તું પતંગ હું દોર

14 January, 2022 12:13 PM IST  |  Mumbai | Varsha Chitaliya

ઉતરાણમાં લોકોની નજર આકાશ પર મંડાયેલી હોય ત્યારે ધાબા પર પ્રેમીપંખીડાઓ વચ્ચે પ્રેમની પતંગ હિલોળા લેતી હોય એવા અઢળક કિસ્સાઓ છે. અગાસીમાં પતંગબાજીના શોખથી શરૂ થયેલી આવી જ સાચુકલી પ્રેમકહાણીને આજે માણીએ

તું પતંગ હું દોર

ઢીલ દે ઢીલ દે દે રે ભૈયા, ઉસ પતંગ કો ઢીલ દે, જૈસે હી મસ્તીમેં આએ ઉસ પતંગ કો ખિંચ દે. ઉતરાણના દિવસે અગાસીમાં પરિવાર અને મિત્રો સંગાથે પતંગબાજીની રંગત જામી હતી ત્યાં કાઈપો છે...ની બૂમાબૂમ સંભળાતાં જ બધાની નજર આકાશ તરફ મંડાઈ ગઈ. કોની પતંગ કપાઈ એ જોવામાં લોકો મશગૂલ થઈ ગયા ત્યારે સમીર અને નંદિની વચ્ચે આંખના ઇશારે રોમૅન્સ ચાલતો હતો. બૉલીવુડ ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’ માં સલમાન ખાન અને ઐશ્વર્યા રાય બચ્ચન પર ફિલ્માવવામાં આવેલા આ રોમૅન્ટિક દૃશ્ય જેવી રિયલ લાઇફમાં પણ અઢળક પ્રેમકથાઓ ધાબા પર શરૂ થઈ લગ્નના માંડવે પહોંચી છે. 
નજરોના પેચ
ભાઈનો પતંગ કપાઈ જાય અને ફીરકી પકડીને ઊભેલી બહેન નીચે જોઈને મરક-મરક હસવા લાગે તો સમજી જવું કે પતંગ કાપનાર સાથે તેની નજરના પેચ લડ્યા છે. અઢી દાયકા પહેલાંના દૃશ્યને યાદ કરતાં બોરીવલીનાં બીના છેડા નાયક કહે છે, ‘પતંગ કપાઈ ગયા પછી અફસોસ કરવો કે આનંદ મનાવવો એ સમજાય નહીં. અંદરથી હસવું આવતું હોય તોય ચહેરાના હાવભાવ બદલાવા ન જોઈએ એની પૂરેપૂરી તકેદારી રાખવી પડે. ભાઈ સામે તો એમ જ બતાવવું પડે કે અરેરે આપણી પતંગ કપાઈ ગઈ, પરંતુ અંદરખાને મજા આવતી હોય. અગાસી ઉપર ઊભા-ઊભા શબ્દો વિના માત્ર આંખના ઇશારે મેહુલ સાથે આવી તો અઢળક વાતો કરી છે.’
ઉતરાણમાં બંધાયેલી પ્રેમની દોર વિશે વધુ વાત કરતાં મેહુલ નાયક કહે છે, ‘એ વખતે અમે દહિસરમાં આવેલી અજન્ટા-ઇલોરા સોસાયટીમાં રહેતાં હતાં. ૨૦-૨૫ જણની ટોળકી મળીને ધિંગામસ્તી કરીએ. સંક્રાન્તિના આગલા દિવસે સાથે બેસીને પતંગની કન્ની બાંધતા. નાનપણમાં તમામ તહેવારો સાથે મળીને ઊજવ્યા છે, પરંતુ મકરસંક્રાન્તિ ખાસ એટલા માટે કે આખો દિવસ અગાસીમાં સાથે રહેવા મળતું. હું અજન્ટાની ટેરેસ પર અને બીના તેના ભાઈ તેમ જ બહેનપણીઓ સાથે ઇલોરાની ટેરેસ પર હોય. તેનાં મમ્મી તલસાંકળી બહુ સરસ બનાવે તેથી ચિક્કી માટે એકબીજાની અગાસીમાં પર દોડાદોડી ચાલે. બીના મારા માટે ચિક્કી સાઇડમાં મૂકી રાખે. તેની બહેનપણીને બધી વાતની ખબર હતી. ગ્રુપમાં અમારી વચ્ચે જનરલ વાતો થતી પણ પતંગ જેમ ધીમે-ધીમે ઊંચે ચડે એવી રીતે અમારો પ્રેમ પાંગરતો ગયો અને લગ્નની દોરથી બંધાઈ ગયા. લગ્ન બાદ થોડાં વર્ષ એવી જ ધમાલ કરી હતી. હવે માહોલ બદલાઈ ગયો છે. એક કોડી પતંગમાં આખો તહેવાર ખેંચી કાઢતા. આજે પતંગનો ઢગલો કરી શકીએ એમ છીએ, પરંતુ લાઇફમાં એટલાં વ્યસ્ત થઈ ગયાં કે માંડ બે કલાક અગાસીમાં જવા મળે છે. જોકે, જૂની વાતોને યાદ કરીને ખૂબ હસીએ.’ પતંગ કપાઈ, પ્રેમની દોર બંધાઈહાથમાં પકડેલી દોરને ઢીલ આપતાં ને ખેંચતાં પતંગને વધુને વધુ ઊંચે લઈ જવાની ખુશીમાં છોકરીનો ચહેરો ખીલી ઊઠ્યો હોય અને હવામાં લહેરાતી પતંગને બૅલૅન્સ કરવાનો પ્રયાસ ચાલતો હોય ત્યાં અચાનક પતંગ કપાઈ જાય તો છોકરીને ગુસ્સો આવે કે નહીં? યસ, આવે જને! છ વર્ષ પહેલાં દવાબજાર વિસ્તારમાં આવેલા બિલ્ડિંગની ટેરેસ પર પતંગ ચગાવવાનો આનંદ ઉઠાવી રહેલી તરન્નુમ ખાનને બે બિલ્ડિંગ દૂર અગાસીમાંથી કાઇપો છે...ની બૂમાબૂમ સંભળાતાં આવો જ ગુસ્સો આવ્યો હતો. મજાની વાત એ કે તેની પતંગ કાપનાર અંકિત શાહ સાથે પછી તો પ્રેમ થઈ ગયો. પેચ બીજા સાથે લડાવ્યો હતો પણ તરન્નુમની પતંગ લાઇનમાં આવી જતાં કપાઈ ગઈ એવી સફાઈ પેશ કરતાં અંકિત કહે છે, ‘મેં ઇરાદાપૂર્વક પતંગ નહોતી કાપી. મારા હાથે છોકરીની પતંગ કપાઈ ગઈ એ સારું નહોતું લાગ્યું, પરંતુ આ ઘટના બાદ વાતચીત કરવા માટે મોકળું મેદાન મળી ગયું. બે દિવસ પછી રસ્તામાં સામનો થયો ત્યારે તેને હકીકત બયાન કરી. તેના મોઢા પર સ્માઇલ આવી એટલે હળવેકથી ફોન નંબર માગ્યો. આમ અમારા પ્રેમની પતંગ ઊડવા લાગી.’ 
અમારી લવ સ્ટોરીમાં ઉતરાણનો બહુ મોટો રૉલ છે એમ જણાવતાં તરન્નુમ કહે છે, ‘બન્નેનું બાળપણ દવાબજાર વિસ્તારમાં વીત્યું છે. અહીં ગુજરાતી અને મુસ્લિમ કમ્યુનિટી વચ્ચે આત્મીયતાભર્યા સંબંધો હોવાથી હળીમળીને તહેવારોની ઉજવણી થાય. ચહેરાથી એકબીજાને ઓળખતાં હતાં, પરંતુ પતંગબાજીના કારણે એકબીજાની નજીક આવવાની તક મળી. મને પહેલેથી કાઇટ ફેસ્ટિવલનું આકર્ષણ છે. મારી બહેન બધા માટે ચિક્કી બનાવી આપે. શરૂઆતમાં પરિવારમાં જણાવ્યું નહોતું. કમ્ફર્ટ થયા પછી બન્નેના પરિવારની રજામંદીથી દોઢ વર્ષ પહેલાં લગ્ન કરી લીધાં. થોડા સમય પહેલાં જ થાણે શિફ્ટ થયાં છીએ. કોવિડના કારણે આ વખતે દવાબજારની અગાસી મિસ થઈ જશે.’

પતંગના કારણે કેમિસ્ટ્રી જામી

પતંગના કારણે અમારી મૅરિડ લાઇફમાં લવ નામનો ફૅક્ટર ઍડ થયો એમ જણાવતાં બોરીવલીનાં કલ્પા રાયચુરા કહે છે, ‘પહેલાં પોરબંદર ગુરુકુળમાં અને ત્યાર બાદ રાજકોટની કૉલેજમાં અભ્યાસ કરતી હતી ત્યારે પતંગ ચગાવતાં-ચગાવતાં પ્રેમમાં પડેલા યુવાનોને જોયા છે. મને હસવું આવતું કે પતંગ અને પ્રેમને શું લાગેવળગે? ઇન ફૅક્ટ તડકામાં સ્કિન ટૅન થઈ જાય તેથી ધાબા પર જવાનું ટાળતી. એ વખતે સ્વપ્નેય નહોતું વિચાર્યું કે હસબન્ડનો પ્રેમ પામવા ફીરકી પકડવી પડશે. ઉતરાણના દિવસે અમારી સોસાયટીની અગાસીમાં સાઉન્ડ સિસ્ટમ ગોઠવીને બધા એન્જૉય કરે. ઊંધિયું-પૂરીનો જમણવાર હોય અને મહિલા 
મંડળ ડબ્બા ભરીને ચિક્કી લઈ આવે. હસબન્ડ સવારથી અગાસીમાં ચાલ્યા જાય. આ જોઈને મને થયું સનબર્ન ભલે થાય, પતિ સાથે પતંગ તો ચગાવવી જ છે.’

વાસ્તવમાં કલ્પાને ડર હતો કે અગાસીમાં નહીં જાઉં તો હસબન્ડની ફીરકી બીજી મહિલાના હાથમાં આવી જશે. પત્નીને ચીડવતાં હિમાંશુ કહે છે, ‘નાનપણથી મને પતંગનો ક્રેઝ છે. પતંગ ચગાવતાં-ચગાવતાં કોઈ છોકરી સાથે પ્રેમ ન થયો, કારણ કે મારું ધ્યાન આકાશ તરફ જ હોય. લગ્ન બાદ વાઇફે ટેરેસ પર આવવાની આનાકાની કરી ત્યારે કહી દીધું કે તું નહીં આવે તોય હું પતંગ ચગાવવા જઈશ. અગાસીનો માહોલ તો જોઈને તું પતંગબાજીની દીવાની થઈ જઈશ. પછી પોતે પણ શીખી. પતંગબાજીના કારણે અમારી કેમિસ્ટ્રી એવી જામી કે સુરત, બરોડા અને અમદાવાદ જઈએ છીએ.’

 ‘હમ દિલ દે ચૂકે સનમ’ની જેમ પતંગ સાથેના રોમૅન્ટિક દૃશ્યો  રિયલ લાઇફમાં પણ જોવા મળતા હોય છે.

columnists Varsha Chitaliya makar sankranti uttaran