે ગયો હતો.

‘૭ વર્ષ પહેલાંની દિવાળીની રાતે ચોપાટી પાસે એક ઍક્સિડન્ટ થયો હતો. મને એની ડીટેલ્સ જોઈએ છે. એ ઍક્સિડન્ટમાં અરુણ કુલકર્ણી અને સુધા કુલકર્ણી...’

‘એક મિનિટ...’

સમીરે લૅપટૉપ ઓપન કર્યું અને પોલીસ પોર્ટલ ખોલ્યું. અડધા કલાકની જહેમત પછી એ રાતની પોલીસ ડાયરી અને ફૉરેન્સિક રિપોર્ટ સ્ક્રીન પર આવ્યાં.

સમીરે લૅપટૉપની સ્ક્રીન દેવ તરફ ફેરવી.

‘જો દેવ, આ કોઈ સામાન્ય ફટાકડાથી થયેલો ઍક્સિડન્ટ નહોતો.’ સમીરે ફૉરેન્સિક ઍનૅલિસિસની લાઇનો પર આંગળી મૂકી, ‘જો લખ્યું છે... કારની ડિકીમાં પેટ્રોલ અને સલ્ફર-મિશ્રિત કમર્શિયલ એક્સપ્લોઝિવ હતું. બહારથી રૉકેટ કે ફટાકડો કાર પર નહોતો પડ્યો, પણ રિમોટ કન્ટ્રોલ ડિવાઇસથી કારમાં બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો.’

‘યુ મીન... કોઈએ જાણી જોઈને...’

‘રાઇટ...’ સમીરે જવાબ આપ્યો, ‘ફટાકડાની આડમાં આ એક પ્લાન્ડ મર્ડર હતું. એ વખતે પોલીસે કેસને દિવાળી ક્રૅકર-ઍક્સિડન્ટ તરીકે બંધ કરી દીધો અને ફૅમિલીએ પણ ફર્ધર ઇન્વેસ્ટિગેશન માટે પ્રેશર કર્યું નહીં.’

દેવનાં રૂંવાડાં ઊભાં થઈ ગયાં હતાં.

સાયલીનાં આઇ-બાબાનાં મોતનું કારણ ઍક્સિડન્ટ નહીં, મર્ડર હતું.

‘સમીર, ફૅમિલી તરફથી કેમ કોઈ પ્રેશર નહીં થયું હોય?’

‘કેસના ક્લોઝર રિપોર્ટ પર જેની સાઇન છે તે છે મરનારા અરુણ કુલકર્ણીનો નાનો ભાઈ... ડૉ. શ્રીકાંત કુલકર્ણી.’

દેવનું મગજ સુન્ન થઈ ગયું.

ડૉ. શ્રીકાંત, જે અત્યારે સાયલીના પરમ હિતેચ્છુ બનીને બેઠા છે તે?

‘સમીર, મને આમાં તારી હેલ્પ જોઈએ છે બ્રો... પ્લીઝ.’

lll

સમીરની હેલ્પથી દેવે અરુણ કુલકર્ણીનું વિલ, કંપનીઓની ડીટેલ્સ કઢાવી.

અરુણ કુલકર્ણી સાઉથ મુંબઈમાં કરોડોની કિંમત ધરાવતી ૩ પ્રાઇમ પ્રૉપર્ટીઝ અને એક ફાર્માસ્યુટિકલ કંપનીના માલિક હતા. વિલ મુજબ અરુણ કુલકર્ણીના મોત પછી એ તમામ પ્રૉપર્ટી તેની એકમાત્ર દીકરી સાયલીના નામે થાય; પરંતુ વિલમાં એક કલમ હતી કે જ્યાં સુધી સાયલી પચીસ વર્ષની ન થાય ત્યાં સુધી એ તમામ પ્રૉપર્ટીનું હૅન્ડલિંગ, ડિવિડન્ડ અને અન્ય પ્રૉપર્ટીનો પાવર ઑફ ઍટર્ની તેના કાકા ડૉ. શ્રીકાંત કુલકર્ણી પાસે રહેશે.

‘દેવ, તારી સાયલી આવતા મહિને પચીસની થશે...’

દેવને આખી રમત સમજાઈ ગઈ.

સાયલીનું મન બીમાર નહોતું, તેને બીમાર કરવામાં આવી હતી.

‘સમીર, આપણે કોઈ ન્યુરોલૉજિસ્ટને મળીએ...’

સમીરે તરત જ ફોન હાથમાં લીધો.

lll

બીજી સવારે દેવ ન્યુરોલૉજિસ્ટ ડૉ. પાર્થિવ શાહ સામે હતો.

‘સર, આ બધી મેડિસિન્સની ડીટેલ જોઈએ છે.’

‘તારી પાસે આ પ્રિસ્ક્રિપ્શન્સ ક્યાંથી આવ્યાં?’

‘સર, મારી ફ્રેન્ડનાં છે... ટુ બી ઑનેસ્ટ, તેના ઘરે જઈને મેં ચોરીછૂપી આ ફોટોગ્રાફ્સ લઈ લીધા છે.’

‘ધીસ ઇઝ ક્રિમિનલ દેવ.’ બધાં પ્રિસ્ક્રિપ્શન્સ જોઈને ડૉ. પાર્થિવ શાહ ઊકળી ગયા, ‘આ ઍન્ટિ-ડિપ્રેશન દવાઓ નહીં, આ હાઈ-ડોઝ સ્કોપોલામાઇન અને ભ્રાંતિ પેદા કરતી ડ્રગ્સનું કૉમ્બિનેશન છે. આ દવાઓ આપવાથી ૧૫ જ દિવસમાં પેશન્ટનું સબ-કૉન્શ્યસ માઇન્ડ ભ્રમ, ગભરાટ અને ઇનસિક્યૉર્ડ સિચુએશનમાં મુકાઈ જાય. દવાની અસર એવી તીવ્ર છે કે સામાન્યમાં સામાન્ય અવાજ પણ પેશન્ટને બૉમ્બ જેવો લાગે.’

‘બીજી કોઈ અસર...’

‘હા, આ મેડિસિનની સાઇડ-ઇફેક્ટથી પેશન્ટનું મગજ નવી મેમરી પ્રોસેસ કરવાનું અને સ્ટોર કરવાનું બંધ કરી દે. આ દવાઓ પેશન્ટના હિપ્પોકેમ્પસને ફ્રીઝ કરી દે જેથી તે ક્યારેય નૉર્મલ ન થઈ શકે.’

lll

‘દેવ, સિમ્પલ વાત છે. તું સમજ...’ સમીરે દેવની સામે જોયું, ‘ડૉ. શ્રીકાંત પોતાની ભત્રીજીને ૭ વર્ષથી મેડિસિનના નામે સ્લો પોઇઝન આપે છે, જેનાથી તે હંમેશાં માનસિક રીતે અસ્થિર રહે અને કરોડોની મિલકત તેના હાથમાં રહે. સેકન્ડલી, મને લાગે છે કે ડૉ. શ્રીકાંતને ડર પણ છે કે સાયલીના સબ-કૉન્શ્યસ માઇન્ડમાં કદાચ એ રાતનો કોઈ એવો ફેસ કે પ્રૂફ હશે જે બહાર આવે તો શ્રીકાંત જેલમાં જાય.’

જે સાંજે દેવ સામે આખું પિક્ચર ખુલ્લું થયું એ સાંજ ધનતેરસની રાત હતી અને દિવાળીને શરૂ થવામાં હવે હાર્ડલી ૩૬ કલાક બચ્યા હતા. જો હવે દેવ કોઈ ઍક્શન ન લે તો ૩૬ કલાકમાં એટલે કે બેસતા વર્ષે સાયલી ફરી એક વાર શૂન્ય થઈ જવાની હતી.

‘સમીર, મારા મનમાં એક પ્લાન છે...’ દેવે સમીરની સામે જોયું, ‘બસ, જરૂર પડે તો તું સાથ આપજે પ્લીઝ...’

lll

ધનતેરસની રાત્રે દેવે સાયલીના ઘરે જઈને રૂમની બારી ખખડાવી. અર્ધબેભાન હાલતમાં સાયલીએ બારી ખોલી. સાયલીની આંખોમાં દવાઓની અસર સ્પષ્ટ દેખાતી હતી.

‘દેવ... તું કેમ આવ્યો? મેં તને ના પાડી હતી... હું બધું ભૂલી જઈશ...’

‘હું તને ભૂલવા નહીં દઉં સાયલી.’ દેવે તેનો હાથ પકડી લીધો. ‘બસ, મારા પર ટ્રસ્ટ રાખ...’

‘મને મારા પર પણ ટ્રસ્ટ નથી દેવ.’

‘પણ મને છે... આવ, માત્ર વિશ્વાસ રાખીને આવ, હું તને કંઈ નહીં થવા દઉં.’ દેવે હાથ લંબાવ્યો, ‘આજે હાથ પકડીશ તો લાઇફમાં ક્યારેય હું હાથ નહીં છોડું ને તને છોડવા પણ નહીં દઉં... પ્લીઝ...’

સાયલીએ દેવની આંખોમાં જોયું. એ આંખોમાં કોઈ સ્વાર્થ નહોતો, માત્ર પ્રેમ અને લાગણી હતાં. સાયલીએ હાથ પકડી લીધો.

lll

સાયલીને લઈને દેવ નૅશનલ પાર્કની પાછળ નિર્જન એરિયામાં આવેલા એક સાઉન્ડપ્રૂફ સ્ટુડિયો બંગલા પર પહોંચ્યો. એ બંગલાની ચારેય બાજુએ જંગલ અને ઊંચાં ઝાડી-ઝાંખરાં હતાં. ત્યાં શહેરના ફટાકડાનો અવાજ પહોંચી શકે એમ નહોતો.

‘સાયલી, કાલની એટલે કે દિવાળીની રાત આપણે અહીં પસાર કરીશું. અહીં કોઈ ફટાકડાનો અવાજ નહીં આવે. તારું મગજ શાંત રહેશે.’

‘પણ પછી, હું તને ભૂલી...’

‘તું નહીં ભૂલે... આઇ પ્રૉમિસ.’

સાયલીની આંખો ઘેરાતી હતી. તે દેવનો હાથ પકડીને સૂઈ ગઈ અને આખી રાત દેવ તેના કાન પર હાથ મૂકીને બેસી રહ્યો.

lll

દિવાળીની સાંજ શરૂ થઈ. આકાશમાં ફટાકડા દેખાવા લાગ્યા, પણ નૅશનલ પાર્કના એ જંગલ વિસ્તારમાં શાંતિ હતી. દેવ સાયલી માટે સૂપ બનાવતો હતો અને સાયલી દેવને જોતી હતી. છેલ્લા ૨૪ કલાકથી તેણે દવા લીધી નહોતી અને અચાનક, જોરદાર અવાજ સાથે બંગલાનો મેઇન ડોર તૂટ્યો.

બહાર ડૉ. શ્રીકાંત અને તેની પાછળ ૪ હટ્ટાકટ્ટા ગુંડાઓ હતા. તેમના હાથમાં લાકડીઓ અને દેશી બૉમ્બ તથા ફટાકડાનાં બૉક્સ હતાં.

શૉક્ડ થયેલા દેવને જોઈને ડૉ. શ્રીકાંત કટાક્ષભર્યું હસ્યા. તેમણે સાયલીના કાંડા તરફ ઇશારો કર્યો. સાયલીના હાથમાં સ્માર્ટ વૉચ હતી જે શ્રીકાંતે તેને ગિફ્ટ કરી હતી.

‘દેવ, હું માણસોના મગજ સાથે રમનારો ડૉક્ટર છું. સાયલીના કાંડામાં જે સ્માર્ટ વૉચ છે એમાં GPS ટ્રૅકર છે...’ ડૉ. શ્રીકાંતે દેવના ગાલ પર હાથ ફેરવ્યો, ‘તને શું લાગ્યું, મારી ૭ વર્ષની મહેનત હું એમ જ જવા દઈશ?’

દેવ અવાક હતો. શ્રીકાંત પાછળ ફર્યો અને માણસોને ઇશારો કર્યો કે તરત જ ગુંડાઓએ બંગલાના ગાર્ડનમાં જ સૂતળી બૉમ્બ અને આતશબાજી ફોડવાનું શરૂ કર્યું.

‘ના...’

ચીસ સાથે સાયલીએ કાન પર હાથ મૂકી દીધા. અસહ્ય અવાજથી રૂમ અને ધુમાડો અંદર ભરાવા લાગ્યા. સાયલી જમીન પર ઢળી પડી, તરફડવા માંડી. સાયલીના તરફડાટે દેવના શરીરમાં ખુન્નસ ભરી દીધું.

‘શ્રીકાંત...’

દેવ શ્રીકાંત તરફ ધસ્યો અને દેવના માથા પર ફટકો આવ્યો.

ધડામ...

દેવ લોહીલુહાણ થઈને જમીન પર પડ્યો.

શ્રીકાંત સાયલી પાસે ગયો. તેના હાથમાં લીગલ પ્રૉપર્ટી ટ્રાન્સફરનાં પેપર્સ અને ઇન્જેક્શન હતાં.

‘બેટા... આજે રાતે તારી મેમરી ફરી જશે... આ ઇન્જેક્શન પછી તું કોઈને ઓળખી નહીં શકે. આ પેપર પર સાઇન કરી દે એટલે તું પેઇનમાંથી ફ્રી...’

‘નહીં સાયલી...’ તરફડતા દેવે રાડ પાડી, ‘સાયલી... ઊભી થા... ડર નહીં... આજે આ અવાજથી ભાગીશ તો જિંદગીભર તારે ભાગવું પડશે... સાયલી, આ જ માણસ છે જેણે તારાં આઇ-બાબાને માર્યાં છે. સાયલી, ડર નહીં... ઊભી થા...’

ધડાકા, પ્રકાશના લિસોટા અને ધુમાડો.

સાયલીનું શરીર ધ્રૂજતું હતું. તેના કાનમાં અવાજો અથડાતા હતા.

૭ વર્ષ પહેલાંનો એ ઍક્સિડન્ટ... કારની આગ... આઇ-બાબાની ચીસો...

‘સાયલી, ફૉર ગૉડ સેક... ફૉર અવર લવ સેક...’ દેવે ચીસ પાડી, ‘પ્લીઝ સાયલી, ફૉર આઇ-બાબા... ઊભી થા.’

અને સાયલીનું ધ્રૂજવું અચાનક બંધ થયું.

સાયલીએ ધીમેથી પોતાના કાન પરથી હાથ હટાવ્યા.

તેની આંખોમાં અંગારા જેવો ભયાનક આક્રોશ હતો.

ડૉ. શ્રીકાંત કંઈ સમજે એ પહેલાં સાયલીએ જેટ ઝડપે શ્રીકાંતના હાથમાંથી ઇન્જેક્શન છીનવી લીધું અને શ્રીકાંતના ખભામાં ઘોંપી દીધું.

શ્રીકાંત દર્દથી ચિલ્લાયા. બધા સ્તબ્ધ થઈ ગયા. ગુંડાઓ પણ થંભી ગયા.

સાયલી ઊભી થઈ. તેના અવાજમાં લોખંડ જેવી કઠોરતા હતી.

‘હું કંઈ નથી ભૂલી ચાચુ, ક્યારેય કંઈ ભૂલી જ નહોતી...’

લથડતા પગે શ્રીકાંત ઊભા થયા. દવા તેની નસોમાં પ્રસરવા લાગી હતી.

‘સાયલી... તું...’

‘હા હું...’ સાયલીની આંખોમાંથી ભારોભાર ક્રોધ હતો, ‘૭ વર્ષ પહેલાં ચોપાટી પર કાર ઊભી હતી ત્યારે કારની ડિકીમાં બૉક્સ મૂકનારા તમે હતા. મેં રિઅર-વ્યુ મિરરમાં તમારો ચહેરો જોયો હતો. જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે તમે દૂર ઊભા રહીને હસતા હતા. હું ડરી ગઈ, પણ પાગલ નહોતી થઈ. તમે મને મેન્ટલ સાબિત કરવા માટે દવાઓ આપવાનું શરૂ કર્યું. મને ખબર હતી કે જો હું નૉર્મલ થઈશ તો તમે મને મારી નાખશો અને એટલે જ હું દર વર્ષે દિવાળી પર યાદશક્તિ ગુમાવવાનો ડ્રામા કરતી રહી... જેથી જીવતી રહું...’

સાયલી આગળ વધી.

‘હું પુરાવાની રાહ જોતી હતી. લાચાર હતી... ત્યાં સુધી જ્યાં સુધી દેવ મારી લાઇફમાં નહોતો આવ્યો. દેવના પ્રેમે મને સમજાવ્યું કે કાયર બનવા કરતાં હક માટે મરવું સારું. ચાચુ, તમારી જાણ ખાતર મેં લાસ્ટ વીકથી તમારી દવાઓ ફ્લશ કરવાનું શરૂ કરી દીધું હતું. હું માત્ર એ સાબિતી ઇચ્છતી હતી કે તમે મારી પાછળ પડ્યા છો.’

બરાબર એ જ વખતે બંગલાની બહાર પોલીસની સાયરનો ગુંજી ઊઠી.

દેવ લથડતા પગે ઊભો થયો અને હસ્યો.

‘સાયલી એકલી નહોતી. સમીર શાહ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ છેલ્લા બે કલાકથી તમારા ફોનકૉલ્સ અને GPSને ટ્રૅક કરતા હતા અને વાત રહી તમારી કબૂલાતની તો...’ દેવે આજુબાજુમાં નજર કરી, ‘આ રેકૉર્ડિંગ સ્ટુડિયોના CCTV કૅમેરા તો છે જ.’

પોલીસ-ઇન્સ્પેક્ટર બંગલામાં આવ્યા અને ડૉ. શ્રીકાંતના હાથમાં હાથકડી પહેરાવી. શ્રીકાંતના પગ રીતસર ઢસડાતા હતા. દવાની અસર વચ્ચે તેની આંખો સામે અંધકાર હતો પણ બહાર દિવાળીની અંતિમ પળોને આતશબાજી રંગબેરંગી કરતું હતું.

lll

સમીરના ગયા પછી દેવ બંગલાના લૉનમાં દેવ બેઠો હતો. હવે તે સાયલીની સામે પહેલી વાર આવવાનો હતો. જઈને શું કહેવું એ વાતની અવઢવે જ તેને લૉનમાં બેસાડી રાખ્યો હતો અને ત્યાં જ દેવની પીઠ પાછળથી હળવા પગલાંનો અવાજ આવ્યો.

દેવે પાછળ જોયું. સાયલી ઊભી હતી. તેણે ઘાટા પીળા રંગની સુંદર મહારાષ્ટ્રિયન પૈઠણી સાડી પહેરી હતી. વાળમાં ગજરો હતો અને કપાળ પર લાલ ચાંદલો હતો. તેના હાથમાં આરતીની થાળી હતી, જેમાં નાનકડો દીવો ઝગમગતો હતો.

સાયલી ધીમા પગલે દેવ પાસે આવી. તેણે થાળી ટેબલ પર મૂકી અને નીચે બેસીને દેવના બન્ને હાથ પોતાના હાથમાં લીધા.

‘એક વાત કહું દેવ...’

સાયલીનો અવાજ લાગણીથી ધ્રૂજતો હતો.

‘એ બધું પછી, સૌથી પહેલાં હૅપી દિવાલી’

‘ના...’ સાયલીએ નકારમાં ગરદન ધુણાવી, ‘હૅપી દેવ દિવાલી...’

સાયલીની આંખો છલકાઈ ગઈ.

‘આજે મારી જિંદગીની પહેલી દિવાળી છે અને એ દિવાળી મને મારા દેવે આપી છે એટલે હૅપી દેવ દિવાળી... આજ સુધી દિવાળીનો પ્રકાશ અંધકાર આપવાનું કામ કરતો રહ્યો, પણ આ દિવાળી સાચા અર્થમાં મારા જીવનમાં રોશની લાવી. તેં આવીને મારા જીવનમાંથી અંધકાર કાયમ માટે દૂર કર્યો...’

‘એમ?’ દેવે સાયલીનો હાથ પકડ્યો, ‘તો ચાલ, હવે પેટમાં પણ પ્રકાશ પાથરીએ. ઘરે જઈએ. ઘરે માએ મસ્ત ઘૂઘરા બનાવ્યા છે અને મારો જીવ એ ઘૂઘરામાં છે. ચાલ જલદી...’

‘યાર, તમે ગુજરાતીઓ આટલા ખાધોડકા કેમ હો છો?’

‘કારણ કે જરૂર પડે ત્યારે અમે માર પણ ખાઈ લઈએ છીએને? જોયુંને, થોડી વાર પહેલાં માથા પર ફટકો પડ્યો તો ચૂપચાપ ખાઈ લીધોને?’

‘આઇ ઍમ સૉરી દેવ...’

સાયલી ધીમેકથી દેવના ચહેરા પર ઝૂકી. તેના બન્ને હોઠ દેવના હોઠ પર હતા. દેવને પહેલી વાર ઘૂઘરા કરતાં વધારે સ્વીટ કંઈક ટેસ્ટ કરવા મળ્યું હતું.

 

(સંપૂર્ણ)

 

columnists gujarati mid day lifestyle news life and style exclusive Rashmin Shah diwali festivals