કોવિડ કેર : કહો જોઈએ, આવી ગયેલા વાઇરસના નવા રૂપ માટે તમારી સજ્જતા કેટલી છે?

06 December, 2021 10:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નામ પૂરતી આપણી સજ્જતા નથી સાહેબ. માણસ વીસરી ગયો છે કે કોવિડ આવ્યો હતો, પરંતુ કોવિડનું અસ્તિત્વ અત્યારે પણ અકબંધ છે

પ્રતીકાત્મક તસવીર

કોવિડનું નવું રૂપ આવી ગયું છે અને એ નવા રૂપથી દુનિયાઆખી ફફડી ગઈ છે. ચારેક દિવસ પહેલાં એ નવા સ્વરૂપના વાઇરસના ફોટોગ્રાફ્સ પણ અમેરિકાએ રિલીઝ કર્યા અને આખી દુનિયાએ એ જોઈ લીધા, પણ આપણો મુદ્દો વાઇરસ નથી, આપણો મુદ્દો આપણી જાત છે, આપણી સજ્જતા છે અને આપણી તૈયારીઓની છે. શું આપણે આ નવા સ્વરૂપ સામે તૈયાર છીએ ખરા? દુનિયાના મોટા ભાગના દેશોએ સાઉથ આફ્રિકા સાથે સંપર્ક તોડી નાખવાની તૈયારી કરી લીધી છે એવા સમયે શું આપણે વાઇરસ સામે લડવાને સક્ષમ છીએ? મેડિકલ-એક્સપર્ટ્સ કહે છે કે વાઇરસના આ રૂપ પર વૅક્સિનની પણ કોઈ અસર નથી. વૅક્સિન લીધેલાઓને પણ એ સ્વરૂપનો વાઇરસ વળગ્યો છે અને શરીરમાં ઍક્ટિવ રોલ પણ નિભાવે છે.
વૅક્સિન લીધી હોય તેમને પણ કોવિડ થાય છે એવું બન્યું છે, પણ ફેટલ એટલે કે કોવિડ જીવલેણ નથી બનતો એવું પુરવાર થયું છે, પણ કોવિડનું આ જે નવું રૂપ છે એ ઓમાઇક્રોન તો વૅક્સિન લીધેલા લોકો પર પણ ઘાતક પુરવાર થવાના પુરાવા મળ્યા છે અને એ ઘાતક બને પણ છે. આવી અવસ્થા વચ્ચે તમે તમારી સજ્જતા કેટલી જાળવી રાખી છે એ બહુ મહત્ત્વનો પ્રશ્ન છે અને આ પ્રશ્નની ચર્ચા આજે કરવાની છે. 
નામ પૂરતી આપણી સજ્જતા નથી સાહેબ. માણસ વીસરી ગયો છે કે કોવિડ આવ્યો હતો, પરંતુ કોવિડનું અસ્તિત્વ અત્યારે પણ અકબંધ છે. યાદ કરો, આઠ દિવસ પહેલાંની ‘મન કી બાત’. એ કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઑફિશ્યલ કહ્યું હતું કે કોવિડ ગયો છે એવું નથી, માટે જાતને સાચવજો. આવું તેમણે કહેવું શું કામ પડ્યું એ સમજાય છે તમને?
માણસ પોતાનું ધ્યાન રાખતો નથી, માણસ પોતાના સ્વજનોનું ધ્યાન રાખતો નથી અને એ જ કારણ છે કે તેમને ટપારીને કહેવું પડે છે કે પ્લીઝ, સાવચેતી રાખો. કોવિડ હજી અકબંધ છે, એ હજી ગયો નથી. કબૂલ, કોવિડ જવાનો નથી, એ ક્યારેય જશે નહીં. એ અકબંધ રહેશે અને કાયમ આપણી વચ્ચે જીવશે, પણ એની સામે ટકવાની જે સક્ષમતા હાંસલ કરવાની છે, એની સામે ટકી રહેવા માટે જે પગલાં લેવાનાં છે એ લેવાં પડશે અને એ લઈશું તો જ કોવિડને વધુ વિકરાળ બનતો આપણે અટકાવી શકીશું, પણ આટલી સાદી અને સરળ વાત આપણે સમજી નથી શક્યા અને આપણે હતા એવા જ ફરી થઈ ગયા છીએ. ગયા ડિસેમ્બરમાં પણ અમુક અંશે આ જ માહોલ હતો. કબૂલ કે ત્યારે વૅક્સિન આટલા લોકો સુધી નહોતી પહોંચી, પણ સાથોસાથ એ પણ એટલું જ સાચું કે આપણી બેદરકારી આવી અને આટલી જ હતી. એ બેદરકારીનું પરિણામ શું આવ્યું, કેવું આવ્યું. યાદ કરો તમે. માર્ચથી મે મહિના સુધી કોઈને રડતાં પણ નહોતું આવડ્યું એ સ્તરે પણ કોરોનાએ વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. ધારણ કરેલા એ રૂપને કારણે અનેકે પોતાના સ્વજન ગુમાવ્યા. સાહેબ, જઈને એક વખત એ લોકોને મળો જેમણે પોતાના પ્રિયજન ગુમાવ્યા છે. નથી કશું લૂંટાઈ જવાનું, નથી કશું બગડી જવાનું, ઓછું બહાર રહેશો તો. જરા તો વિચાર કરો કે તમે શું કરો છો અને કોને માટે કરો છો? બીમારી હેરાન કરે એવા દિવસો જોવા કરતાં તો બહેતર છે કે થોડો સમય એકલતાને આવકારવી.

columnists manoj joshi coronavirus covid19 Omicron Variant