મને બે છોકરીઓ ગમે છે અને એમાંથી એકને હું પ્રપોઝ કરવા માગું છું, પણ ફીલિંગ્સ બાબતે કન્ફ્યુઝ છું

Published: May 17, 2019, 12:56 IST | સેજલને સવાલ - સેજલ પટેલ | મુંબઈ

રાધર, હું રોમૅન્ટિક નથી થઈ શકતો. લોકો કહે છે કે હું બહુ પ્રૅક્ટિકલ છું. મારા ફ્રેન્ડ્સ જ્યારે પ્રેમમાં પડેલા ત્યારે જાણે ક્લાઉડ નાઇન પર હોય એમ વર્તતા હતા.

સવાલ : હું ૨૧ વર્ષનો છું. મારો જન્મ ગુજરાતમાં અને ઉછેર બૅન્ગલોરમાં થયો. હમણાં જસ્ટ ભણવાનું પૂરું થયું છે અને આગળના સ્ટડી અને કરીઅર માટે મુંબઈ આવ્યો છું. અહીં પણ મારા ઘણા ફ્રેન્ડ્સ છે અને ત્રણ મહિનામાં ઘણા નવા ફ્રેન્ડ્સ બન્યા પણ છે. મારી સમસ્યા એ છે કે હું પ્રેમના મામલામાં બહુ સિરિયસ નથી થઈ શકતો. રાધર, હું રોમૅન્ટિક નથી થઈ શકતો. લોકો કહે છે કે હું બહુ પ્રૅક્ટિકલ છું. મારા ફ્રેન્ડ્સ જ્યારે પ્રેમમાં પડેલા ત્યારે જાણે ક્લાઉડ નાઇન પર હોય એમ વર્તતા હતા. જ્યારે તેમનું બ્રેકઅપ થયું ત્યારે તેમણે અરિજિત સિંહના સૅડ સૉન્ગ્સ સાંભળીને બહુ આંસુ વહાવ્યાં હતાં. મને આવું ક્યારેય નથી થયું. હું પ્રેમમાં પડ્યો જ નથી એવું નથી. આ પહેલાં મારાં બે બ્રેકઅપ થયાં, પણ હું મારા ફ્રેન્ડ્સ જેટલો દુખી નથી થયો. હા, થોડુંક સૅડ ફીલ જરૂર થયેલું, પણ એમાંથી બહાર આવતાં ખાસ વાર નહોતી લાગી. મને તો બધી જ છોકરીઓ ગમે છે અને એમાંથી કોઈ પણ મળી જાય તો ચાલશે એવું લાગે છે. ફિલ્મોમાં દેખાડાય છે એમ મને ગર્લફ્રેન્ડના વિચારો આવતા હતા, પણ કોઈ ખાસ યુફોરિયા જેવું નહોતું. મારા ફ્રેન્ડ્સને આખો દિવસ તેમની ગર્લફ્રેન્ડના જ વિચાર આવે છે. હમણાં હું બે છોકરીઓને પસંદ કરું છું. એમાંથી એકને પ્રપોઝ કરવાનું વિચારું છું. મારા દોસ્તો મને કહે છે કે જ્યાં સુધી તને સાચો પ્રેમ ન થાય ત્યાં સુધી આગળ ન વધતો. તો શું ખરેખર પ્રેમમાં પડીએ તો ફિલ્મોમાં દેખાડાય છે એવી ફીલિંગ્સ થાય? જ્યાં સુધી એવુંબધું ન થાય ત્યાં સુધી પ્રેમ થયો ન કહેવાય?

જવાબ : ઠંડી લાગીને તાવ આવે, હાથ-પગમાં કળતર થાય, માથું દુખે અને મોં કડવું થઈ જાય જેવાં લક્ષણો સાથે ડૉક્ટર પાસે જાઓ તો તરત કહે કે મલેરિયા હોઈ શકે છે, પણ કમનસીબે પ્રેમમાં પડ્યા હોવાનાં ચોક્કસ લક્ષણો નથી હોતાં. ફિલ્મોમાં જ્યારે હીરો-હિરોઇન પ્રેમમાં પડે ત્યારે અચાનક મજાનો પવન ફૂંકાવા લાગે છે, વ્યક્તિ સપનાંમાં ‘ઝુબી ડુબી ઝુબી ડુબી’ ગાતાં-ગાતાં નાચવા લાગે છે કે વિચારોમાં ખોવાઈ જાય છે. એવું બધું તમને પણ થવું જરૂરી નથી. રાધર, એક વાત સમજવા જેવી છે કે પ્રેમ એ લાગણી છે જે માત્ર અનુભવવાની બાબત છે. દરેક વ્યક્તિની પ્રેમની અનુભૂતિ અને અભિવ્યક્તિ જુદી અને યુનિક હોય છે. ભાઈબંધને ફલાણું થયું તો મને પણ આમ થવું જોઈએ એવી સરખામણીમાં કદી ન પડવું. એનું કારણ એ છે કે પ્રેમમાં પડવાનો પ્રયત્ન કે પ્રૅક્ટિસ ન કરવાનાં હોય.

તમે ફિલ્મોમાં દેખાડાય છે એવી ફીલિંગ્સની શોધ કરતા હશો તો એ મૃગજળ શોધવા જેવું થશે. યુવાનીમાં તીવ્ર વિજાતીય આકર્ષણ અનુભવાતું હોય છે, પણ એ વિજાતીય આકર્ષણ જ પ્રેમ છે એવું માની ન લેવાય. આવા ઉપરછલ્લું આકર્ષણ ધરાવતા સંબંધો તૂટે તો એનાથી દુ:ખ ન થાય એ પણ એટલું જ સ્વાભાવિક છે.

આ પણ વાંચોઃ પૂર્વકર્મોને કારણે અંગત અને પ્રોફેશનલ જીવનમાં ખૂબ મુશ્કેલીઓ આવી છે

અલબત્ત, એક ગર્લફ્રેન્ડ ગઈ તો બીજી આવશે એવો ઍટિટ્યુડ હોય તો એ બતાવે છે કે એ સંબંધમાં તમારી ઇમોશનલ ઇન્વૉલ્વમેન્ટ ઓછી છે. તમે સંબંધોમાં લાગણીથી નથી જોડાતા. આવા સમયે પ્રેમમાં પડીએ તો શું થાય એ વિચારવાનું બંધ કરી દેવું જોઈએ. ગર્લફ્રેન્ડ સાથે પાકું કરી લેવાની ઉતાવળ કરવાની જરૂર નથી. જસ્ટ અત્યારે દોસ્તી માણો. એકબીજાને સમજો, સાથે સમય ગાળો, ખૂબ વાતો કરો. આપમેળે એવો સમય આવશે જેમાં તમને પોતાને સમજાશે કે આ સંબંધમાં દોસ્તીથી વિશેષ કશુંક છે જે તમને આકર્ષી રહ્યું છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK