જીવનમાં જીવવા જેવું નહોતું લાગતું ત્યારે કૉલગર્લના પ્રેમમાં પડ્યો પણ...

10 September, 2019 03:38 PM IST  |  | સેજલને સવાલ - સેજલ પટેલ

જીવનમાં જીવવા જેવું નહોતું લાગતું ત્યારે કૉલગર્લના પ્રેમમાં પડ્યો પણ...

સવાલઃ મને પ્રેમમાં બબ્બે વાર નિષ્ફળતા મળી હોવાથી જીવનના એક તબક્કે લગ્ન કરવા પરથી મન જ ઊઠી ગયેલું. એક વાર તો લગ્ન થયાં અને પછીથી નરકની યાતના સહન કરીને માંડ છૂટો પડ્યો. છૂટાછેડા આપ્યા પછી તો ગાંઠ વાળેલી કે હવે ફરીથી લગ્નની ઝંઝટમાં પડવું જ નથી. જોકે કમ્પેનિયનના અભાવે ડિપ્રેશનમાં સરી પડ્યો અને દારૂ-સિગારેટના રવાડે ચડ્યો. ફિઝિકલ જરૂરિયાતો માટે કૉલગર્લ પાસે જવા લાગ્યો. મને જીવનમાં કોઈ જ રસ બચ્યો નહોતો. એક વાર દારૂ પીને ધૂત થઈને હું કૉલગર્લ પાસે ગયેલો. એ છોકરીએ મારી ખૂબ સંભાળ લીધી. તેની પાસે મેં દિલ ખોલીને વાતો કરી અને તેણે પણ પોતાની જે દર્દભરી કહાની કહી એ સાંભળીને મને લાગ્યું કે મારા કરતાં તો તેનું દુઃખ વધુ મોટું છે. હું તેને વારંવાર મળતો રહ્યો અને ક્યારે પ્રેમમાં પડી ગયો એની ખબર જ ન પડી. તેના જ સગાએ તેને પૈસા ખાતર અહીં વેચી દીધી છે અને છેલ્લા દોઢ વર્ષથી અહીં તે સબડી રહી છે. હું કસ્ટમર તરીકે જાઉં છું અને દોસ્તની જેમ તેની પાસે મન હળવું કરીને આવું છું. અમારી ઓળખને ૬ મહિના થશે. હું માત્ર તેને જ મળતો હોવાથી તેની માલિકણને પણ શંકા ગઈ છે એટલે હવે તે પણ મને આ નહીં, બીજી પાસે જા એમ કહીને ટાળે છે. મારી પાસેથી પૈસા લૂંટતી તેની માલિકણ આ છોકરીને બહુ ઓછા પૈસા આપે છે એટલે હું તેની જરૂરિયાતની ચીજો ગિફ્ટ આપું છું. મારે હવે તેની સાથે લગ્ન કરવાં છે, પણ તે માનતી નથી. મારા પેરન્ટ્સ પણ આ વાતે નારાજ છે અને તેની માલિકણ પણ હવે તો વિલન બની છે. મારે શું કરવું?

જવાબ: જે સમયે કશું જ સારું નહોતું લાગતું ત્યારે આ પાત્રે જીવન જીવવાનું તમને નવું કારણ બક્ષ્યું છે. જોકે તમે જે પરિસ્થિતિમાં છો એ જોતાં આ લગ્નની ઇચ્છાને પાર પાડવા માટે તમારે લોઢાના ચણા ચાવવા પડશે. કદાચ તમને નહીં ગમે, પણ એક લાલબત્તી મારે તમને બતાવવી છે. જીવનસાથીની પસંદગી વખતે બીજા પાત્ર માટે દયાભાવ હોય એ ઠીક નથી. તમને તેનું દુઃખ પોતાનાથી વધારે લાગતું હોય અને તેને દુઃખમાંથી બહાર કાઢવા માટે પરણવાની ઇચ્છા થઈ હોય તો એ સ્વસ્થ સંબંધો નથી. એટલે મનમાંથી તેને માટેનો દયાભાવ કાઢી નાખો.

એ પછી સૌથી મોટી વાત એ છે કે પેલી છોકરી પણ લગ્ન માટે તૈયાર નથી એટલે મને એવું લાગે છે કે તેની સાથે લગ્ન કરવા માટે સમાજ સામે લડવાને બદલે પહેલાં તેને એ દોજખમાંથી છોડાવવાનો પ્રયત્ન કરો. મુંબઈમાં એવી ઘણી સંસ્થાઓ છે જે છોકરીઓને કૂટણખાનેથી છોડાવવામાં મદદ કરે છે. જાતે હીરો બનવાને બદલે આવી સંસ્થા અને પોલીસની મદદ લઈને તેને આ ચુંગાલમાંથી બહાર કાઢો.

આ પણ વાંચો: મને બે છોકરીઓ ગમે છે અને એમાંથી એકને હું પ્રપોઝ કરવા માગું છું, પણ ફીલિંગ્સ બાબતે કન્ફ્યુઝ છું

એક વાર તે બહાર આવે અને ત્રણ-ચાર મહિના રિહેબિલિટેશન સેન્ટરમાં રહે ત્યાં સુધી રાહ જુઓ. મુક્ત થયા પછી તેને પણ પસંદગીની સ્વતંત્રતા આપો. એવું ન થવું જોઈએ, કારણ કે તમે તેને છોડાવી છે માટે તે તમારી ઋણી થઈને તમને લગ્નની ના ન પાડી શકે. મુક્ત થયા પછી તેનું તમારા પ્રત્યેનું વર્તન કેવું છે એ પણ એક લિટમસ ટેસ્ટ છે. જો તમે આગળ વધવા માગતા હો તો તમારો ભૂતકાળ અને તે જે ક્ષેત્રમાં છે એ જોતાં એચઆઇવી ટેસ્ટ કરાવી લેવાનું જરૂરી છે.

columnists gujarati mid-day