ચલતુ, સંસ્કૃતં પઠતુ

12 August, 2022 04:56 PM IST  |  Mumbai | Shailesh Nayak

દેવોની ભાષા તો માત્ર વડીલોને જ ગમે એવું હવે નથી રહ્યું. યંગસ્ટર્સને આપણી મૂળ ભાષા આકર્ષી રહી છે અને એને ટકાવવા માટે પણ અઢળક પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે મળીએ કેટલાક એવા લોકોને જેઓ સંસ્કૃત શીખીને અથવા શીખવીને એને સાચવવા માટે પ્રયાસ કરી રહ્યા છે

પ્રતીકાત્મક તસવીર

ભારતમાં જેને દેવોની ભાષા તરીકે ઓળખવામાં આવે છે એ સંસ્કૃત ભાષાનાં ઓવારણાં આજે આખું વિશ્વ લેશે. પશ્ચિમી વાયરાની દેખાદેખીમાં જાતભાતના ડેની ઉજવણી કરતા યંગસ્ટર્સ માટે ક્યારેક આવા પૌરાણિક સંસ્કારોને યાદ અપાવતા દિવસો આકર્ષે છે. સંસ્કૃત ભાષાને ટકાવી રાખવા માટે અને એના વ્યાપ માટે દેશભરમાં પ્રયાસો થઇ રહ્યાં છે ત્યારે જાણીને બહુ જ સારું લાગે કે મેટ્રો સિટીમાં રહેતા યંગસ્ટર્સને પણ દેવોની આ ભાષા શીખવાની ઘણી હોંશ છે. મુંબઈમાં લગભગ દરેક પરામાં સંસ્કૃત ભાષા બોલતાં શીખવવા માટેના ક્લાસ ચાલે છે. સંસ્કૃત ભારતી સંસ્થા એમાં મોખરે છે અને આપણે જે યુવાનોને મૉડર્નાઇઝેશનના રંગે રંગાયેલા અને ઉછાંછળાં ગણી કાઢીએ છીએ એવા યંગસ્ટર્સને આ ક્લાસમાં આપણી મૂળ ભાષા શીખવામાં મજા આવી રહી છે. જેને સ્કૂલમાં સંસ્કૃત ભાષા શીખવા નહોતી મળી એવી ઘાટકોપરની પ્રજા ભાયાણીને આ ભાષા પ્રત્યે પહેલેથી જ આકર્ષણ હતું. અત્યારે ૧૧મા ધોરણમાં ભણતી પ્રથા કહે છે કે ‘મારી સ્કૂલમાં પહેલાં સંસ્કૃત શીખવતા હતા, પણ પછીથી બંધ થઈ ગયું એટલે હું સ્કૂલમાં સંસ્કૃત શીખી શકી નહીં. અમારા વિસ્તારમાં સંસ્કૃત ભાષા શીખવવાના વર્ગ શરૂ થાય છે એવી એક વાર મારી મમ્મીને ખબર પડી. ત્યારે થયું કે ભલે સ્કૂલમાં ન શીખવા મળ્યું, અલગથી સંસ્કૃત શીખું તો કેવું? મને એ જાણવાની ખૂબ ઇચ્છા હતી કે સંસ્કૃત ભાષામાં એવું શું છે કે એને દેવોની ભાષા કે આપણી મૂળ ભાષા કહેવાય છે. મારી મમ્મી સાથે હું પણ શીખવા પહોંચી ગઈ.’

મમ્મી ફાલ્ગુની ભાયાણી અને દીકરી પ્રથા બન્ને એકસાથે સંસ્કૃતના વર્ગમાં શીખવા જતાં થયાં અને હવે તો ઘણી વાર ઘરમાં કામ કરતાં-કરતાં સંસ્કૃત ભાષામાં વાત પણ કરવા લાગ્યાં છે. એ વિશે પ્રથા કહે છે કે ‘સંસ્કૃત ભાષા ખૂબ ઊંડું જ્ઞાન ધરાવે છે. એ ભાષાની સાથે બીજું ઘણું નવું શીખવા મળ્યું, દેવોની ભાષા મને પણ આવડે છે એ ફીલિંગ ગૌરવજનક છે. હું અને મારી મમ્મી ક્યારેક-ક્યારેક સંસ્કૃત ભાષાના ઉચ્ચારો સારા થઈ શકે એ માટે ઘરમાં સંસ્કૃતમાં વાત પણ કરીએ છીએ. ક્લાસમાં પણ અમે નૉર્મલ સંવાદ સંસ્કૃતમાં કેવી રીતે થાય એ પણ શીખીએ છીએ અને નાના-મોટા સંવાદો હવે તો આવડી ગયા છે.’

સંસ્કૃત શીખીને એક અલગ પ્રકારની અનુભૂતિ કરી રહેલી પ્રથા સંસ્કૃત ભાષા તેના ફ્રેન્ડ્સ પણ શીખે એ માટે પ્રયાસ કરવા માગે છે. તે કહે છે કે ‘હવે હું મારા ફ્રેન્ડ્સને પણ સંસ્કૃત ભાષા શીખવા માટે મોટ‌િવેટ કરીશ. એ લોકો તેમના બીજા ફ્રેન્ડ્સને કહેશે અને એમ કરતાં સંસ્કૃત ભાષાનો વ્યાપ વધે અને બીજા લોકો પણ એ શીખી શકે અને ભાષા બની રહે. જેટલું સંસ્કૃત ભણશો એટલું તમારા માટે સારું છે, કેમ કે તમે ભગવાનની પ્યૉર ભાષા શીખો છો.’ 

ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બનીને આંકડાઓ સાથે રમતી વિદિશા શાહને પણ સંસ્કૃત ભાષા શીખીને ખૂબ આત્મસંતોષ થાય છે. આપણે રૂટ્સને કદી ન ભૂલવા જોઈએ એવું માનતી વિદિશા કહે છે કે ‘સંસ્કૃત ભાષા શીખીને ખૂબ સૅટિસ્ફૅક્શન થયું. આપણે અંગ્રેજીને વધારે પ્રાધાન્ય આપીએ છીએ પણ રૂટ્સ સાથે કનેક્ટ કરવાનું કામ સંસ્કૃત જ કરે છે. મને અવનવી લૅન્ગવેજ શીખવી ગમે છે અને એટલે હું સંસ્કૃત ભાષા પણ શીખી. આપણે ભારતમાં રહી છીએ પણ બધાને આ ભાષા નથી આવડતી, પણ તમે વિદેશોમાં જોશો તો બીજે બધે સંસ્કૃતને બહુ સન્માનજનક અને મહત્ત્વની ગણવામાં આવે છે. મને આપણાં પૌરાણિક શાસ્ત્રો વાંચવાં પણ પસંદ છે, પણ એ માટે સંસ્કૃત આવડતું હોય તો એનો ઊંડો અર્થ આપણે સમજી શકીએ.’ 
ઘરે આવીને ઘણી વાર પેરન્ટ્સ સાથે સંસ્કૃતમાં વાતચીત કરતી વિદિશા શાહ કહે છે, ‘હું ઘણી વખત મારા પેરન્ટ્સ સાથે સંસ્કૃતમાં વાત કરું છું. ડે-ટુ-ડેની ઍક્ટિવિટી તેમ જ ચીજવસ્તુઓનાં નામ સંસ્કૃતમાં બોલીએ છીએ. મારાં મમ્મી હેમિનાબહેન અને પપ્પા પંકજભાઈ સ્કૂલમાં સંસ્કૃત ભણ્યાં હતાં એટલે થોડુંઘણું તેમને યાદ આવે અને અને વાતચીત કરવાનો પ્રયાસ કરીએ છીએ. બેઝ‌િક કમ્યુનિકેશન કરી શકીએ. બીજા પણ સંસ્કૃત શીખે એ માટે પ્રયત્ન કરીશ.’  

યુવાનોમાં વધી રહ્યો છે લગાવ

મુંબઈમાં સંસ્કૃત ભાષાની શિબિરો કન્ડક્ટ કરતા સંસ્કૃત ભારતી સંસ્થાના સુમીત શાહ કહે છે, ‘ખૂબ શાતાજનક બાબત છે કે હવેની પેઢીને સંસ્કૃત શીખવામાં રસ પડી રહ્યો છે. ઘણાબધા યંગસ્ટર્સ અમારી શિબિરમાં આવે છે. યુવાઓમાં સંસ્કૃત પ્રત્યે રુચિ અને પ્રેમ કેળવાઈ રહ્યાં છે. સંસ્કૃત શીખવા માટેની ૧૦ દિવસની શિબિર હોય છે અને રોજ બે કલાક સંસ્કૃત ભાષા બોલતાં શીખવવામાં આવે છે. આ શિબિરમાં ૧૨ વર્ષથી મોટી વયના લોકો આવતા હોય છે, જેમાં અંદાજે ૩૦ – ૪૦ ટકા યંગસ્ટર્સ આવે છે. મુલુંડ, ઘાટકોપર, દાદર, વિલે પાર્લે, અંધેરી, મલાડ, ગોરેગામ, બોરીવલી, દહિસર સહિતના વિસ્તારોમાં ઘણી શિબિર કરવામાં આવી છે. મુલુંડ, ઘાટકોપર, બોરીવલી સહિતનાં સ્થળોએ બાળ કેન્દ્રો આવેલાં છે જ્યાં બાળકોને હસતાં-રમતાં પ્રાર્થના, ગીત, ક્રાફ્ટ, વાર્તા દ્વારા સંસ્કૃત બોલતાં શીખવવામાં આવે છે અને બાળકો રમતાં-રમતાં સંસ્કૃત બોલવાનું શરૂ કરી દે છે.’ 

સંસ્કૃત ભાષાનો પ્રચાર પ્રસાર કરતા શિરીષકુમાર ભેડસગાવકર કહે છે કે ‘મુંબઈ, પુણે સહિત ભારતમાં તેમ જ વિશ્વના ૨૪ દેશોમાં સંસ્કૃત ભારતી સંસ્થા સંસ્કૃત ભાષા બોલતાં શીખવે છે. દુનિયામાં બહુ લોકો સંસ્કૃતને ચાહે છે. ભારતમાં બધી યુનિવર્સિટીઓમાં સંસ્કૃત ડિપાર્ટમેન્ટ નથી પણ ભારત બહાર ૨૫૦ જેટલી યુનિવર્સિટીમાં સંસ્કૃત ડિપાર્ટમેન્ટ છે. ૧૦ દિવસની શિબિરમાં તમે ઘરમાં, કાર્યાલયમાં, બજારમાં, પ્રવાસમાં, મિત્રો સાથે હો અને જે બોલો એ સંસ્કૃતમાં કેવી રીતે બોલાય એ શીખવીએ છીએ. આખા વિશ્વમાં અંદાજે એક 
લાખ ચાળીસ હજાર જેટલી શિબિરો યોજી છે.’ 

 હું અને મારી મમ્મી ક્યારેક-ક્યારેક સંસ્કૃત ભાષાના ઉચ્ચારો સારા થઈ શકે એ માટે ઘરમાં સંસ્કૃતમાં વાત પણ કરીએ છીએ. ક્લાસમાં પણ અમે નૉર્મલ સંવાદ સંસ્કૃતમાં કેવી રીતે થાય એ પણ શીખીએ છીએ અને નાના-મોટા સંવાદો હવે તો આવડી ગયા છે.: પ્રથા ભાયાણી

૧૦૦માંથી દસ સહેલાણીઓ સંસ્કૃત સાંભળવા માગે છે

ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલના વિશ્વ પ્રસિદ્ધ સ્ટૅચ્યુ ઑફ યુનિટીની સાથે સંસ્કૃતની જાળવણી માટે પણ મોટું કામ થયું છે. અહીં રેડિયો યુનિટીના આરજે ગુરુ ઉર્ફે ગુરુચરણ તડવીને તમે સંસ્કૃતમાં અભિવાદન કરતા સાંભળ્યા હોય તો લાગે કે ઓહો આ તો આપણે કોઈ પૌરાણિક યુગમાં આવી પહોંચ્યા છીએ. વિશ્વ સંસ્કૃત દિવસ નિમિત્તે આજે આ રેડિયો સ્ટેશન પરથી આરજે હેતલ પટેલ, આરજે ડૉ. નીલમ તડવી અને આરજે ગંગા તડવી આખો દિવસ સંસ્કૃત ભાષામાં સહેલાણીઓ સમક્ષ કાર્યક્રમોની રજૂઆત કરશે. સંસ્કૃતની સાથે તેઓ એનો અનુવાદ કરીને પણ સમજાવે છે જેથી લોકોને એ સમજાય. સંસ્કૃત ભાષાનું જ્ઞાન વધે એ માટે અહીં કામ કરતા રેડિયો જૉકી તેમ જ ગાઇડ્સને બાકાયદા સંસ્કૃતની તાલીમ આપવામાં આવી છે અને વારાણસીમાં સંસ્કૃતના દિગ્ગજો પાસેથી જ્ઞાન અપાયું છે. આરજે અને ગાઇડ તરીકે ફરજ બજાવતા ગુરુચરણ તડવી કહે છે કે ‘પહેલાં હું સવારે ઊઠતાં, જમતાં, રાત્રે સૂતી વખતે હું શ્લોક બોલતો હતો, પણ સંસ્કૃત શીખીને અહીં સ્ટૅચ્યુ ઑફ યુનિટીના આરોગ્ય વનમાં ગાઇડ તરીકે પણ કામ શરૂ કર્યું છે અને સંસ્કૃતમાં વાત કરીએ છીએ ત્યારે અંદરથી વાઇબ્રેશન ફીલ કરી શકીએ છીએ. નવાઈની વાત એ છે કે અમને ઘણા સંસ્કૃત ભાષા જાણતા અને એમાં વાત કરતા સહેલાણીઓ મળી જાય છે. ઇન ફૅક્ટ ૧૦૦માંથી ઓછામાં ઓછા ૧૦ સહેલાણીઓ એવું કહે છે કે અમને સંસ્કૃતમાં ગાઇડ કરો.’

તમને ખબર છે?
છેલ્લા પાંચ દાયકાથી વધુ સમયથી સંસ્કૃત ભાષામાં એક ન્યુઝપેપર ‘સુધર્મા’ પ્રકાશિત થાય છે જેની લગભગ ૪૦૦૦ કૉપી ભારતભરમાં જાય છે. 

columnists shailesh nayak culture news