સિર્ફ હંગામા ખડા કરના મેરા મકસદ નહીં, મેરી કોશિશ હૈકિ સૂરત બદલની ચાહિએ મેરે સીને મેં નહીં તો તેરે સીને મેં સહી

21 December, 2022 06:00 PM IST  |  Mumbai | Pravin Solanki

જ્યાં સુધી ઉમેદવાર પોતાની કાબેલિયત અને કાર્યોના પ્રદર્શનથી નહીં ચૂંટાય ત્યાં સુધી દેશનું ભાવિ જોખમમાં છે. મોદીના નામથી જ નહીં, ઉમેદવારોના કામથી ચૂંટણી જિતાય તો જ જીતની સાર્થકતા ગણાશે.

નરેન્દ્ર મોદી

જ્યાં સુધી ઉમેદવાર પોતાની કાબેલિયત અને કાર્યોના પ્રદર્શનથી નહીં ચૂંટાય ત્યાં સુધી દેશનું ભાવિ જોખમમાં છે. મોદીના નામથી જ નહીં, ઉમેદવારોના કામથી ચૂંટણી જિતાય તો જ જીતની સાર્થકતા ગણાશે.

દુષ્યંતકુમારની આ પંક્તિઓ ખૂબ પ્રચલિત છે. ચૂંટણી પ્રસંગે તો ખાસ પ્રસ્તુત છે. દેશની કે રાજ્યની સૂરત બદલવાના પ્રચાર કરતા અનેક પ્રકારના હંગામા ચૂંટણીપ્રચારમાં થતા રહ્યા છે. દેશદાઝની આગ ભાગ્યે જ પ્રજામાં કે નેતામાં દેખાતી હોય છે. 

૮ ડિસેમ્બર. ગુજરાતની ચૂંટણીનાં પરિણામોનો દિવસ, તો બીજી બાજુ લગ્નગાળો. ઠેકઠેકાણે વરમાળા પહેરાવાઈ રહી હતી તો ગુજરાતમાં ક્યાંક ફૂલોની વિજયમાળા તો ક્યાંક પરાજયની કાંટાળી માળાનો માહોલ હતો. ત્રણ સ્થળે લગ્ન પતાવીને રાતે ૧૧ વાગ્યે ઘરે આવીને મેં ટીવી ચાલુ કર્યું, ચૅનલો પર ગુજરાતની ચૂંટણીનાં પરિણામોનું પોસ્ટમૉર્ટમ અને બીજેપીની જીતની ઉજવણીનાં દૃશ્યો રજૂ થઈ રહ્યાં હતાં. બીજેપીએ ‘આપ’નું ઝાડુ કૉન્ગ્રેસના હાથમાં પકડાવીને ચારે બાજુ સફાઈ કરી નાખી હતી. 

ઘટના બની ગયા પછી થતાં વિશ્લેષણો વાંચવા-સાંભળવાની મને ખૂબ મજા પડે છે. વાત ક્રિકેટની હોય કે રાજકારણની, હાર કે જીત માટે થતી પ્રશંસા કે ટીકા સાંયોગિક હોય છે. સત્યાંશ કરતાં અનુમાનો-કલ્પના વધારે હોય છે. રમત કે ચૂંટણી પહેલાં જે કારણો નજરમાં ન આવ્યાં હોય એ કારણો એકાએક બહાર આવે છે. અહીં પણ બીજેપીની જીત પછી એના સંગઠનની, સી. આર. પાટીલ-અમિત શાહની સ્ટ્રૅટેજીની, ભૂપેન્દ્ર પટેલની કાર્યશક્તિની, બીજેપી પ્રત્યે પ્રજાના વિશ્વાસની અને મોદીજીના પ્રભાવની યશગાથાઓ વાંચવા-સાંભળવા મળી જે જ્યોતિષીઓની ભાખેલી ભવિષ્યવાણીઓ સાથે સરખાવી શકાય. ફલાણા ગૃહની યુતિને કારણે ફલાણું થયું. ચૂંટણી પહેલાં આવું કેમ ન ભાખી શક્યા?

આ પણ વાંચો : મેરી ઉંગલી પકડ કે ચલતે થે, અબ મુઝે રાસ્તા દિખાતે હૈં અબ મુઝે કિસ તરહ જીના હૈ

મારા મત મુજબ મોદીજીના નામ અને પ્રભાવે જ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. સમસ્ત ગુજરાતનાં દરેક નાનાં-મોટાં શહેર, જેવાં કે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર વગેરેમાં રંગભૂમિને કારણે મારા અસંખ્ય મિત્રો છે અને ફોન દ્વારા અમે નિયમિત સંપર્કમાં રહીએ છીએ. ફોનમાં હું બધાને એક જ પ્રશ્ન પૂછતો, ‘આ વખતની ચૂંટણીમાં શું લાગે છે?’ ૯૦ ટકા બધાનો જવાબ એકસરખો આવ્યો હતો : ‘આ વખતે બીજેપી માટે લોઢાના ચણા ચાવવા જેવું અઘરું છે, ગઈ ચૂંટણીની જેમ ૯૯ સીટ મેળવવાનાં પણ ફાંફાં પડશે એવાં એંધાણ છે, ‘આપ’નું જોર વધતું જાય છે, કૉન્ગ્રેસ ઉપર-ઉપરથી ઢીલી દેખાય છે, પણ અંદરખાનેથી બીજેપીની વાડમાં છીંડાં પાડવાના જોરદાર પ્રયત્નો થઈ રહ્યા છે, વળી બીજેપીના મોટા ભાગના ઉમેદવારોએ છેલ્લાં પાંચ વર્ષમાં વ્યક્તિગત રીતે ખાસ કંઈ ઉકાળ્યું નથી, ઊલટાના ઉદ્ધતાઈ, દાદાગીરી, જોહુકમીએ બીજેપીની છબિ ઝાંખી કરી દીધી છે. કામ કર્યાનાં ઢોલ વાગ્યાં છે, કામ થયું નથી.’
 આ બધી નેગેટિવ વાતો છતાં બીજેપી પ્રચંડ બહુમતીએ જીતી શકી એનું એકમાત્ર કારણ મોદી અને ફક્ત મોદી જ હોઈ શકે. 

 આપણા રાજકારણમાં વર્ષોથી મોટા ભાગે આ જ ચાલતું આવ્યું છે. ગાંધીજીના નામે, નેહરુજીના નામે, ઇન્દિરાજીના નામે, જયપ્રકાશજીના નામે પથરા તરતા આવ્યા છે. દેશના રાજકારણમાં ચૂંટણીમાં પહેલેથી જ વ્યક્તિગત ઉમેદવાર કરતાં પક્ષના નેતા કે પક્ષનું નામ જ મહત્ત્વનું રહ્યું છે, પ્રજા મતદાન ઉમેદવારોને નહીં, પણ કોઈ ચોક્કસ પ્રતિભાશાળી નેતાને નામે જ કરે છે ત્યારે ‘પથ્થર તરી જાય છે ને ફૂલડાં ડૂબી જાય છે.’ 

આ પણ વાંચો: આયા સમય બડા બેઢંગા, બના આદમી....નાચ રહા નર હોકર નંગા!

જનતા પાર્ટીના ઇલેક્શનનું જે પરિણામ આવ્યું, જયપ્રકાશ નારાયણના નામના પ્રભાવે એક ચમત્કાર સર્જાયો એ જોઈને ઇન્ડિયન નૅશનલ કૉન્ગ્રેસના સભ્ય અને ઓડિશાનાં સૌપ્રથમ મહિલા મુખ્ય પ્રધાન નંદિની સત્પતિએ પાર્લમેન્ટમાં કહેલી શાયરી આજે પણ મને યાદ છે : 

‘સાથિયોં, ઇસ ચુનાવ કા નતીજા યહી હૈ કિ 
કૈસે કૈસે આદમી ઐસે ઐસે હો ગયે 
ઔર ઐસે વૈસે આદમી કૈસે કૈસે હો ગયે...’ 

૮ તારીખે રાતે જ મને મારા એક પત્રકારમિત્રનો ફોન આવ્યો, ‘પ્રવીણભાઈ, ગુજરાતમાં મોદીના નામનો જાદુ અદ્ભુત રીતે ચાલી ગયોને? તમે તો મોદીના ભક્ત છોને?’ મેં અધવચ્ચે ફોનમાં કહ્યું, ‘સૉરી દોસ્ત, હું મોદીભક્ત નથી, મોદીપ્રશંસક છું,’ તેણે કહ્યું, ‘શબ્દ બદલવાથી ભાવના બદલાતી નથી. મને બરાબર યાદ છે, મોદી ગુજરાતમાં ચીફ મિનિસ્ટર હતા ત્યારે લેખક વિજય તેન્ડુલકરે એક આશ્ચર્યજનક સ્ટેટમેન્ટ કરેલું કે જો મને સરકાર ત્રણ ખૂન માટે માફી બક્ષે તો સૌથી પહેલું ખૂન હું નરેન્દ્ર મોદીનું કરું. એના જવાબમાં તમે કહ્યું હતું કે જો એવું થશે તો તેન્ડુલકરના ખૂન માટે મને માફી મળે કે ન મળે, પણ હું જરૂર કરીશ. આ મોદીભક્તિ નહીં તો બીજું શું છે?’ 

મેં કહ્યું, ‘એ વાત છોડો, તમારે જાણવું શું છે એ બોલો.’ 

તેણે કહ્યું, ‘તમારા ઇષ્ટદેવે ગુજરાતમાં આટલો મોટો ચમત્કાર સરજ્યો એના માનમાં પાર્ટી આપશો કે નહીં?’ 

‘ના, બિલકુલ નહીં. મને આનંદને બદલે દુઃખ થયું છે, દેશહિતના વિચારે.’ 

‘દુઃખ? કેમ?’ મેં કહ્યું, ‘તમારી દીકરી માટે કોઈ મુરતિયો ગોતવો હોય તો પહેલી વસ્તુ કઈ જોશો? મુરતિયો પાણીદાર છે કે નહીં એ જને? સસરો પ્રતિભાશાળી હોય ને દીકરો ડોબો હોય તો દીકરી આપશો? આજે આપણા દેશમાં ચૂંટણીના રાજકારણમાં આવું થઈ રહ્યું છે.’ 

આ પણ વાંચો : કલયુગમેં ઝૂઠેકો સ્વીકાર કિયા જાતા હૈ ઈમાનદારોંકા ચારોં તરફ સે શિકાર કિયા જાતા હૈ

જ્યાં સુધી ઉમેદવાર પોતાની કાબેલિયત અને કાર્યોના પ્રદર્શનથી નહીં ચૂંટાય ત્યાં સુધી દેશનું ભાવિ જોખમમાં છે. મોદીના નામથી જ નહીં, ઉમેદવારોના કામથી ચૂંટણી જિતાય તો જ જીતની સાર્થકતા ગણાશે. મોદીના ખભા પરનો ભાર હળવો કરવાને બદલે જો આમ વધતો રહેશે તો દરેક ચૂંટણીમાં ચમત્કાર સર્જાશે એ માનવું ખૂબ ભૂલભરેલું રહેશે.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists narendra modi Pravin Solanki gujarat election 2022